Wednesday, 31 March 2021

Gujarati Essay on "Mafat Ni Maja", "મફતની મજા વિશે ગુજરાતી નિબંધ" for Students

Essay on Mafat Ni Maja in Gujarati: In this article "મફતની મજા વિશે ગુજરાતી નિબંધ", "Mafat Ni Maja Nibandh Gujarati Ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Mafat Ni Maja", "મફતની મજા વિશે ગુજરાતી નિબંધ" for Students

મફતની મજા: ગમે તેટલી ઉત્તમ વસ્તુ હોય અને તેની વધુમાં વધુ કિંમત ચૂકવી હોય છતાં મફત મળેલી વસ્તુ આગળ ખરીદેલી વસ્તુની વિસાત નથી રહેતી. કોણ જાણે કેમ, વર્ષોથી માનવને મફત મેળવવાની ટેવ પડી ગઈ છે. એકવાર મફતની મજા ચાખનાર માણસ એવો તો ખુશ થઈ જાય છે કે પછી એવી મફતની ચીજનો બંધાણી થઈ જાય છે. એની આ ટેવ એવો પીછો પકડે છે કે તેનાથી માણસ છૂટવા મથે તો ય છૂટી શકતો નથી.

આવી મફતની વૃત્તિનું બીજ બાળપણમાં જ વવાય છે. નાનાં બાળકોને ચૉકલેટ-બિસ્કિટ મફત મળે છે. તેનાથી ટેવાયેલાં બાળકો મોટાં થાય તો પણ આવું મફતનું મેળવવાની વૃત્તિ ધરાવે છે. ઉત્તરાયણ દરમિયાન મફત દોર-પતંગ મેળવવા થતી દોડાદોડ આપણે સૌએ જોઈ છે. તેમાંથી તોફાનો અને લૂંટફાટ પણ થાય છે. કેટલાક તો અકસ્માતમાં પોતાનો જાન પણ ગુમાવે છે. મફતનું મેળવવા જાન કુરબાન કરીને શહીદી વહોરનારા મફતવીરોની આ દુનિયામાં ખોટ નથી.

આપણા રોજિંદા વ્યવહારમાં પણ આપણને પડોશીઓ તરફથી થતા મફતિયા વહેવારનો અનુભવ થાય છે. તમે જાગીને ચા પીધી ન હોય ત્યાં પડોશી થોડી ખાંડ લેવા આવે; હજુ તમે છાપાનું દર્શન ન કર્યું હોય તે પહેલાં આંગણામાં પડેલું તમારું છાપું પડોશી ઉઠાવી લે; તમે શોધખોળ શરૂ કરો ત્યારે પૂરેપૂરું છાપું વાંચી લઈને તમને પરત કરવા દોડી આવતા પડોશી પાછા તમને સોનેરી શિખામણ ચોપડે, “તમે ફેરિયાને કહેજો કે છાપું નાખતાં પહેલાં ડોરબેલ વગાડે. આ તો ઠીક છે, હું સવારે દૂધ લઈને પાછો ફરતો હતો ત્યાં મારી નજર પડી. કોઈ બીજું લઈ ન જાય અને તમને “ડિસ્ટર્બ ન થાય તેથી છાપું મેં સાચવી રાખ્યું.”

કેટલાક પુસ્તકપ્રેમી સજ્જનો પુસ્તકો વાંચે છે તેથી વધુ ઘેર વસાવતા હોય છે. સી.બી.આઈ. દ્વારા એ બધાંની તપાસ કરાવીએ તો નેવું ટકા પુસ્તકો એમણે અન્ય પાસેથી તફડાવેલાં કે મફતમાં પડાવેલાં હોય છે. કેટલાક જ્ઞાન-વિસ્તારપ્રેમીઓ એથીય વધુ પ્રગતિશીલ જોવા મળે છે. તેઓ આમતેમથી મફતમાં પુસ્તક લઈ આવે ખરા, વાચવાના બહાને સંઘરી રાખે, પછી માલિક ઉઘરાણી બંધ કરતાં ખાતરી થાય કે હવે તે ભૂલી ગયો, ત્યારે એ પુસ્તકને વેચીને નાણાં ઊભાં કરી લે છે. દુનિયા ઝૂકતી હૈ..

જ્યાં દાન કે સદાવ્રત ચાલે છે ત્યાં જઈને જોઈશું તો જણાશે કે મફતનું મેળવવા કેવી પડાપડી થતી હોય છે. લોકો તૂટી પડે છે. અર્થાત્ મફતમાં લેવા જતાં થતાં રમખાણોમાં હાથ, પગે કે શરીરે પારાવાર ઈજાઓ થતાં ખરા અર્થમાં જ તૂટી પડે છે. સજ્જનો ને શાણા મફતનું લેવાનું ટાળે છે. તેઓ માને છે કે મફતનું તો નકામું અને તકલાદી હોય છે, મોંઘું હોય તે જ ઉત્તમ. આ સાંભળતાં કદાચ પેલી કહેવત યાદ આવે : દ્રાક્ષ ખાટી છે...

બાકી જે લોકોએ મફતનું મેળવવાની કળા કેળવી છે તેમના આનંદની કોઈ સીમા નથી. તેઓ માને છે કે ભગવાને આપણને મફતમાં જ જન્મ આપ્યો છે, હવા-પાણી મફત, પ્રકાશ મફત, સૂવા-રહેવા જમીન પણ મફત આપી છે. તો પછી માણસ જ વેપારી કેમ બની ગયો ? આવા મફત વ્રતધારી તો માને છે કે સાચું રામરાજ્ય એ છે જ્યાં બધું જ મફત મળે છે. આવા એક વ્રતધારીને કોઈક મજાકમાં કહ્યું કે “ભાઈ, આ મધ પીવું છે?' આપનાર ઉસ્તાદ હતો. તેણે દિવેલને મધ કહીને ધરી દીધું. મફતિયો કશું જ ન છોડે. તેણે કહ્યું કે “મધ હોય તો બે ચમચી વધુ આપજો . મધના નામે દિવેલ અપાયું. થોડા ખચકાટ પછીય પેલા ભાઈ ત્રણ ચમચી અડાવી ગયા. છેવટે ના રહેવાયું ત્યારે આપનારે પૂછ્યું : “ભાઈ, મધ કેવું લાગ્યું?' પીનારે કહ્યું, “ઘણું સારું.' ગુસ્સે થઈને આપનારે એક લાફો ચોડતાં પેલાને કહ્યું, “મૂર્ખ, મધ નહીં, દિવેલ હતું એય ખબર ના પડી?' જવાબ મળ્યો: “ભાઈ ! ઓળખ્યા પછી તો એક ચમચી વધુ માગ્યું. બે દિવસથી પેટ સાફ આવતું નહોતું... હવે છુટકારો થઈ જશે...... છે ને મફતની મજા !

Read also: 

  1. Essay on Road Accidents in Gujarati
  2. જો મનુષ્ય અમર હોત તો નિબંધ ગુજરાતી
  3. જો પરીક્ષા ન હોય તો નિબંધ ગુજરાતી
  4. What If We know Our Destiny Essay in Gujarati


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: