Essay on Destiny and Hard Work in Gujarati : In this article " પ્રારબ્ધ અને પુરુષાર્થ વિશે ગુજરાતી નિબંધ ", " નિયતિ અને સખત મ...
Essay on Destiny and Hard Work in Gujarati: In this article "પ્રારબ્ધ અને પુરુષાર્થ વિશે ગુજરાતી નિબંધ", "નિયતિ અને સખત મહેનત ગુજરાતી નિબંધ" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Destiny and Hard Work", "પ્રારબ્ધ અને પુરુષાર્થ ગુજરાતી નિબંધ" for Students
જીવનમાં કેટલાંક દ્વન્દ્ર એવાં હોય છે જે ક્યારેક પરસ્પર વિરોધી જણાય તો ક્યારેક પૂરક લાગે. વળી ચર્ચા કરવા બેસીએ તો બેઉનો સમન્વય થવો મુશ્કેલ જણાય. પહેલાં ઈંડું કે પહેલાં મરઘી? – જેવા પ્રશ્ન મૂંઝવે છે, તો પ્રારબ્ધ અને પુરુષાર્થમાં શું શ્રેષ્ઠ એ નક્કી કરવું મુશ્કેલ બને છે. વર્ષોથી વિદ્વાનોમાં આ બંનેના પક્ષમાં એવી દલીલો કરી છે કે વાચકો એના મનના મંથન બાદ હજુ કોઈ તારણ પર આવી શક્યા નથી. કદાચ સદીઓ પછીય આ ચર્ચા ચાલુ રહેશે.
આપણાં શાસ્ત્રોએ પ્રારબ્ધ અથવા નસીબ વિશે ઘણુંબધું લખ્યું છે. જ્યોતિષશાસ્ત્ર માણસના જીવન વિશે જુદી જુદી આગાહીઓ કરે છે. એનાથી પ્રારબ્ધ માટે પ્રજામાં એક જિજ્ઞાસા જાગે છે. સૌ પોતાના ભવિષ્યને જાણવા આતુર હોય છે. ભારતની પ્રજાના મન પર જયોતિષનો પ્રબળ પ્રભાવ હોવાથી મોટા ભાગે આપણે બધા પ્રારબ્ધવાદી થઈ ગયા છીએ. નસીબ પર આધાર રાખીને આપણી જીવનવ્યવસ્થા ગોઠવતા હોઈએ છીએ. બાળક જન્મતાંવેત એની કુંડળી દોરાય છે, લગ્ન અગાઉ એ કુંડળી મેળવાય છે અને અવસાન બાદ એની સગતિ માટે ચોઘડિયા જોઈને શ્રાદ્ધ-દાનની વિધિ કરાય છે. વળી જે કર્મફળ મળે તેને પણ નસીબ ગણીને સ્વીકારવામાં આવે છે. આમ ભારતીય પ્રજા પૂરી પ્રારબ્ધવાદી છે.
જીવનની સફળતા-નિષ્ફળતાઓને ભાગ્યનું પરિણામ ગણવું એ પ્રારબ્ધવાદનું પ્રાથમિક લક્ષણ છે. માણસનું સુખ-દુઃખ, ચડતી-પડતી કે યશ-અપયશને નસીબના આધારે મૂલવતા આ લોકો પોતાનું જીવન ભાગ્ય પર છોડી દઈ નિષ્ક્રિય બનીને બેસી રહે છે. જન્મફળ, રાશિ અને ગ્રહોના ચકરાવામાંથી તેઓ ઊંચા આવતા જ નથી. આવા લોકો દઢપણે માને છે કે માણસ લાખ પ્રયત્ન કરે તો પણ એનું નસીબ નિર્બળ હોય ત્યારે એને સફળતા મળતી નથી. જ્યારે માણસના ભાગ્યમાં સિદ્ધિ કે સમૃદ્ધિ લખાઈ હોય તો એને વિના પ્રયત્ન તે મળી રહે છે.
પુરુષાર્થ એટલે પરિશ્રમ. વ્યક્તિ પોતે પામવા માટે જે કંઈ મહેનત કે પ્રયત્ન કરે છે તે પુરુષાર્થ કહેવાય છે. પ્રારબ્ધવાદની સામે છેડે બેસતા પુરુષાર્થવાદીઓ એમની અલગ માન્યતા ધરાવે છે. તેઓ કહે છે કે માનવીને પુરુષાર્થ વિના કશું જ મળતું નથી. પ્રારબ્ધમાં ગમે તે લખાયું હોય, પરંતુ એને પામવાનો પ્રયત્ન તો માણસે પોતે જ કરવાનો હોય છે. વળી દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય પોતાના પુરુષાર્થ વડે ઘડી શકે છે. પુરુષાર્થ કરનાર મનુષ્ય ઇચ્છિત સુખસંપત્તિ મેળવી શકે છે. સખત મહેનત કરનાર માટે નેપોલિયને કહ્યું છે કે કશું અસંભવ જેવું છે જ નહીં. “આપણા ભાગ્યના ઘડવૈયા, બાંધવ આપણે' એમ કવિ રાજેન્દ્ર શાહે લખ્યું છે. સ્પષ્ટ વિચારો અને દઢ સંકલ્પ ધરાવનાર મનુષ્ય ધારેલું ફળ મેળવીને જ રહે છે. અથાગ પરિશ્રમ પાછળ અડગ મનોબળ હોવું આવશ્યક છે એ સમજાવતાં એક કવિએ સાચું જ કહ્યું છે :
કદમ અસ્થિર હો તેને કદિ રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
આમ એક તરફ પ્રારબ્ધ અને બીજી બાજુ પુરુષાર્થ છે. માનવે જો બેમાંથી એકની પસંદગી જ કરવી હોય તો તેણે પુરુષાર્થ પસંદ કરવો જોઈએ. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે માત્ર પ્રારબ્ધ પર મીટ માંડીને બેસી રહેવું તે નરી મૂર્ખાઈ છે. જગતનો ઇતિહાસ જોઈશું તો જણાશે કે તેમાં નસીબવંત માનવો કરતાં પરિશ્રમી વ્યક્તિઓનાં પરાક્રમોની નોંધ વધુ લેવાઈ છે. ભાગ્યને આપણે જાણતા જ નથી છતાં એની આશા રાખવી તે બુદ્ધિહીન વાત છે. જયારે પુરુષાર્થ તો આપણા હાથની જ વાત છે, છતાં પરિશ્રમ ન જ કરીએ તો ભાગ્ય શી મદદ કરશે? પુરુષાર્થ હશે તો જ પ્રારબ્ધ ફળશે, અથવા પ્રારબ્ધ સુધી પહોંચવા માટે પણ પુરુષાર્થ અનિવાર્ય છે એમ કહેવું ખોટું નથી.
ભગવાને મનુષ્યને હાથપગ, મગજ અને બુદ્ધિ આપ્યાં છે. પરિશ્રમ કરવાના આ ઉપયોગી અવયવો પ્રત્યે ઉપેક્ષા રાખીને બેસી રહેનારને ભાગ્ય પણ મદદ નથી કરતું. એટલે જ કહેવાયું છે કે બેઠેલાનું નસીબ બેઠું રહે છે. ઊભેલાનું ઊભું અને ચાલનારનું નસીબ જ ચાલે છે. તમિળ વેદ તિરુકુળમાં કહ્યું છે કે નસીબ પુરુષાર્થની દાસી છે. એમાં પણ પુરુષાર્થની મહત્તા સૂચવાઈ છે. એટલે આપણે એટલું જરૂર તારવી શકીએ કે જીવનમાં પહેલાં પુરુષાર્થ કરો, પછી પ્રારબ્ધ પર ફળ છોડી દો.
COMMENTS