Santoshi Nar Sada Sukhi Vichar Vistar in Gujarati : In this article " સંતોષી નર સદા સુખી ગુજરાતી નિબંધ ", " સંતોષી નર સદા સુખ...
Santoshi Nar Sada Sukhi Vichar Vistar in Gujarati: In this article "સંતોષી નર સદા સુખી ગુજરાતી નિબંધ", "સંતોષી નર સદા સુખી વાક્ય સમજાવો નિબંધ "for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Santoshi Nar Sada Sukhi", "સંતોષી નર સદા સુખી ગુજરાતી નિબંધ" for Students
દરેક ભાષામાં કહેવતો વપરાતી જોવા મળે છે. આ કહેવતમાં કોઈ એક ઉત્તમ વિચારને અનુભવના એરણ પર ચડાવી-કસીને કંડારવામાં આવ્યો હોય છે. એમાં સમાવિષ્ટ ચિંતનને સમજી-સ્વીકારીને આપણા જીવનમાં ઉતારીશું તો સુખી થઈશું. ગુજરાતીમાં પ્રચલિત આ કહેવત આપણે સંતોષ વિશે એક સુંદર પ્રેરક વિચાર આપે છે. સંસારમાં સુખ મેળવવા માટે ધન, ભૌતિક સગવડો, સંપત્તિ કે સત્તા એમ ઘણુંબધું મેળવવા માણસ સતત ઝૂઝતો રહે છે. એના આ સંઘર્ષનો અંત નથી આવતો. એનું કારણ એ છે કે માણસ કોઈ વસ્તુ-પદાર્થ કે સંપત્તિ મેળવ્યા પછી પણ સંતુષ્ટ નથી રહેતો. મળેલી વસ્તુનો આનંદ પામે ન પામે ત્યાં જ એને બીજું સુખ મેળવવાની તાલાવેલી લાગે છે. સંતોષ ન હોય તે વ્યક્તિ પોતે જે કંઈ મેળવ્યું છે તેનો આનંદથી ઉપયોગ કરી નથી શકતો. એટલે આ કહેવતમાં કહેવાયું છે કે ખરા સુખી થવા ઝંખનાર માણસે સંતોષનો ગુણ કેળવવો જોઈએ. જે સંતોષ પામી શકે છે તે સુખનો આનંદ માણી શકે છે. સંતોષ ન થાય તેવા માણસ પાસે વૈભવના ઢગલા પડ્યા હોય છતાં તે દુઃખી જ રહે છે.
ભગવાન બુદ્ધે કહ્યું છે કે જગતમાં સર્વ દુઃખોનું મૂળ ઇચ્છા છે. પ્રાથમિક જરૂરિયાત કે અસ્તિત્વને ટકાવવા જરૂરી હોય તેવાં કાર્યો કરવાં અનિવાર્ય છે. પરંતુ એથી વધારાની ઇચ્છા રાખવાથી માણસ નિરંતર ખેંચાતો જ રહે છે અને દુઃખી થાય છે. એટલે માણસે વ્યવહારજીવનમાં મર્યાદિત ઈચ્છા રાખીને જેટલું મળ્યું છે તેમાં સંતુષ્ટ રહેવું એ જ પરમસુખની ચાવી છે. સુખદુઃખ અથવા અમીરગરીબના ભેદની ભૂમિકા સંતોષ ઉપર બંધાય છે. જે સંતોષી છે તે સુખી અને અમીર છે, જે અસંતુષ્ટ છે તે દુઃખી અને ગરીબ છે. આ સમજાવતાં સંસ્કૃતના એક શ્લોકમાં કહ્યું છે :
स हि भवति दरिद्रो यस्य तृष्णा विशाला।
मनसि च परितुष्टे कोर्थवान को दरिद्रः ॥
એટલે કે જેની ઇચ્છા (તૃષ્ણા) વધુ પડતી (વિશાળ) હોય એ માણસ ગરીબ છે. મન સંતુષ્ટ હોય તો કોણ દરિદ્ર અને કોણ ધનવાન?
જગતના ભૌતિક પદાર્થો નાશવંત છે તેમ જાણવા છતાં એની પ્રાપ્તિ માટે દોટ મૂકનારા ઓછા નથી. પદાર્થનું સુખ નાશવંત કે ક્ષણિક છે, સંતોષનો ગુણ અંતરનો સાચો આનંદ આપે છે. એટલે માણસે સુખી થવું હોય તો ઇચ્છાઓ મર્યાદિત રાખીને જે કંઈ મળ્યું છે તેનો આનંદ માણી સંતોષથી જીવવું જોઈએ. અનુભવી સિકંદરે પોતાના મૃત્યુ બાદ એની કબરની બહાર એના ખાલી હાથ રાખવાની સૂચના આપી હતી. એ દ્વારા તેનો સંકેત એ જ હતો કે જગતમાંથી મનુષ્ય ખાલી હાથે જાય છે, સાથે કશું આવતું નથી. એટલે વધુ પામવા માટે દુઃખી થવું નકામું છે. ઓછું મેળવો પણ આનંદથી જીવો. આવા અનુભવીઓની રચેલી આ કહેવત પણ આપણને સાચા સુખનો માર્ગ ચીંધતાં યોગ્ય જ કહે છે, સંતોષી નર સદા સુખી થાય છે.
COMMENTS