Madhyam Varg ni Samasya Essay in Gujarati : In this article " મધ્યમ વર્ગની સમસ્યાઓ નિબંધ ગુજરાતી ", " Essay on Problems of Mi...
Madhyam Varg ni Samasya Essay in Gujarati: In this article "મધ્યમ વર્ગની સમસ્યાઓ નિબંધ ગુજરાતી", "Essay on Problems of Middle class in Gujarati" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Madhyam Varg ni Samasya", "મધ્યમ વર્ગની સમસ્યાઓ નિબંધ ગુજરાતી" for Students
આર્થિક ક્ષમતાની દૃષ્ટિએ આપણો સમાજ ત્રણ સ્તરમાં વહેંચાયો છે – ગરીબ, મધ્યમ અને ધનિક. અત્યંત ઓછી આવક અને જીવનનિર્વાહનાં પ્રાથમિક સાધનોના અભાવથી જીવતા લોકો ગરીબ ગણાય છે. અખૂટ સંપત્તિ અથવા અઢળક આવક અને જીવનમાં મોજમજા માણવા સમર્થ લોકોનો વર્ગ શ્રીમંત કે ધનિક કહેવાય છે. આ બંને વચ્ચેનો સમાજનો સૌથી વિશાળ વર્ગ મધ્યમ સ્તરનો ગણાય છે. આ કક્ષામાં જીવતા લોકો નથી પૂરા ગરીબ કે નથી સંતોષ પામતા શ્રીમંત. મધ્યમ વર્ગના લોકોને નિયમિત કે મર્યાદિત એવી નિશ્ચિત આવક હોવાથી તે ગરીબ નથી. આવા લોકો ઉડાઉ ખર્ચ કરી મોજવિલાસનું જીવન જીવી શકતા ન હોવાથી તે પૂરા ધનિક પણ ના ગણાય. આમ બંને અંતિમોની વચ્ચેની સ્થિતિમાં જીવતા આ મધ્યમવર્ગના લોકોનો સમુદાય દરેક દેશ કે રાજ્યમાં ગરીબ-અમીર કરતાં ઘણો મોટો હોય છે.
આવકની મર્યાદા આ વર્ગના લોકોની સૌથી પહેલી મુશ્કેલી છે. મોટા ગજાના ઉદ્યોગધંધા સ્થાપવા કે ચલાવવાની મૂડી ન હોવાથી મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગના લોકો નોકરી કરતા હોય છે અથવા નિયમિત ગુજરાન ચલાવવા પૂરતી રકમ મળે તેવા નાનામોટા વેપારધંધામાં રોકાયા હોય છે. માસિક આવકમાંથી કુટુંબની પ્રાથમિક જરૂરિયાતો એકલી જ પૂરી થતી હોવાથી મધ્યમવર્ગના લોકોને મનોરંજન કે મોજશોખ માટે ખર્ચવા નાણાં બચતાં નથી. તેને બદલે રોજિંદી જરૂરિયાતથી વધારાના કોઈ પણ ખર્ચની જોગવાઈ ન હોવાથી મધ્યમ વર્ગના લોકો સતત આર્થિક ખેંચમાં જ જીવતા હોય છે. બે ટંક ભોજન, થોડાં કપડાં અને સામાન્ય ઘરવખરી સિવાય એમની પાસે વિશેષ કશું હોતું નથી. એટલે આવકજાવકના બે છેડા માંડ ભેગા કરતા આ લોકોનું જીવન સતત નાણાભીડમાં જ પસાર થતું હોય છે.
મધ્યમ વર્ગની બીજી મોટી મુશ્કેલી છે સામાજિક પરંપરાઓમાં દેખાદેખી ઢસડાવાની. જન્મદિવસ, લગ્નપ્રસંગ કે શ્રાદ્ધ જેવા કુટુંબના પ્રસંગોમાં સમાજ કે જ્ઞાતિએ પાડેલી પ્રથા મુજબ ખર્ચ કરવાની આ લોકોને ફરજ પડે છે. આવા ખર્ચનો વિરોધ કરનારની નિંદા થાય કે સામાજિક બહિષ્કાર થાય એ ડરથી તેઓ ગજા. ઉપરાંતનો ખર્ચ કરતા હોય છે. પરિણામે દેવું કરીને કે લોન લઈને જોગવાઈ કરવી પડે છે. આવા કરજમાં જીવન પૂરું થઈ જતાં સુખશાંતિ કે મોજમજાનું તો નામ પણ લઈ શકાતું નથી.
સતત વધતી મોંઘવારી આ વર્ગની કદાચ સૌથી મોટી સમસ્યા છે. ભાવવધારાની અસર ગરીબોને વધારે નથી થતી. ગરીબ વર્ગ પોતાની જરૂરિયાતો ઘટાડીને જીવતો રહેવા ટેવાયેલો હોય છે. શ્રીમંતોને મોંઘવારી નડતી નથી. મધ્યમ વર્ગના લોકો નથી રોજિંદી જરૂરિયાતો કે પરંપરાગત ખર્ચ ઘટાડી શકતા કે નથી શ્રીમંતની જેમ ભવિષ્યનો વિચાર કર્યા વિના આંખ મીંચીને ખર્ચી શકતા. આવા લોકો સમાજની પરવા કર્યા વિના નથી ગરીબ બની શકતા કે નથી શ્રીમંત થઈ શકતા. વળી પગાર કે આવક તો પછી વધે છે પણ તે પહેલાં મોંઘવારી આવે છે. એટલે સતત ભીંસમાં આવીને કહેવાતી સામાજિક પ્રતિષ્ઠાને પકડી રાખવા મરણિયો પ્રયાસ કરતા રહે છે.
કુટુંબની પ્રાથમિક જવાબદારી માંડ પૂરી કરતા વડાને માથે સંતાનોના ઉછેરની કપરી જવાબદારી વેંઢારવાની આવે છે, ત્યારે એની સ્થિતિ દયનીય બને છે. પ્રેમ હોવા છતાં સંતાનોની માગ પૂરી કરી ન શકે અથવા ખર્ચાળ શિક્ષણ ન આપી શકે ત્યારે મૂંઝવણ અનુભવતા મધ્યમ વર્ગના વાલીની સ્થિતિ કેવી હોય એ તો અનુભવી હોય તે જ જાણે. આમ સમાજનો મધ્યમ વર્ગ પારાવાર વિષમતાઓની સતત ભીંસમાં જીવતો હોય છે.
COMMENTS