Monday, 28 December 2020

Gujarati Essay on "The Problems of Students and Parents", "વિધાર્થી અને વાલીની સમસ્યા ગુજરાતી નિબંધ" for Students

Essay on The Problems of Students and Parents in Gujarati: In this article "વિધાર્થી અને વાલીની સમસ્યા ગુજરાતી નિબંધ" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "The Problems of Students and Parents", "વિધાર્થી અને વાલીની સમસ્યા ગુજરાતી નિબંધ" for Students

માનવજીવન એટલે વિવિધ સમસ્યાઓનો શંભુમેળો. સમાજના દરેક ક્ષેત્રમાં જીવતા નાનામોટા માણસને જાતજાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. વ્યવહારજીવનનાં અન્ય ક્ષેત્રોની સરખામણીમાં શિક્ષણની સમસ્યાઓનું પ્રમાણ વધુ બહોળું છે. આજના વિદ્યાર્થી અને વાલીની સમસ્યાઓનો અનુભવ સમાજમાં રહેતા દરેક પરિવારને થયો હોય છે. આમાંની મહત્ત્વની થોડી બાબતો આપણે વિચારીશું.

બાલમંદિર કે પ્રાથમિક શાળામાં જતા આજના વિદ્યાર્થીને જોતાં જલાગણીશીલ વ્યક્તિને દુઃખની લાગણી ઉદ્ભવશે. દૂરની શાળામાં ચાલીને કે સાઇકલ પર જવાનું હોય તે ક્યારેક ઘેટાં-બકરાંની જેમ ઠાંસેલી રિક્ષા કે બસમાં ગોંધાઈને કે લટકીને જવાનું હોય. પાઠ્યપુસ્તકો, નોટબૂક્સ, કંપાસ, પ્રયોગપોથીઓ અને લંચબૉક્સથી વજનદાર બનેલા કોથળા જેવા દફતરનું વહન કરતો વિદ્યાર્થી જાણે બાળમજૂર જેવો લાગે છે.

વ્યાપારી ધોરણે ચાલતી શાળાઓમાં શિક્ષણને માટે પૂરતી સવલતો હોતી નથી. વર્ગમાં ખીચોખીચ બેસતા વિદ્યાર્થીઓ, અપૂરતાં પ્રકાશ કે હવાઉજાસ વિનાના ઓરડા, પીવાના પાણીનો અભાવ, રમતના મેદાન વિનાની શાળામાં ટેરેસ પર લેવાતા વ્યાયામના તાસ જેવા અનેક ત્રાસ વિદ્યાર્થીને વેઠવા પડે છે. રોજિંદા અભ્યાસના બોજ હેઠળ સતત દબાતો રહેતો વિદ્યાર્થી ઇતર પ્રવૃત્તિ માટે કશો રસ કે સમય આપી શકતો નથી અને યંત્રવતુ ભણતો જાય છે. આમ છતાં એનું એકેય વર્ષ આંદોલન વિના જતું નથી. વિદ્યાર્થીઓ, અધ્યાપકો કે સમાજના અન્ય વર્ગના કોઈ ને કોઈ આંદોલનને કારણે તેનો અભ્યાસ ડહોળાય છે. જેમ તેમ કરતાં વર્ષ પૂરું થાય ત્યાં પરીક્ષા મોં ફાડીને સામે આવી ગઈ હોય છે.

પરીક્ષાનો ડર તો વર્ષની શરૂઆતથી જ હોય છે. તેમાંય ચાલતી ગેરરીતિઓથી મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓને ઘણું સહન કરવું પડે છે. ધાકધમકી અને દાદાગીરીના વાતાવરણમાં સીધા અને સરળ વિદ્યાર્થીનું મન સ્વસ્થ રહેતું નથી. આજે પરીક્ષામાં ચાલતી ગેરરીતિઓથી ત્રસ્ત વાતાવરણ વચ્ચે હોશિયાર વિદ્યાર્થી માર્યો જાય છે. લાંચરુશ્વત અને અન્ય ગેરરીતિઓ અપનાવનાર ફાવી જાય છે. શિક્ષણમાં પાર ઊતરીને પદવી પામ્યા પછીય બેકારીની સમસ્યા તેનું સ્વાગત કરતી ઊભી હોય છે.

વિદ્યાર્થીઓની જેમ વાલીની સમસ્યાઓ પણ વિકરાળ હોય છે. પોતાનાં સંતાનોને શાળામાં પ્રવેશ અપાવવા માટે દોડધામ શરૂ કરવી પડે છે. ઉપરાંત લાગવગ, લાંચ કે ડોનેશન જેવા માર્ગ અપનાવવા છતાં સારી શાળા કે કૉલેજમાં એમિશન મળતું નથી. છેવટે પ્રવેશ મળે ત્યારે ફી, પાઠ્યપુસ્તકો, નોટબૂક્સ, યુનિફોર્મ, ટ્યૂશન, પ્રવાસખર્ચ, પરીક્ષા-ફી એમ જાતજાતના ખર્ચથી વાલીની કમર બેવડ વળી જાય છે. સતત નાણાં ખર્ચતા રહેવા છતાં વર્ષના અંતે પરીક્ષા પછી વિદ્યાર્થીને રાહત થાય છે, વાલીને નહીં. સંતાને પરીક્ષા આપ્યા પછી પણ વાલીની દોડધામ તો ચાલુ જ રહે છે. પેપરો ક્યાં ગયાં, કેટલા માર્ક મળ્યા, પાસ થયા કે નાપાસ - બધી પળોજણ વાલીએ રાખવી પડે છે.

જેમ તેમ કરીને સંતાન શિક્ષણ પૂરું કરે ત્યારે તેને પદવી મળે છે, વાલીને કશું મળતું નથી. ભણ્યા પછી વિદ્યાર્થીનું કામ પૂરું થાય છે. વાલીએ હજુ તેને નોકરીધંધામાં ગોઠવવાની જવાબદારી બાકી રહે છે. શિક્ષિત બેકાર સંતાન પાળવાપોષવા ને પરણાવવાની જવાબદારીમાંથી તે મુક્ત થતો નથી. આમ આજના સમાજના અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં વિદ્યાર્થી-વાલીની સમસ્યાઓ વિશેષ જોવા મળે છે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: