Essay on Autobiography of a Politician in Gujarati : In this article " એક પદભ્રષ્ટ નેતાની આત્મકથા નિબંધ ", " Ek Neta ni atmak...
Essay on Autobiography of a Politician in Gujarati: In this article "એક પદભ્રષ્ટ નેતાની આત્મકથા નિબંધ", "Ek Neta ni atmakatha Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Autobiography of a Politician", "એક પદભ્રષ્ટ નેતાની આત્મકથા નિબંધ" for Students
આપણા એક કવિએ સરસ પંક્તિ લખી છે : “એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી.” ખરી વાત છે. સૌ કોઈ સુખના દિવસોમાં જીવતા હોત તો કોઈને દુઃખ રહેત નહીં. મારા ભૂતકાળને હું વાગોળું છું ત્યારે આજે મને ઉપરની કાવ્યપંક્તિ સાચી લાગે છે. એક સમય એવો હતો, જ્યારે આ શહેરના રસ્તા પર હું વાતાનુકૂલિત કારમાં નીકળતો હતો ત્યારે મારી આગળ પોલીસ, ઍસ્કૉર્ટ અને પાછળ સચિવ વગેરેની ગાડીઓ મારી સેવામાં રહેતી હતી. રસ્તામાં હજારો લોકો મારાં દર્શન અને કૃપાદૃષ્ટિ પામવા ડોકિયાં કરતા રહેતા. આજે શહેરના એ જ માર્ગે જૂનાં કપડાં અને તૂટેલી ચંપલ સાથે હું ચાલી રહ્યો છું. આ સ્મરણો તાજાં થતાં સમયનું ભાન ભુલાય છે ત્યારે, “એય આંધળા, સખણો ચાલ ને !” જેવા શબ્દો સાથે મને ધક્કે ચડાવીને લોકો મને મારી વાસ્તવિકતાનું ભાન કરાવે છે.
માણસના સુખદુઃખનું મૂળ કારણ એનામાં જન્મતી અને ફૂલતી-ફાલતી ઇચ્છા અથવા આકાંક્ષા છે. નાનપણથી તેને રૂડુંરૂપાળું નામ આપી લોકો તેને મહત્ત્વાકાંક્ષા' કહે છે. નિશાળમાં ભણતાં અધકચરું જાણ્યું હતું કે વ્યક્તિમાં મહત્ત્વાકાંક્ષા હોય તો જ એ મહાન થઈ શકે. બસ, ત્યારથી મહાન આકાંક્ષા કઈ રાખવી એની લગની લાગી. એવામાં શાળાના એક સમારંભમાં શિક્ષણપ્રધાન મુખ્ય મહેમાન તરીકે પધાર્યા. તેમનો પ્રભાવ, એમનું દબદબાભર્યું સ્વાગત અને એમને અપાતાં માનપાન જોતાં જ આપણે તો નક્કી કરી નાખ્યું : મોટો થઈશ તો હું આવો પ્રધાન થઈશ, નેતા થઈશ.
એક વાર સંકલ્પ કર્યો પછી એની પૂર્તિ માટે તૈયારી કરવી રહી. ભણવું ગૌણ છે, સેવા મહાન છે. લોકોને મળવું, તેમનાં કામ કરવાં, તેમને સાંભળવા, વચન આપવાં, થાબડવા, કામ ના થઈ શકે તો તરત હાથવગાં કારણો આપી દેવાં, વિરોધ પક્ષના કાર્યકરોની ક્યારેક નિંદા તો ક્યારેક પ્રશંસા કરવી, હોદ્દાની રૂએ સંપત્તિ અને સત્તા કેવી રીતે વિસ્તારવી આ બધી નાનીમોટી વાતો માટે પ્રત્યક્ષપરોક્ષ જાણકારી મેળવવા માંડી.
મારી ઇચ્છાને ગ્રહો સાથ આપતા હોય તેમ હું નાપાસ થયો છતાં પડોશના, શાળાના અને પરિચિતોના મુખે મારી સેવા અને બધાંને મદદરૂપ થવાની પરોપકારીવૃત્તિનાં વખાણ જ થતાં રહ્યાં. અભ્યાસ છોડતી વખતે ન દુઃખ થયું મને કે ન થયું ઘરનાં વડીલોને. મહાન કાર્ય માટે પ્રયાણ કરતા કોઈ રાજવીની જેમ સૌએ રાજકારણમાં જોડાવાનો મારો નિર્ણય હર્ષથી વધાવી લીધો. શહેરની નગરપાલિકામાં ચૂંટણી થઈ. મારા વૉર્ડમાંથી લોકોએ મને ચૂંટ્યો. પછી તો સહકારી બેન્ક, ડેરી અને સહકારી મંડળીથી માંડી રોટરી અને લાયન ક્લબ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં મેં પગપેસારો કર્યો. આ બધે પ્રાથમિક તાલીમ મેળવીને મેં વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું.
શરૂઆત મારા એકલાની હતી. હવે મારી સાથે એક વિરાટ માનવમેદનીનું પીઠબળ ઊભું હતું. લોકોએ મારો જોરશોરથી પ્રચાર કર્યો. નાણાંની રેલમછેલ કરી નાખી. મારી પાસે તો ફૂટી કોડી પણ ન હતી. કોણ જાણે કોના પૈસે આ બધું થાય છે તેની મને ખબરેય ન પડી. હું જીત્યો. એક નેતા બનવાનું સ્વપ્ન હાથવેંતમાં આવતાં મારા આનંદનો પાર ન રહ્યો. છેવટે હું પ્રધાન થયો. જાણે ધરતી પર સ્વર્ગ ઊતરી આવ્યું. નવો વિશાળ બંગલો, સેવકો-સચિવથી માંડી નાના-મોટા અધિકારીઓનો કાફલો અને કાર, વિમાન કે હેલિકૉપ્ટર જેવી માગતાં જ મળતી સવલતથી હું જાણે ધન્ય થઈ ગયો.
પરંતુ મને પતનની કલ્પના તો ક્યાંથી આવે ? મારી જાણ બહાર મારા નામે ભ્રષ્ટાચાર થવા લાગ્યો. મારું ખાતું ચર્ચાનો વિષય બન્યું. આક્ષેપોનો વરસાદ થયો. એ સામે મારી બચાવછત્રી કાગડો થઈ ગઈ. લોકોએ મને ચૂંટીને પ્રધાન બનાવ્યો હતો એ જ પ્રજાજનોએ મને પ્રધાનપદેથી દૂર કરાવ્યો. મારી મહત્ત્વાકાંક્ષાએ મને જેટલો ઊંચે ચડાવ્યો તેટલી જ ઊંચાઈથી મને પછાડ્યો. પ્રજા આંધળી છે. મૂર્ણ છે કે નેતા મહત્ત્વાકાંક્ષી - એ પ્રશ્નનો ઉત્તર મને જડતો નથી.
Read all type of Essay Hindi and keep share more information
ReplyDelete