Gujarati Essay on "Village Life and City Life", "ગ્રામ્ય જીવન અને શહેરી જીવન નિબંધ" for Students

Admin
0

Essay on Village Life and City Life in Gujarati: In this article "ગ્રામ્ય જીવન અને શહેરી જીવન નિબંધ", "ગામ અને શહેર તફાવત નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Village Life and City Life", "ગ્રામ્ય જીવન અને શહેરી જીવન નિબંધ" for Students 

શહેરી જીવનનું આકર્ષણ સૌ કોઈને છે. શહેરમાં સગવડ છે, સુઘડતા છે, સમૃદ્ધિ છે અને પ્રગતિ છે. ગામડાના વસવાટમાં ન મળે સુખનાં સાધનો કે ન મળે ભભકાભરી સમૃદ્ધિનાં દર્શન. ગામડું એટલે પછાતપણું, નિરક્ષરતા અને વૈદ્યકીય સારવારનો અભાવ. જે શહેરમાં જઈને વસ્યું તેને ગામડામાં જવાનું મન ભાગ્યે જ થાય છે. ઈશ્વરે ગામડું બનાવ્યું અને માણસે શહેર બનાવ્યું. ઈશ્વરના આશીર્વાદ ભલે ગામડાં પર વરસતા હોય, પરંતુ માણસનું આકર્ષણ તો પોતે રચેલી સંસ્કૃતિએ ઘડેલા શહેર પર જ ઠરેલું રહે છે.

ગામડાં ભાંગે છે અને શહેર બંધાતાં જાય છે. વેપાર-રોજગાર અને હુન્નરઉદ્યોગ ખીલતા જાય અને શહેર સમૃદ્ધ બનતાં જાય છે. ગામડાં ભાંગીને શહેરો ભલે બંધાતાં હોય છતાં બંધાતાં જતાં શહેરોને લીધે ગામડાંની સંખ્યા કંઈ એકદમ ઘટી જવાની નથી અને જ્યાં સુધી શહેરો સંખ્યામાં ઓછાં હશે ત્યાં સુધી ખરા હિંદુસ્તાનનાં દર્શન કરવા માટે આપણે ગામડાંમાં જ જવું પડશે.

શહેર પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરે છે જયારે ગામડું પ્રાચીન પરંપરાને જાળવી રાખે છે. અનેક કાયાપલટ ખાઈ ટકી રહેલાં આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક બંધનોની ઘટમાળ ગામડાંને લાધેલી હોય છે. અને એ પરંપરા એના વ્યક્તિત્વને વિશિષ્ટતા પણ અર્પે છે.

પણ શહેરી જીવનની બાહ્ય સગવડતાની ભીતરમાં શું છે તે વિચારવા જેવું છે. સંસ્કૃતિના સ્તંભ જેવાં લાગતાં ક્લબો અને સભાઓ, હોટલો અને મિજલસો વગેરેમાં કૃત્રિમતા સિવાય બીજું શું માલુમ પડે છે? શહેરી જીવનમાં હેતભાવ, સ્વાર્થત્યાગ, નિખાલસતા અને નિર્મળ પ્રેમ ઓછાં જોવા મળે છે. શહેરનાં ખોરાક અને દૂધ શહેરીઓના બાહ્ય ભપકા જેવાં જ આડંબરી અને સ્થાયી શક્તિ વગરનાં હોય છે. શહેરી જીવન ઝડપી, ઉતાવળિયું, અશાંત અને ઉપરચોટિયું હોય છે.

ત્યારે ગામડામાં શું હોય છે? ગામડું કુદરતી જીવનની મીઠાશવાળું સ્વચ્છ ખોરાક અને સ્વચ્છ હવા તથા આરોગ્યમય પાણીવાળું હોય છે. ગામડામાં શહેરની બનાવટી રોનક નથી હોતી પરંતુ ત્યાં કુદરત માતાએ પોતાની સમૃદ્ધિ ઉદારતાથી વેરી હોય છે. લોકોનાં મન તેમનાં હૃદય જેવાં વિશાળ હોય છે. તેમનો વ્યવહાર તેમની આંખો જેવો નિર્મળ હોય છે. ગામડાંને પ્રભુએ બનાવ્યાં એમ જે કહેલું છે તેમાં ખરે જ યોગ્યતા રહેલી છે.

પણ શહેરની જેમ ગામડાંમાં પણ કાવાદાવા ઓછા નથી હોતા. ગામડાનું પછાતપણું, શિક્ષણનો અભાવ, અનુભવની મર્યાદા વગેરેને લીધે આપણાં ગામડાં સુસંસ્કૃત રુચિને ગમે નહિ તેવાં બની ગયાં છે. ગામડાનો પ્રેમ નિખાલસ લાગતો હશે ખરો, પણ ગામડિયામાં ક્ષુદ્ર સ્વાર્થ નથી જ હોતો એ તો કોઈ નહિ કહી શકે. ગ્રામજન પ્રકૃતિના ધામમાં રહે છે ખરો પરંતુ પ્રકૃતિ-સૌન્દર્યને આસ્વાદવાની સરસતા એના હૃદયમાં નથી હોતી. શહેરી યુવકોને ગામડાંની સેવા કરવાનો શોખ લાગે છે ખરો, પણ તે ગામડાંમાં જાય છે ત્યારે તેમને થાક લાગી જાય છે અને ગામડાંને પોતે ખરે જ કંઈ આપી શકે તેમ નથી એવી દરિદ્રતાને અનુભવે છે. શહેર અને ગામડાનું અંતર આજે તો ઘણું છે. એ બંનેની સંસ્કારિતાના વિનિમયમાં હિંદની સંસ્કૃતિના સાચા ગુંફનની પ્રગતિમય શક્યતા રહેલી છે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !