Wednesday, 2 December 2020

Gujarati Essay on "Nishan Chuk Maaf", "નિશાન ચૂક માફ વિચાર વિસ્તાર" for Students

Nishan Chuk Maaf Vichar Vistar in Gujarati: In this article "નિશાન ચૂક માફ વિચાર વિસ્તાર", "નિશાન ચૂક માફ ગુજરાતી નિબંધ" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Nishan Chuk Maaf", "નિશાન ચૂક માફ વિચાર વિસ્તાર" for Students

સ્વ. કવિ બ. ક. ઠાકોરની સુપ્રસિદ્ધ કાવ્યપંક્તિઓમાંની આ એક પંક્તિ છે : “નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન.” એનો અર્થ છે, કદાચ ઊંચું નિશાન તાકતાં ચૂકી જવાય તો તે ક્ષમાને પાત્ર છે, પરંતુ નીચું નિશાન (હલકું ધ્યેય) માફ ન કરી શકાય. કવિ અહીં માનવના જીવનમાં ઉચ્ચ ધ્યેય અને આદર્શની મહત્તા સમજાવે છે.

ધ્યેય વિનાનું જીવન સુકાન વિનાની નાવ જેવું છે એમ સૌ માને છે. એટલે ધ્યેયહીન જીવન નિરર્થક વહી ન જાય એ માટે દરેક માણસે એક ઉદ્દેશ પસંદ કરવો જોઈએ. આપણું જીવનધ્યેય કેવું હોવું જોઈએ તેને વિશે જાગ્રત રહેવું જોઈએ. દરેક મનુષ્ય પોતાનું ધ્યેય ઊંચું રાખવું જોઈએ. વિદ્યાર્થી માત્ર પાસ થવાનું ધ્યેય રાખે તે અયોગ્ય છે, અપૂર્ણ છે. સારા ગુણ કે વિશેષ યોગ્યતા-શ્રેણીમાં પાસ થવાનો ઉચ્ચ હેતુ એના અભ્યાસને વિકસાવે છે. મોટા નેતાઓ ખોટા વચનો આપીને પ્રજાને છેતરે છે એ યોગ્ય નથી. કેવળ ભાષણો આપીને દેશસેવાનો દાવો કરવાને બદલે દેશસેવકે જરૂર જણાય તો પોતાના પ્રાણની આહુતિ આપવા પણ તૈયાર રહેવું જોઈએ. નાના કે હલકી કક્ષાના ધ્યેયથી જીવન વિકસી શકતું નથી.

પ્રસિદ્ધ દાણચોર તાલબ એક જમાનામાં દેશભરનાં છાપાંઓમાં ચમક્યો હતો. તેણે એક પત્રકારને પોતાની મુલાકાતમાં જણાવ્યું હતું કે “આજે મારી મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ, મારે આવી રીતે એક દિવસ દેશનાં બધાં છાપાંઓમાં મારો ફોટો છપાય એ જોવું હતું. એમ કરવા માટે હું દાણચોર બન્યો હતો. પ્રસિદ્ધિના મોહને તૃપ્ત કરવા એક માનવી કેવો ખોટો માર્ગ પસંદ કરે છે તે અહીં જોઈ શકાય છે. આવા હલકા ધ્યેયમાં કદાચ સફળતા મળી જાય તો પણ તે જાહેર નિષ્ફળતા જ છે. આ બાબત માટે વ્યક્તિએ પોતાના ધ્યેયનું મૂલ્યાંકન કરીને પછી સંકલ્પ કરવો જોઈએ. ઉતાવળિયા કે અપરિપક્વ સમજના નિર્ણયથી માણસ એવી બાજુ દોરવાય છે જયાં સફળતા જલદી મળે પણ તેનું મૂલ્ય તદ્દન ઓછું હોય છે.

જીવનમાં સારા માર્ગે ઉચ્ચ ધ્યેય રાખીને પ્રયત્નશીલ રહેવું તે ગૌરવ અપાવે છે. આવા ઊંચા ધ્યેયની પ્રાપ્તિ સરળ ન હોય તે પણ દેખીતું છે. સંજોગો અને શક્તિમર્યાદાના કારણે કદાચ આપણને ઊંચા ધ્યેયના માર્ગે એક-બે વખત નિષ્ફળતા પણ મળે. છતાં એને પચાવીને પ્રયત્નશીલ રહેવું જોઈએ. એકાદ પ્રયત્ન નિષ્ફળ જતાં ઊંચું ધ્યેય છોડી દેવું કે હલકા ધ્યેય તરફ વળી જવું એ શોભાસ્પદ નથી. એનાથી બાવાના બેય બગડે એવી સ્થિતિ થાય. નિષ્ફળતાથી ચલિત થવાને બદલે તેનાં કારણો શોધીને દૂર કરવાં જોઈએ. વારંવારના પ્રયત્નો બાદ ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય છે, જેનો આનંદ અવર્ણનીય હોય છે.

માણસે મહાન બનવું હોય તો ઉચ્ચ આદર્શ કે નિશાન તરફ દૃષ્ટિ કેન્દ્રિત કરવી જોઈએ - જેનો આદર્શ મહાન તેનું જીવન મહાન. જેનું લક્ષ્ય તુચ્છ, એનું જીવન પણ તુચ્છ બને છે. એટલે જ ઊંચા નિશાનમાં મળતી નિષ્ફળતા સહ્ય છે, નીચું નિશાન અસહ્ય છે. બ.ક. ઠાકોરના આ વિચારને અંગ્રેજી કહેવત પણ સમર્થિત કરે છે : “Not failure, but low aim is crime.” અર્થાત્ નિષ્ફળતા નહિ પણ હલકું ધ્યેય ગુનો છે, દોષપાત્ર છે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: