Gujarati Essay on "Pruthvi no Chhedo Ghar", "ધરતીનો છેડો ઘર નિબંધ" for Students

Admin
0

Pruthvi no Chhedo Gharr Nibandh in Gujarati: In this article "ધરતીનો છેડો ઘર ગુજરાતી નિબંધ", "ઘર વિશે ગુજરાતી નિબંધ", "ઘર નું મહત્વ નિબંધ", "Essay on Home in Gujarati Language"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Pruthvi no Chhedo Ghar", "ધરતીનો છેડો ઘર નિબંધ" for Students

રોજ સવારે આપણે કોઈ ને કોઈ કામે ઘર બહાર જઈએ છીએ. એ કામ પૂરું કરીને આપણા ઘેર પાછા ફરીએ છીએ. એકાદ દિવસ બહારગામ ગયા હોય તો પણ છેવટે ઘેર આવીએ છીએ. ઉનાળુ વેકેશનમાં લાંબા પ્રવાસે જઈએ અને ૨૦-૨૫ દિવસ એટલું બધું ફરીએ છીએ કે ઘર ભુલાઈ જાય છે. પરંતુ પ્રવાસના છેલ્લા દિવસે ગાડી ગામ તરફ વળે કે તરત જ ઘર યાદ આવે છે. સુદીર્ઘ પ્રવાસના અંતે તો આપણો મુકામ છેવટે આપણા જ ઘેર આવી જાય છે. આવા સ્થૂળ અર્થમાં ઘરને ધરતીનો છેડો કહેવામાં આવે છે.

રહેઠાણ માણસની આવશ્યક પ્રાથમિક જરૂરિયાત છે. તેને માટે એ ઘર વસાવે છે. પક્ષીઓ માળા બાંધે, જીવજંતુઓ દર કરે એમ માનવો રહેવા માટે ઘર બાંધે છે. નોકરી કે આવકની મર્યાદા જેવા કારણે ઘણા ભાડાનું ઘર રાખીને રહે છે. કેટલાક વારસામાં મળેલા કે પોતાની કમાણીથી બાંધેલા ઘરમાં રહે છે. આમ દરેકને ઘર તો હોય જ છે. જેઓ ઈંટેરી કે પાકાં મકાન નથી મેળવી શકતા એ લોકો ધર્મશાળા, ઝૂંપડાં કે છેવટે ફૂટપાથ પર ઘરવખરી લઈને રહે છે. આમ ભાડાનું કે પોતાનું ઘર બંધાયું ન હોય તો પણ વગર મકાને “ઘર' વસાવીને રહેવા માણસ હવે ટેવાઈ ગયો છે. એનું આ રહેઠાણ તેના પોતાને માટે તથા તેના પરિવાર માટેનું એક કાયમી સ્થળ બની ગયું હોય છે. વ્યક્તિ પોતે તથા એના સ્વજનો દિવસની જરૂરિયાતો પતાવીને સાંજે કે રાતે પોતાના ઘરમાં પાછા ફરતા હોય છે. ધરતી વિશાળ છે. તેના ઉપર ગમે તેટલા લાંબા કે ટૂંકા અંતરે ફરી રહ્યા પછી પણ માણસ પોતાના ઘેર આવે છે તેથી ઘરને ધરતીનો છેડો કહેવાય છે.

આટલા સ્થળ અર્થની આગળ જઈશું તો ઘરનો સાચો અર્થ સમજાશે. ધરતીનો છેડો આવે ત્યાંથી માણસ આગળ જઈ શકતો નથી તેમ વ્યક્તિ પોતાનું ઘર છોડીને સુખચેન કે શાંતિથી રહી શકતો નથી. એટલે ઘરનું વાતાવરણ એવું આનંદદાયક અને મધુર હોવું જોઈએ કે બહાર ગયેલા પરિવારના દરેક સભ્યને જલદી ઘેર પહોંચવાનું મન થાય. એ જ રીતે જે વ્યક્તિ કોઈ કામે બહાર ગઈ હોય એની ગેરહાજરી સાલે એવા પરિવારમાં સંપ અને આનંદના દર્શન થાય છે. એટલે શાસ્ત્રોએ ઘરને મંદિર બનાવવાનું સૂચન કર્યું છે. મંદિરમાં જે પવિત્રતા, સુંદરતા અને ભાવનાનું મધુર વાતાવરણ જોવા મળે છે, એવું ઘર બનાવીએ તો ઘર એક મંદિર ગણાય.

આજના યંત્રસંસ્કૃતિના યુગમાં ઘરની આ મધુર ભાવના નષ્ટ થતી જાય છે. હજારો રૂપિયા ખર્ચીને મકાન બાંધ્યું હોય તે ઘર નથી, માત્ર દીવાલોથી સજાયેલું એક મકાન જ છે. કુટુંબના નાનામોટા માણસો પોતપોતાના કામે બહાર જાય અને આવે, ફાવે તેમ રહે, ભાવે તે ખાય અને દિવસમાં પોતાના પરિવારના સ્વજનો એક વાર પણ ભેગા ન થતાં હોય, પરસ્પર સંવાદ ન હોય, સ્નેહ ન હોય – આવા વિસંવાદી અને ક્લેશમય જીવન જીવતા માણસો જેમાં વસે છે તે ઘર નહીં, ગોડાઉન જ ગણાય. અહીં નિર્જીવ વસ્તુઓને બદલે સજીવ માણસોનો ખડકલો થયો હોય છે એટલો જ ફેર છે. કોઈ પણ પરિવાર આવા વાતાવરણમાં ઊછરે છે ત્યારે નાનાં કુમળાં બાળકોનાં મન પર અને તેમના ઉછેર પર બાળપણથી જ ખરાબ અસર પડે છે. મોટી ઉંમરે આવાં બાળકો ગૃહત્યાગ કરતાં હોય છે. જ્યાં રાતદિવસ સાથે, એક જ છત નીચે રહેવાનું હોય તે આવાસમાં રહેતા પરિવરાના સર્વ સભ્યો પરસ્પર સ્નેહ અને સંવાદથી રહે તો ઘર ધરતીનો છેડો બની શકે, મંદિર બની શકે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !