Gujarati Essay on "Jagya Tyarthi Savar", "જાગ્યા ત્યાંથી સવાર ગુજરાતી નિબંધ" for Students

Admin
0

Jagya Tyarthi Savar Essay in Gujarati Language: In this article "જાગ્યા ત્યાંથી સવાર ગુજરાતી નિબંધ", "Jagya Tyarthi Savar Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Jagya Tyarthi Savar", "જાગ્યા ત્યાંથી સવાર ગુજરાતી નિબંધ" for Students

આપણા કવિ કલાપીએ પશ્ચાત્તાપને પુનિત ઝરણાની ઉપમા આપીને કહ્યું છે :

રે પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું રે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

વર્ગમાં આ કાવ્યની સમજૂતી વિશે શિક્ષકે પૂછતાં જવાબ મળ્યો કે પાપ કરવું પછી પશ્ચાત્તાપ કરી લેવો એટલે પવિત્ર થઈ જવાય. આવી અધૂરી સમજ વર્ગનો એક વિદ્યાર્થી જ નહિ, સમાજના ઘણા માણસો પણ ધરાવતા હોય છે. પશ્ચાત્તાપ અથવા પસ્તાવો એટલે શું? એની સાચી કે પૂરી સમજ ન હોવાથી ઘણા કલાપીની પંક્તિ લલકારી નાખે છે :

"દેખી બૂરાઈ ના ડરું, શી ફિકર છે પાપની,

ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની."

અધૂરી સમજ અને અપરિપક્વ વિચારણા આપણને કવિઓની ઉત્તમ પંક્તિઓના અવળા અર્થ તરફ દોરી જાય છે.

ભૂલ દરેક માણસથી થાય છે. માણસની પ્રકૃતિ જ એવી છે કે ઘણી ચોકસાઈ કે કાળજી લેવા છતાં કશુંક તો ભુલાય છે કે રહી જાય છે. આમ હોવાને લીધે જ “માણસ માત્ર ભૂલને પાત્ર” તથા “To err is human” એમ કહેવાયું છે. પરંતુ થયેલી ભૂલનો પશ્ચાત્તાપ કરીને શોકમગ્ન કે નિરાશ થઈ બેસી રહેવું એ યોગ્ય નથી. એનાથી ભૂલનું વારંવાર સ્મરણ-રટણ થતું રહે છે. ખરો પશ્ચાત્તાપ એ છે કે વ્યક્તિ પહેલાં પોતાની ભૂલ પર વિચાર કરે. પોતાની કઈ નબળાઈને લીધે આ દોષ જભ્યો એની તપાસ કરવી જોઈએ. ભૂલને છુપાવવાને બદલે તેનો એકરાર કરી નિખાલસ બનવું જોઈએ. આમ કરવાથી ભૂલના કારણ અને પરિણામ વિશે વ્યક્તિની એક સ્વચ્છ વિચારધારા કેળવાશે. એક વાર ભૂલ પાછળની ભૂમિકા સમજાઈ જાય, તે પછી સંકલ્પ કરવો જોઈએ કે હવે હું એવો જાગ્રત રહીશ કે જેથી આ ભૂલનું મારાથી પુનરાવર્તન નહીં થાય. વ્યક્તિ પોતાનાં કાર્ય અને વિચાર પ્રત્યે આવી રીતે જાગે તો પછી ભૂલ થવાની શક્યતા ઘટશે. એ વાતને આ કહેવતમાં સમજાવતાં કહ્યું છે, જાગ્યા ત્યાંથી સવાર.

આ જગતમાં પરિપૂર્ણ વ્યક્તિ એકમાત્ર ભગવાન કે પરમેશ્વર જ છે. માનવી સૌ પોતાના જીવનમાં નાની મોટી ભૂલો કરતા જ રહે છે. જગતના ઇતિહાસમાં જે મહાન પુરુષોનાં જીવનચરિત્ર લખાયાં છે તે બધાએ પોતાના જીવનમાં નાનીમોટી ભૂલો કરેલી જ હોય છે તેથી એમની મહાનતા મટી જતી નથી. ભૂલના નિખાલસ એકરારથી એ માણસનું વ્યક્તિત્વ અરીસા જેવું સ્વચ્છ બને છે. મહાત્મા ગાંધીજીએ એમની આત્મકથામાં પોતાના બાળપણની ભૂલોનો એકરાર કર્યો છે. તેનાથી એમનું માન ઘટતું નથી, વધે છે. ભૂલને ઓળખવી એ જ પહેલું પગથિયું છે.

એક વાર થયેલી ભૂલનો ઢાંકપિછોડો કરવાથી વધુ ખરાબ પરિણામ આવે છે. એમ ન થાય એટલે થયેલી ભૂલનો સ્વીકાર કરવો તે બીજું પગથિયું છે. પરિવારના સ્વજનો, વડીલો કે પ્રભુ સમક્ષ શુદ્ધ સાક્ષીભાવે ભૂલ કબૂલ કરવાથી અંતર નિર્મળ બને છે. ખ્રિસ્તી ધર્મમાં એટલા માટે જ કબૂલાત (confession) ની પ્રણાલિકા પાડવામાં આવી છે. આવા એકરારથી સ્વાસ્થચિત્ત બનીને તેનું પુનરાવર્તન ન થાય એવી સભાનતાનો સંકલ્પ કરવો એ ત્રીજું પગથિયું છે. થયેલી ભૂલને સુધારવા તક અથવા અવસરની રાહ ન જોવી જોઈએ. જે ક્ષણે તેનું જ્ઞાન થયું કે તરત જ કૃતસંકલ્પ બનવું જોઈએ. આ ભાવ કે અર્થ બતાવવા કહેવાયું છે “જાગ્યા ત્યાંથી સવાર'. એ જ સાચો પસ્તાવો, પ્રાયશ્ચિત્ત છે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !