Essay on My Memorable Trip in Gujarati Language : In this article " મારો યાદગાર પ્રવાસ ગુજરાતી નિબંધ ", " મે કરેલો પ્રવાસ નિબ...
Essay on My Memorable Trip in Gujarati Language: In this article "મારો યાદગાર પ્રવાસ ગુજરાતી નિબંધ", "મે કરેલો પ્રવાસ નિબંધ ગુજરાતી", "Maro Yadgar Pravas Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My Memorable Trip", "મારો યાદગાર પ્રવાસ ગુજરાતી નિબંધ", "મે કરેલો પ્રવાસ નિબંધ ગુજરાતી" for Students
આપણા જીવનમાં આપણે નાનામોટા ઘણા પ્રવાસો કરતા રહીએ છીએ. આ બધા જ પ્રવાસ એકસરખો આનંદ આપતા હોય કે એકવિધ હોય એમ ભાગ્યે જ બને છે. દરેક પ્રવાસ એકસરખું મહત્ત્વ ધરાવતો નથી હોતો. એની પાછળનો ધ્યેય, પ્રવાસની તૈયારી, વાસ્તવિક અનુભવ અને પ્રવાસથી પ્રાપ્ત થતો આનંદ અને શાન વગેરે તત્ત્વોથી જોઈશું તો આપણા જીવનના દરેક પ્રવાસ જુદો જ લાગશે. વળી તત્કાળ હેતુ માટેના આપણા નાનામોટા પ્રવાસ એ કાર્યના ફળ સાથે જ વિસ્મૃત થતા હોય છે. આ બધામાં કોઈ એક પ્રવાસ એવો હોય છે, જેને આપણે જીવનભર ભૂલી શકતા નથી. મારા જીવનનો આવો યાદગાર પ્રવાસ આજે મને યાદ આવે છે.
અમે ઉત્તર હિંદના સુપ્રસિદ્ધ યાત્રાધામ બદરીકેદારની યાત્રાએ ગયા હતા. અમારા માટે જીવનભરનું સંભારણું બને એવો આ પ્રવાસ હતો. એકથી વધુ વાર ત્યાં જઈ આવેલા એક સંતના માર્ગદર્શન હેઠળ અમે પ્રવાસનું આયોજન કર્યું. પંદરસોળ વ્યક્તિઓની અમારી એક ટુકડી મે માસના મધ્યમાં વડોદરાથી રાજધાની એક્સપ્રેસમાં રવાના થઈ. દિલ્હીથી અમે બસ દ્વારા હૃષિકેશ પહોંચ્યા. ગંગાસ્નાનથી અમારો થાક દૂર કરવા એક દિવસ અહીં રોકાયા. બીજા દિવસે અમે એક મીની બસ ભાડે લઈને બદરીનાથ જવા ઊપડ્યા.
પર્વતોના ચડાવ-ઉતાર તથા સર્પાકાર વળાંકથી શોભતા રસ્તા જોતાં અમે આનંદવિભોર બન્યા. રાતે જોશીમઠ રોકાઈને ત્યાંથી બીજા દિવસે સવારના દશેક વાગે બદરીનાથ પહોંચ્યા. એક ધર્મશાળામાં ઊતરી અમે થાક ઉતાર્યો. અમારા ઉતારાની બારીમાંથી સામે જ બદરીનાથનું સુંદર મંદિર દેખાયું. બપોરે અમે ત્યાં દર્શન કરવા ગયા. મંદિરની બંને બાજુ ગરમ પાણીના કુંડ છે, જેમાં નાહવાથી થાક ઊતરે છે એવી માન્યતા છે. ત્યાં સ્નાન કરી અમે દર્શન કરવા આગળ વધ્યા. ભક્તોની ભીડમાંથી માર્ગ કરતા હતા ત્યાં જ એક ભાઈએ બૂમ પાડી, “અરે ભાઈ! મારું ખિસું કપાયું...” પૈસાની સાથે ટિકિટ અને મહત્ત્વના કાગળો ગયાની વાત એમના રુદનમાં સાંભળી અમે પણ શોકમાં ડૂબી ગયા. છે ને, ભગવાનના ધામમાં ભગવાનની જ સાક્ષીએ ભક્તોને નવડાવનાર હિમ્મતબાજ ખિસ્સાકાતરુઓ...! અમે દર્શન કરીને રાતે ત્યાં જ રોકાયા. વહેલી સવારે ઊઠ્યા તો અમે ચારે તરફ બરફ છવાયેલો જોઈને નાચી ઊઠ્યા. ઘણા બરફના ગોળા બનાવી એકબીજા પર નાખીને રમવા લાગ્યા.
બદરીનાથથી નીકળીને અમે બીજા દિવસે સાંજે ગૌરીકુંડ પહોંચ્યા. અહીંથી કેદારનાથ જવા ચૌદ કિલોમીટરનો ડુંગરાળ રસ્તો પસાર કરવામાં કોઈ વાહન મદદરૂપ બનતું નથી. બદરીનાથની જેમ ગૌરીકુંડમાં પણ ગરમ પાણીનો ઝરો સતત વહે છે. એમાં સ્નાન કરી અમે તાજગી અનુભવી. વહેલી સવારે અમે ટટ્ટ પર સવારી કરીને કેદારનાથનો રસ્તો પકડ્યો. ઘણા યાત્રીઓ પગપાળા જતા, વૃદ્ધ કે અપંગ-અશક્ત માણસને ડોલીમાં લઈને શ્રમિકો અમારી સાથે દોડતા. બપોરે અમે કેદારનાથનાં દર્શન કર્યા. ચોતરફ શ્વેત બરફથી આચ્છાદિત પર્વતોની મધ્યમાં આવેલા આ મંદિરની પ્રાકૃતિક રમણીયતા મનોહર છે. વધુ ઠંડીના કારણે રાતનું રોકાણ ટાળીને અમે ગૌરીકુંડ પરત થયા.
બદરીકેદારની યાત્રા અને ધાર્મિક પ્રવાસની સાથે પ્રાકૃતિક સૌંદર્યના આહ્વાદનો અનુભવ કરાવનાર હોવાથી અમને એનો અનેરો આનંદ આવ્યો. ત્યાંથી વળતાં અમે હરદ્વાર રોકાયા. મંદિરો, આશ્રમો અને સાધુઓનો જાણે રાફડો ફાટ્યો હોય એવાં આ હરિધામમાં કદાચ ભક્તો કરતાં ભગવાન કે શિષ્ય કરતાં ગુરુઓની સંખ્યા વધુ હશે એમ લાગ્યું. ખરીદી માટેનું યાત્રિકોનું ગાંડપણ અહીં જાણે માઝા મૂકે છે. આવા લોભિયા ગ્રાહકોને લૂંટતા વેપારીઓ તન અને ધનથી તગડા થયેલા જોવા મળે છે. હરકી પેઢી ઉપર ગંગાસ્નાન અને રાત્રિ-આરતીનું દર્શન, જીવનભરનું સંભારણું બની રહે છે. અમારે માટે માત્ર હરદ્વાર નહીં, સમગ્ર બદરીકેદારયાત્રાની સંભારણું બની છે.
COMMENTS