Essay on Autobiography of a beggar in Gujarati : In this article " એક ભિખારીની આત્મકથા નિબંધ ગુજરાતી ", " Bhikhari ni Atmakat...
Essay on Autobiography of a beggar in Gujarati: In this article "એક ભિખારીની આત્મકથા નિબંધ ગુજરાતી", "Bhikhari ni Atmakatha Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Autobiography of a beggar", "એક ભિખારીની આત્મકથા નિબંધ ગુજરાતી", "Bhikhari Ni Atmakatha Gujarati Nibandh" for Students
એક ભિખારીની આત્મકથા હા, જી, તમે મને બરાબર જ ઓળખી ગયા છો ! હું એક ભિખારી જ છું. લાખો-કરોડો માણસોને પણ કામમાં ન જોડી શકતા આપણા બોદાઈ ગયેલા અર્થતંત્રની લાચારી (?)નું હું જીવતું જાગતું ઉદાહરણ છું.
તમારા બાપ-દાદા તરફથી તમને મળી છે તેવી જાહોજલાલી અને વારસામાં નથી મળી. આ ભીખ જવારસામાં મને મળેલી એકમાત્ર અસ્કયામત છે. બાળપણથી જ મને ભીખ માંગવાનું શિખવાડવામાં આવ્યું છે. મને યાદ છે હું ચાર-પાંચ વર્ષનો હતો ત્યારથી જ મારા દાદા મને તેમની સાથે રેલગાડીમાં ભીખ માંગવા લઈ જતા. નાનો હતો એટલે મને રેલવેમાં ફરવાનું બહુ ગમતું. દાદાજીને પણ મફત મુસાફરી કરવાની હોવાથી કોઈ વિરોધ ન હતો. લોકોના પગ પકડીને ભીખ માંગવાનું મને કહેવામાં આવતું. વર્ષો વીતતાં ગયાં, હું મોટો થયો, પણ મફતનું-હરામનું ખાવાની આદત મારા કુમળા મગજમાં ઘર કરી ગઈ. વળી આ ધંધા માટે કોઈ શૈક્ષણિક લાયકાત કે ડિગ્રી મેળવવાની પણ જરૂર ન હતી. એટલે જ કદાચ અક્ષરજ્ઞાનને અને મારે નાહવા નિચોવાનોય સંબંધ નથી. કાળા અક્ષર ભેંસ બરાબર છે મારે માટે !
અમારા ધંધા માટે બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, બાગ-બગીચાઓ, રસ્તા, રાજમાર્ગો, ભોજન-સમારંભો, મંદિર-મસ્જિદો વગેરે મુખ્ય સ્થળો છે. સુધરેલી ભાષામાં કહું તો એ બધી અમારી હેડઓફિસો ગણાય. મંદિરો અમારા ધંધાનું ધીકતું ક્ષેત્ર કહેવાય. ભોજન-સમારંભોમાં વધેલું-ઘટેલું ખાવા માટે અમે સમયસર પહોંચી જઈએ. લોકોને દયામણા મોંએ આજીજી કરતાંય અમે થાકીએ નહીં. આજનો ભ્રષ્ટાચારી સમાજ અમનેય છોડતો નથી. સફેદ ડગલામાં ફરતાં બગલા જેવા ભદ્ર મુફલિસો અમને સારું ખાવાનું અપાવવા કે વધારે પૈસા કમાવી આપવા બદલ અમારી પાસેથી હપતા માગતા હોય છે, ત્યારે સુંવાળી લાગતી આ દુનિયા પરથી મને નફરત આવી જાય છે.
પેટ પૂરતું રળવા માટે ભીખ માગતાં-માગતાં અમારે મોટા ભાગે ગાળો, તિરસ્કાર, અપમાન કે માર સહન કરવાં પડતાં હોય છે. દાદાઓ અને ગુંડાઓ તથા પોલીસોનો ત્રાસ પણ અમારે સહન કરવો પડે છે. જીવનની આ કેવી કરુણતા છે ! મારું બાળપણ અને યુવાની લૂખુંચૂકું ખાઈને અપમાનિત જિંદગી જીવવામાં પસાર થઈ ગયાં છે. અપૂરતા ખોરાક અને રોજની રખડપટ્ટીના કારણે શરીર સાવ નંખાઈ ગયું છે. કેટલાય રોગો પણ તેમાં ઘર કરી બેઠા છે. મને જોઈને કેટલાક ભદ્ર પુરુષોનાં હૃદય અનુકંપાથી ઊભરાઈ જાય છે અને ત્યારે મને વધારે રઝળપટ્ટી કર્યા સિવાય પેટપૂરતું ભોજન મળી રહે છે. એ દિવસ મને મારી જિંદગીનો ધન્ય દિવસ લાગે છે !
ઘણી વાર મને વિચાર આવે છે કે આ તે કાંઈ જીવન છે ! આટલા મોટા હર્યાભર્યા સમાજમાં મારા જેવા કેટલાય ભિખારીઓ કૂતરાની જેમ હડધૂત થાય છે ! જો કે મારી આ અવદશા માટે હું સૌથી વધારે જવાબદાર મારી જાતને ગણું છું. ભીખ માંગીને હરામનું ખાવાની આદત એવી પચી ગઈ છે કે હવે કામ કરીને કમાઈને ખાવાની મારી વૃત્તિ જ થતી નથી. જાણે કે એ માનસિક તૈયારી જ અમે ભિખારીઓ ગુમાવી બેઠા છીએ ! પરિશ્રમ વિના જ મેળવવાની આશા રાખીને મેં મારી જિંદગીનાં અમૂલ્ય વર્ષો ગુમાવ્યાં છે, તેનું મને આજે ભાન થાય છે. અને એટલે જ મેં મારા કુટુંબનાં અન્ય બાળકોને આ ધંધામાં લગાવવાને બદલે પ્રાથમિક શિક્ષણ તરફ દોર્યા છે. મારાં બાળકોને મારા તરફથી આ વારસો ન આપવો પડે તે જ બીકે આજ સુધી હું પરણ્યો નથી. તમારા જેવા કોઈ સમાજસુધારક મને આ દશામાંથી ઉગારશે તો જ હું માનભર્યા સમાજજીવનમાં નવવધૂસહિત કદમ માંડીશ. સાંભળ્યું છે કે સરકાર પણ ભિખારીઓની સમસ્યાના ઉકેલ વિશે સક્રિય રીતે વિચારી રહી છે. જોઈએ હવે તકદીર ક્યાં લઈ જાય છે !
ક્યાંક એવું ન થાય કે શુભ દિવસ આવે તે પહેલાં જ મારા દુઃખી કે અપમાનિત જીવનનો અંતકાળ આવી જાય !
COMMENTS