Sunday, 15 November 2020

Gujarati Essay on "If There were No Newspaper", "જો વર્તમાનપત્રો ન હોય તો નિબંધ ગુજરાતી" for Students

Essay on If There were No Newspaper in Gujarati: In this article "જો વર્તમાનપત્રો ન હોય તો નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "If There were No Newspaper", "જો વર્તમાનપત્રો ન હોય તો નિબંધ ગુજરાતી" for Students 

થોડાં વર્ષ અગાઉ મારા એક મિત્રને મળવા હું મુંબઈ ગયો હતો. તેના ઘરમાં એના દાદા ખૂબ પ્રેમાળ વ્યક્તિ હોવાથી મને એમની સાથે ગાઢ પરિચય થઈ ગયો. ત્રણચાર દિવસ ત્યાં રોકાયો. એ સમયમાં દાદાની એક વાત મને ખૂબ વિચિત્ર લાગેલી. એ વિશે મિત્રને પૂછું તો કદાચ તેને ખોટું લાગે અને બીજાઓને પુછાય નહીં, તેથી હું મૂંઝાતો હતો. મુંબઈથી નીકળતાં પહેલાં છેવટે હિંમત ભેગી કરીને મેં દાદાને સીધું જ પૂછી લીધું; “દાદાજી, તમે આખો દિવસ છાપાં જ વાંચ્યા કરો છો, તે કંટાળતા નથી? વળી છાપામાં એવી તે શી મઝા પડે તેવું આવે છે કે તમે વાચ્યા જ કરો છો ? મને તો થાય છે કે છાપાં જ પ્રગટ ન થતાં હોત તો તમારું શું થાત ?'

એકદમ ઊઠીને દાદાએ મારા મોઢે હાથ મૂકી મને બોલતો અટકાવી દીધો. ખૂબ નરમ અવાજે તે મને કહેવા લાગ્યા : “બેટા, આવું અપશુકનિયાળ ન બોલ. તને ખબર છે ને મને રોજ છાપું વાંચવાની ટેવ છે. સવારના ઊઠીને ભગવાનનું મોટું જોઈને પછી હું છાપાનાં જ દર્શન કરું છું. વળી હું મારી યુવાનીમાં ઘણાં કામ કરીને થાક્યો. હવે નિવૃત્ત છું અને ઘરમાં બધાં મારું બધું જ કામ ઉપાડી લે છે. એટલે મારા ભાગે છાપું વાંચવા સિવાય બીજું કશું કામ આવતું જ નથી. હવે તું જ કહે કે છાપાં ન આવે તો મારું શું થાય ?'

આ વૃદ્ધની વાત પર હું વિચારતો ટ્રેનમાં બેઠો. મારી સામેની સીટ પર એક સજ્જન આવીને બેઠા. તેમણે ચિક્કાર ગિરદી વચ્ચે પણ લડવા સજ્જ થયા હોય તેમ બે હાથ જોરથી બે બાજુ વીંઝીને છાપાનો વિસ્તાર કરીને છાપું વાંચવા માંડ્યું. દબાઈ સંકોચાઈને બેઠેલા પડોશના યાત્રીઓ સમસમી ઊઠ્યા. એ બધા વતી એક સજ્જને પેલા ભાઈને ધીમેથી કહ્યું, “સાહેબ, બધાં પાન સામટાં નથી વાંચી શકવાના, તો અમને એક-એક પાન વાંચવા આપો ને!' અને કોઈએ ઘાતક હુમલો કર્યો હોય તેમ એ સજ્જને ઝટ ઊભા થઈને છાપું સંકેલી બૅગમાં મૂકી દીધું. બધાંએ ઘણી હળવાશ અનુભવી. ચાલો, આ છાપું ખસતાં થોડી હવા તો આવશે ને ! મને થયું કે છાપાં ન હોય તો પ્રવાસીઓને ઘણો ત્રાસ થાય.

રોજ બસ-ટ્રેનમાં શું વાંચે? આસપાસના ચહેરા? વળી છાપામાં તો ચહેરો પણ સંતાડી શકાય. એ ન હોય ત્યારે કચકચિયા યાત્રીઓથી બચવા ઊંઘવાનો ડોળ કરવો પડે.

ઘેર ગયો, ત્યાં મારા પડોશી મફતકાકા દોડી આવ્યા. “ભાઈ, આવી ગયો?' કહેતાં ઉમળકાતાથી વાતે વળગ્યા. હું ઠંડકથી વાત કરતો હતો, ને તે અકળાતા હોય એમ લાગ્યું. છેવટે તેમણે યક્ષપ્રશ્ન કર્યો : “યાર, છાપું ક્યાં છે? હજું હમણાં હું દાખલ થઉં છું ત્યાં છાપાની ઉઘરાણી થઈ. જો છાપાં ન હોય તો આવા મફતકાકાઓથી ઘણા પડોશીઓને લાભ થઈ જાય.

બીજા દિવસે બપોરે બધાં પરવારીને બેઠાં હતાં ત્યાં પસ્તીવાળો આવ્યો. પડોશમાં તેણે કાકીને પૂછ્યું: “પસ્તી આપવાની છે?' કાકીએ મણની જોખીને કહ્યું કે “મૂઆ, માંડ ઠરીને બેઠાં ત્યાં તું આવ્યો? પસ્તી તો છે, પણ છોકરી સ્કૂલે ગઈ છે. તે આવે ત્યારે આવજે.” ફેરિયો કહે, “મારે છોકરીનું કામ નથી, પસ્તીનું છે.” સાંભળીને સૌ હસી પડ્યાં. છાપાં ન હોય તો બિચારા પસ્તીવાળાની રોજીરોટીનું શું?

વર્તમાનપત્ર ગામ, શહેર, દેશ અને દુનિયાના બધા જ પ્રકારના સમાચારો આપણને ઘેર બેઠાં પહોંચાડે છે. આ સ્થિતિમાં વર્તમાનપત્રોની આવશ્યકતા ઓછી નથી. આજે રેડિયો અને ટી.વી. પર જોયેલા સમાચારનું પુનરાવર્તન શક્ય નથી. જ્યારે છાપું તો દિવસમાં દશ વાર વાંચવાની સગવડ હોય છે. એટલે વર્તમાનપત્ર સામાન્ય પ્રજા માટે સમાચાર જાણવાનું રસપ્રદ સાધન છે અને રહેશે !


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: