Sunday, 22 November 2020

Gujarati Essay on "Sharad Poonam nu Mahatva", "શરદ પૂનમ નું મહત્વ નિબંધ", "શરદ પૂનમની રાત નિબંધ ગુજરાતી" for Students

Essay on Sharad Poonam nu Mahatva in Gujarati: In this article "શરદ પૂનમ નું મહત્વ નિબંધ", "શરદ પૂનમની રાત નિબંધ ગુજરાતી", "Sharad Purnima Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Sharad Poonam nu Mahatva", "શરદ પૂનમ નું મહત્વ નિબંધ", "શરદ પૂનમની રાત નિબંધ ગુજરાતી" for Students 

વર્ષ દરમિયાન પ્રકૃતિના મહત્ત્વના પરિવર્તનકાળને માનવજાતિએ ઉત્સાહથી વધાવીને ઉત્સવના રૂપમાં સ્વીકાર્યો છે. શિયાળો પૂરો થતાં આવતી ફાગણની પૂનમ હોળી-ધુળેટી ઊજવાય છે. ગરમીનો અંત સૂચવતી વર્ષાના આરંભે આવતી આષાઢી પૂનમની જેમ વર્ષ અને વર્ષના અંતમાં આવતી શરદપૂનમે માનવો આનંદઘેલા થઈ ઊઠે છે. ક્યારેક તો એમ લાગે કે બારે માસની પૂનમો કરતાં શરદપૂનમ સવાઈ છે. વરસાદનાં વારંવારનાં ઝાપટાંથી કંટાળી-અકળાઈ ઊઠેલા પ્રજાજનો શરદ આવતાં જ સંતોષ અનુભવતા જણાય છે. પ્રાચીન કાળથી શરદને અપાતું મહત્ત્વ આપણને પેલા આશીર્વચનમાં જોવા મળે છે : "शतं जीवं शरदः" પૂરાં સો વર્ષ જીવવાના આશીર્વાદમાં ઋષિઓએ હેતુપૂર્વક શરદનો ઉલ્લેખ વર્ષના પર્યાયમાં કર્યો છે.

શરદ એટલે સંતૃપ્તિ અને સંતોષનો સમય. પૃથ્વી જળ પીને શાંત બની હોય, બધે લીલું ઘાસ પથરાયું હોય તેથી પ્રકૃતિદર્શન નયન અને મનને આનંદ આપનારું બને છે. સર્વત્ર પ્રકૃતિની પ્રસન્નતા પ્રસરી રહી હોય એમ અનુભવાય છે. વાદળો વીખરાતાં નિરભ્ર બનેલું આકાશ માનવચિત્તને આલાદક લાગે છે. પ્રકૃતિ સાથે તાદાભ્ય કેળવીને માણસ પોતે પણ સંતૃપ્તિ અનુભવવા લાગે છે. એક તરફ વિદાય લેતી વર્ષા અને બીજી તરફ પ્રવેશતા શિયાળાના આ સંગમકાળમાં શરદનું વાતાવરણ ખુશનુમા જણાય છે. ઋતુપરિવર્તનના આ સમયમાં વ્યક્તિએ પોતાના આરોગ્યની કાળજી લેવી આવશ્યક હોય છે. કદાચ આવા કોઈ કારણે શક્તિઉપાસનાનિમિત્તે નવરાત્રિના ઉપવાસ સૂચવાયા છે, જેથી ભક્તિ નિમિત્તે માણસ અલ્પાહારી બનીને એનું સ્વાથ્ય સાચવી શકે.

શરદ સૌને પ્રિય હોય છે, તેમાંય અધિક પ્રિય લાગે છે કવિઓ તથા યુવાનોને. સામાન્ય રીતે કવિઓ વિશેષ પ્રકૃતિપ્રેમી હોય છે. તેમને શરદની પ્રકૃતિ અત્યંત રમણીય લાગે છે. શરદની શોભા ઉજ્જવલ હોય છે. વર્ષાના આરંભનાં કાળા ડિબાંગ વાદળોના સ્થાને ધોળી રૂની ઢગલી જેવી સ્વચ્છ-સફેદ વાદળીઓથી ભરેલું આકાશ એક અનોખું રૂપ ધારણ કરે છે. કવિઓ એટલે જ શરદને શુભ્રદેહી કહેતા હશે... શરદપૂનમના સૌંદર્યને વર્ણવતાં કવિઓ થાકતા નથી. શરદના ચંદ્રને આવૃત્ત કરતી વાદળીને કવિ ન્હાનાલાલે કોઈ કન્યાની ઓઢણી સાથે સરખાવતાં એક કાવ્યમાં શરદપૂનમનું સુંદર શબ્દચિત્ર કંડાર્યું છે :

"વદન પૂનમચંદ્ર શું વિહારો, જલધરનું ધરી ઓઢણું વિલાસે,

પરિમલ પ્રગટાવી ઉમંગે, શરદ સુહાય રસીલી અંગઅંગે."

તો વળી દરિયાકિનારે મધ્યરાત્રિએ શરદની શોભા કેવી પ્રસન્નકર બને છે, એનું વર્ણન “શરદપૂનમ' કાવ્યમાં ન્હાનાલાલે આ શબ્દોમાં આલેખ્યું છે :

"ગાજે છે મધ્ય રાત્રી, ને ગાજે છે તેજ નિઝરી,

ગાજે છે ખાખરા શબ્દ, દૂર સાગરખંજરી."

આવી શરદનો માદક પ્રભાવ યુવાવર્ગને વિશેષ આકર્ષે છે. વરસાદના કાદવકીચડથી ગંદાં થતાં વસ્ત્રો પહેરવા-બદલવામાં કેટલો કંટાળો આવતો હોય છે ! એને બદલે હવે રંગબેરંગી અવનવાં વસ્ત્રો સજીને મહાલવાનો એક અનેરો આનંદ માણવાનું મન થાય છે. આ સમયમાં નવરાત્રિ નિમિત્તે યોજાતાં વિવિધ ગરબા, રાસ કે સમૂહનૃત્યોમાં યૌવન જાણે હેલે ચડે છે. શરદનો સમય એટલે સાત્ત્વિકતા, સ્વચ્છતા અને સ્વાથ્યનો સમય. વર્ષના અંતે આવનારી દિવાળી અને તે પછીના નૂતન વર્ષના સત્કાર માટે સૌ આળસ ખંખેરીને કામે લાગી જાય છે. ગામડામાં, શહેરમાં જ્યાં જુઓ ત્યાં લોકો પ્રવૃત્તિમય બનતાં જણાય છે. ચારેતરફ વિસ્તરેલા વાતાવરણમાં જાણે શરદનો પ્રભાવ વર્તાય છે. જગત આખું જાણે કોઈ જાદુની અસર નીચે આવી ગયું હોય એમ લાગે છે. શરદ માત્ર પ્રકૃતિને જ નહિ, માનવજાતને પણ સ્વચ્છ, સુંદર અને સાત્વિક બનાવી મૂકે છે. કદાચ એટલે જ આદિ કાળથી કવિઓને શરદ ઘણી પ્રિય રહી છે !


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: