Essay on Autobiography of a prisoner in Gujarati : In this article " એક કેદીની કેફિયત નિબંધ ", " કેદીની આત્મકથા નિબંધ ગુજરાતી...
Essay on Autobiography of a prisoner in Gujarati: In this article "એક કેદીની કેફિયત નિબંધ", "કેદીની આત્મકથા નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Autobiography of a prisoner", "એક કેદીની કેફિયત નિબંધ", "કેદીની આત્મકથા નિબંધ" for Students
આપણા સમાજમાં કોઈ માણસને એક વાર બદનામીનો સિક્કો લાગી જાય, પછી લાખ પ્રયત્નો કરવા છતાં તે છાપ દૂર થતી નથી. એક વખત જેલની હવા ખાઈને પાછો ફરેલો માણસ ચાર દીવાલની જેલમાંથી તો મુક્ત થઈ શકે છે, પણ સમાજના મનની જેલમાંથી ક્યારેય મુક્ત થતો નથી. મેં અનુભવી હોવાથી આ વાત મને સાચી લાગી છે. તમે કદાચ સ્વીકારો કે ના પણ સ્વીકારો. હું કેદી હતો, હવે નથી. સજા પૂરી ભોગવીને જેલમાંથી છૂટ્યા પછી મેં મારું જીવન બદલ્યું છે. ખરાબ કામ અને સોબત બંને છોડવા છતાં સમાજ મને હજુ ખરાબ માણસ કે ગુનેગાર જ માને છે. હવે મને કોઈ બોલાવતું નથી, સાંભળતું નથી કે પૂછતું પણ નથી. ગુનેગારને સૌ ધિક્કારે છે પણ એ જાણવાની કોશિશ કોઈ કરતું નથી કે એક નિર્દોષ અને સીધોસાદો માણસ ગુનેગાર કેમ બન્યો ?
એક સંસ્કારી કુટુંબમાં મારો જન્મ થયો અને સુંદર-પ્રેમાળ વાતાવરણમાં હું ઊછર્યો હતો. પરંતુ અમારા પરિવારમાં સૌથી મોટું દુઃખ એક જ હતું - ગરીબી. પિતા બહુ ભણ્યા ન હોવાથી છૂટક મહેનત-મજૂરી કરતા હતા, મા અને મોટી બહેન ઘરકામ કરવા જતાં હતાં. માંડ બે ટંક જમવાનું ઠેકાણું ન પડે ત્યાં હાથખર્ચી કે મોજશોખના પૈસાની તો વાત જ શી ? નાનપણથી મને મારા આસપાસના છોકરાઓ સાથે રમતાંભણતાં આ ગરીબી સાલતી. સારાં કપડાં, મનગમતી વસ્તુની ખરીદી તથા ખાણીપીણીની મોજ માણતા એ મિત્રોને જોતાં જ હું નિરાશ થતો. એમના જેવું સુખ મેળવવા મેં પૈસાની શોધ આદરી.
મારી પડોશના એક તોફાની છોકરાએ મને એક દાદાનો પરિચય કરાવ્યો. દારૂ-જુગારનો અડ્ડો ચલાવતા એ પહેલવાને મને પ્રેમથી બેસાડ્યો. રોજ એક બૅગ અમુક સ્થળે આપવા જવાના સામાન્ય કામ માટે મને તેણે દશ રૂપિયા આપવાનું કહ્યું. હું તો રાજીરાજી થઈ ગયો. એક વાર ઢાળ પરથી ગબડ્યા પછી પતનની ખીણ તરફ જતાં ગતિ વધી જાય છે એ જ્ઞાન હવે મને થયું. થોડી હિંમત અને આવડત વધતાં દારૂ, જુગાર, ચોરી અને તોફાનો કે લૂંટફાટ જેવાં કામોમાં હું પાવરધો બની ગયો. આ દરમિયાન મને નંબર વન થવાની ઈચ્છા જાગી. ગુનેગારીના પાઠ ભણાવનાર દાદાનો દુશ્મન મને ભેટી ગયો. તેણે મને મોટી રકમ આપવાનું વચન આપીને મારા વિસ્તારના દાદાનું ખૂન કરવા કહ્યું. કોઈ દિવસ ચપ્પ હાથમાં પકડ્યું ન હોવાથી પહેલાં તો હું ડરી ગયો. પેલા દુશ્મને મને સમજાવ્યો કે આ ખૂન થાય એટલે હું નંબર વનનો દાદો થઈ જઈશ. પછી તો લીલાલહેર ! મારે અંધારી આલમનું રાજ ચલાવવાનું, બીજું કશું જ કરવાનું નહીં. અઢળક સંપત્તિ અને નગ્ન સત્તાની લાલચનો નશો મારા મગજ પર સવાર થઈ ગયો. મારા બોસને મેં વિશ્વાસઘાતથી ખતમ કરી નાખ્યો. એના લોહીથી ખરડાયેલું ચપ્પ નિશાનીરૂપે બતાવવા હું દુશ્મન છાવણીમાં જઈને રકમની ઉઘરાણી માટે પહોંચ્યો.
ત્યાં મારું સૌએ હારતોરા અને તાળીઓથી સ્વાગત કર્યું. મારા જીવનની એક ધન્ય ક્ષણ માની હું આનંદમગ્ન થઈ ગયો હતો. ત્યાં બૉસે જોશથી બૂમ પાડી સૌને શાંત કરતાં કહ્યું: દોસ્તો ! આપણે આજે એક બેવફા માણસનું સ્વાગત કરવા ભેગા થયા છીએ, જેણે પોતાના જ બૉસનું ખૂન કર્યું છે. આવો ભવ્ય પુરુષ પધારે તો એનું સ્વાગત પણ ભવ્ય રીતે થવું જોઈએ. આમ કહીને તેણે તાળી પાડતાં જ મારી આસપાસ પોલીસના માણસોએ આવીને મને ઘેરી લીધો. હું ગુનેગાર સાબિત થતાં કેદી બન્યો.
જેલના એકાન્તવાસમાં મનોમંથન કરીને હું સર્જન બનવાના સંકલ્પથી જીવવા લાગ્યો. મારી સુધરેલી રીતભાતથી સજા ઘટાડીને જેલરે મને આજે મુક્ત કર્યો. આજે હું સમાજમાં સારાં કામ કરવા ફરું છું. મને કોઈ સમજે અને સહકાર આપે તેની ઝંખના કરું છું.
COMMENTS