Friday, 13 November 2020

Gujarati Essay on "If I were a teacher", "જો હું શિક્ષક હોઉં તો નિબંધ ગુજરાતી નિબંધ" for Students

Essay on If I were a teacher in Gujarati: In this article "જો હું શિક્ષક હોઉં તો નિબંધ ગુજરાતી નિબંધ" for students of class 5, 6, ? 7, 8, 9, and 10.

Gujarati Essay on "If I were a teacher", "જો હું શિક્ષક હોઉં તો નિબંધ ગુજરાતી નિબંધ" for Students 

આજે તો હું યુવાવસ્થાના ઉંબર પર પગ મૂકતો વિદ્યાર્થી છું. યૌવનની આ સ્વપ્નાવસ્થામાં હું કંઈક મનોરથ સેવી રહ્યો છું. જીવનમાં સાચી નિષ્ઠાનું મહત્ત્વ મારે મન વધુ છે અને શિક્ષકના ઉમદા વ્યવસાયમાં સાચી નિષ્ઠાનાં દર્શન થાય છે. આથી મને શિક્ષક બનવું ખૂબ જ ગમે. શિક્ષકનો ધંધો મને મારા જીવનમાં સફળ બનાવશે એવા દઢનિશ્ચયથી જ મેં આ નિર્ણય કર્યો છે.

શિક્ષક પર દેશના ઘડતરનો આધાર છે. શિક્ષક પોતાના વિચાર, વર્તન અને શિક્ષણ દ્વારા દેશમાં પરિવર્તન આણી શકે છે. પોતાના દેશપ્રેમ તથા દેશના આવતીકાલના ભવિષ્યમાં કુમળાં ફૂલ જેવાં બાળકોને સુસંસ્કૃત તથા સાક્ષર બનાવવાનું કયા નાગરિકને ન ગમે ?

હું શિક્ષક બની મારા વર્ગનાં જ નહીં, પરંતુ જે રી આસપાસના તમામ નિરક્ષર બાળકોને સાક્ષર બનાવીશ. તેઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી સરળતાથી ભણાવીશ. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ વગેરે આપણા દેશનાં અમૂલ્ય રત્નોસમાં દષ્ટાંતો આપી તેમને નીડરતા, અડગતા તથા સત્ય સામે મસ્તક ઝુકાવવાનું શીખવીશ.

હું એક શિક્ષક તરીકે ઇચ્છું કે મારા વિદ્યાર્થીઓ તથા હું આજના યુગની તમામ બદીઓથી પર રહીને એક નવી જ દુનિયા વસાવીએ. હું મારા વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ નહીં, પરંતુ વ્યાવહારિક જ્ઞાન પણ આપીશ. સ્વચ્છતા શીખવીશ, નીડર બનાવીશ, કલા-કારીગરી શીખવીશ, કોઈ કાર્યમાં લીન થવાનું શીખવીશ. હું તેઓને સ્વાશ્રયના પાઠ શીખવીશ. તેમને સ્વાશ્રયી બનાવવાનો જ આગ્રહ રાખીશ.

મારા વિદ્યાર્થીગણના કોઈ સભ્યને મારા વિષયમાં કાંઈ પણ સમજ ન પડી હોય કે તેઓ કોઈ મૂંઝવણમાં ગૂંચવાયા હોય તો તેમને ફરીથી સહજરીતે શાંતિથી શીખવીશ. વિષયને અનુકૂળ દષ્ટાંત આપીશ. તેમ છતાં જો તેઓ મૂંઝવણમાંથી બહાર નહીં આવે તો હું ફરીથી આખો વિષય સરળતાથી સમજાવીશ.

આ તો થઈ માત્ર શીખવા-શીખવવાની વાત ! પરંતુ હું મારા દેશના ભાવિ નાગરિકોને આપણા દેશની તથા ઈશ્વરે રચેલી આ સુમધુર સૃષ્ટિનાં દર્શન પણ કરાવીશ. તેઓને અવારનવાર પર્યટને તથા પ્રવાસે લઈ જઈશ. ત્યાં તેમને સહકારના પાઠ શીખવીશ. આપણો દેશ સૃષ્ટિના સર્જનહારની કળાથી કેવો સમૃદ્ધ છે ! તેની તેમને સમજ આપીશ.

તેઓને રમતગમત તથા કસરત કરતાં શીખવીશ. આપણા દેશનો ભાવિ નાગરિક જો તનથી તંદુરસ્ત ન હોય તો તેનું મન કેમ તંદુરસ્ત રહી શકે? તેને હું તન-મનથી સુસ્વસ્થ બનાવીશ. તેમને “પહેલું સુખ તે જાતે નર્યા' કહેવતના શબ્દશબ્દનો ઊંડાણથી અભ્યાસ આપીશ. જે વિદ્યાર્થીને જે રમતમાં રસ હોય તેને તે રમતમાં આગળ વધવા મદદરૂપ થઈશ. રમતગમતક્ષેત્રે હું, મારા વિદ્યાર્થીઓમાં દર માસે એક વાર સ્પર્ધા યોજીશ અને અભ્યાસક્ષેત્રે દર ત્રણ માસે એક વાર પરીક્ષાઓ યોજીશ. જેથી મને પણ મારા આપેલા જ્ઞાનમાંથી વિદ્યાર્થીઓએ કેટલું ગ્રહણ કર્યું છે તેનો ખ્યાલ – અંદાજ આવે.

ટૂંકમાં, હું મારા વિદ્યાર્થી સમુદાયને સામાજિક, વ્યાવહારિક અને રાજનૈતિક જ્ઞાનથી છલકાતા અમીના કટોરા જેવા બનાવીશ. તેમને ગમે તે ક્ષેત્રમાં ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મ કર્યા કરવાનું શીખવીશ.

મને પૂરો આત્મવિશ્વાસ છે કે હું ભવિષ્યમાં જરૂર શિક્ષક બનીશ. મારા દેશના ભાવિને ઉજ્જવળ બનાવીશ. મારા જ્ઞાનથી હું મારા દેશના ભાવિ નાગરિકને ઓતપ્રોત કરીશ. મારામાં જેટલું જ્ઞાનામૃત છે તેટલું મારા દેશના ભાવિ સમા નાગરિકરૂપી છોડમાં સિંચન કરીશ. ભવિષ્યમાં શિક્ષક બનવા હું અત્યારથી પ્રયત્નશીલ રહ્યો છું અને રહીશ. હું એક આદર્શ શિક્ષક બનીશ અને આદર્શ વિદ્યાર્થીઓ બનાવીશ, બનાવીશ અને બનાવીશ જ !


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: