Essay on India of My Dreams in Gujarati : In this article " મારા સ્વપ્નનું ભારત નિબંધ લેખન ", " Mara Swapna Nu Bharat Gujarat...
Essay on India of My Dreams in Gujarati: In this article "મારા સ્વપ્નનું ભારત નિબંધ લેખન", "Mara Swapna Nu Bharat Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "India of My Dreams", "મારા સ્વપ્નનું ભારત નિબંધ લેખન", "Mara Swapna Nu Bharat Gujarati Nibandh" for Students
આર્યસંસ્કૃતિ જગતની સૌથી પ્રાચીન અને અત્યંત ભવ્ય સંસ્કૃતિ ગણાય છે. ભારતના સાંસ્કૃતિક વારસાને પાશ્ચાત્ય દેશોના લોકો પણ અહોભાવથી જુએ છે. આપણો દેશ બુદ્ધ, મહાવીર, સમ્રાટ અશોક, કવિ કાલિદાસ અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે એનું પ્રદાન ઉજ્જવળ છે. તત્ત્વજ્ઞાન માટે તો જગતની મીટ આ દેશ પર જ મંડાયેલી રહે છે.
આવા મહાન ભારત દેશની અત્યારે શી હાલત છે? ઈ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયો. આઝાદીને છોંતેર વર્ષ થયાં છતાં હજુ દેશની મોટા ભાગની પ્રજા અસહ્ય ગરીબીમાં સબડી રહી છે. આજે વિશ્વના સૌથી પછાત અને ગરીબ દેશોમાં ભારત પ્રથમ સ્થાને ગણાય છે, છતાં ભારતનું ભાવિ ઉજ્જવળ હોય તેવાં લક્ષણો જણાય છે. આજે મારાં મનઃચક્ષુ સામે ભારતના ભવ્ય ભાવિનું એક સ્વચ્છ તાદૃશ્ય ચિત્ર ઊભું થતું લાગે છે.
મારાં સ્વપ્નના ભારતના હૃષ્ટપુષ્ટ અને સશક્ત પ્રજાજનોની વણજાર મારી નજર સામેથી પસાર થઈ જાય છે. મારા સ્વપ્નના ભારતમાં દેશનો પ્રત્યેક નાગરિક પૂરતો અને પૌષ્ટિક ખોરાક મેળવી શકતો હશે; એટલું જ નહિ, દરેકને જીવનની પ્રાથમિક જરૂરિયાતોની દરેક વસ્તુ મળી જતાં સ્વમાન અને કળાની ભૂખ જાગે જ. અત્યારે નિરક્ષરતા-નિવારણની ઝુંબેશ ચાલી રહી છે. પરંતુ ભાવિમાં એક એવું રમણીય પ્રભાત ઊગશે જ્યારે ભારતનો એક પણ નાગરિક નિરક્ષર નહીં હોય. દરેક સ્તરની કેળવણીની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા મફત થતી હશે. ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિ માટે શ્રીમંતોનો કે સંકુચિત દૃષ્ટિવાળી સંસ્થાઓનો લાચારીપૂર્વક આશરો લેવાની આવશ્યકતા નહીં હોય. ત્યારે દેશના દરેક નાગરિકને સમાન હક અને સમાન તક મળતાં હશે. શોષણવિહીન સમાજની એ સમાજરચના ખરેખર આદર્શ હશે.
ખેતીપ્રધાન ભારત દેશ કૃષિક્ષેત્રે માત્ર સ્વાવલંબી જ નહિ બન્યો હોય, જગતના સંખ્યાબંધ દેશોનો આ દેશ અન્નદાતા હશે. અહીં મોટા પાયાના તેમ જ નાના પાયાના ઉદ્યોગોએ હરણફાળ ભરી હશે. ગૃહઉદ્યોગોના અસાધારણ વિકાસ ગામડાંની પ્રજાને સમૃદ્ધિના શિખરે પહોંચાડી હશે. રાજકીય ઝઘડાઓ અને અશાંતિના બનાવો નામશેષ થઈ ગયા હશે. વિજ્ઞાન, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં ભારત જગતને મોખરે હશે. વિશ્વશાંતિના પાયામાં તેનો ફાળો મહત્ત્વનો હશે. જીવો ને જીવવા દો'ની નીતિનું પાલન કરી ભારત બીજા દેશોનો માર્ગદર્શક બનશે. આધ્યાત્મિક રીતે ભારતે ફરી વૈદિક યુગમાં જે વિકાસ સાધ્યો હશે, તે સાથે વૈજ્ઞાનિક વિકાસનો પણ સુવર્ણયુગ પ્રવર્તતો હશે. ભારતમાં દિનપ્રતિદિન વધતો જતો રોગ એ વસતીવધારો પણ તે સમયે ઓછો, ઘણો જ ઓછો થઈ ગયો હશે. જેમ સાક્ષરોનું પ્રમાણ વધશે તેમ વસતીવધારાનું પ્રમાણ ઘટશે.
ભારતના આવા ઉજ્જવળ ભવિષ્ય વિશેનું મારું આ સ્વપ્ન ફળે તેવી હું ઈશ્વરને સદાય પ્રાર્થના કરું છું.
COMMENTS