Essay on Importance of Library in Gujarati : In this article " પુસ્તકાલયનું મહત્વ ગુજરાતી નિબંધ ", " Pustakalay nu Mahatva Es...
Essay on Importance of Library in Gujarati: In this article "પુસ્તકાલયનું મહત્વ ગુજરાતી નિબંધ", "Pustakalay nu Mahatva Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Importance of Library", "પુસ્તકાલયનું મહત્વ ગુજરાતી નિબંધ", "Pustakalay nu Mahatva Gujarati Nibandh" for Students
સામાન્યરીતે પુસ્તકાલય વિશે વિદ્યાર્થીઓને પૂરતી સમજ આપવામાં નથી આવતી. મોટા ભાગનાં બાળકોને એ જ ખ્યાલ છે કે પુસ્તકાલય એટલે વેકેશનમાં સમય પસાર કરવા આપણને વાર્તા, નવલકથા અને નાટક જેવાં પુસ્તકો વાંચવાની સગવડ મળી રહે તેવું સ્થળ. આવી અધૂરી સમજને લીધે રજાઓમાં તેઓ ગામ કે શહેરનાં જાહેર ગ્રંથાલયોનો ઉપયોગ કરે છે ખરા; પરંતુ તેટલા પ્રમાણમાં શાળાના પુસ્તકાલય પ્રત્યે તેઓ સાવ ઉપેક્ષિત વલણ ધરાવતા જોવા મળે છે. આ માટે સૌથી સહેલું બહાનું સમયનો અભાવ ગણાવીને છુટકારો મેળવતા વિદ્યાર્થીઓ ઘણું ગુમાવતા હોય છે. શાળામાં બે રિસેસ પડે છે. એ ઉપરાંત અઠવાડિયે એકાદ તાસ ફ્રી મળે તો એનો ઉપયોગ પુસ્તકાલય માટે થઈ શકે. કેટલીક શાળાઓમાં સપ્તાહમાં એક તાસ વિશેષ વાચનનો હોય છે. એ સમયમાં પાઠ્યપુસ્તક સિવાયનાં પુસ્તકો લાઇબ્રેરીમાંથી લાવીને વર્ગમાં અપાય છે. આથી આખો વર્ગ એ તાસ પૂરતો પુસ્તકાલય બની રહે છે.
શાળામાં નીચલા ધોરણમાં ભણતા નાના વિદ્યાર્થીઓને શરૂઆતથી જ પુસ્તકાલયનો વિસ્તૃત પરિચય કરાવવો જોઈએ. ગ્રંથાલયની પૂરતી માહિતી વર્ગમાં આપ્યા બાદ તેમને પુસ્તકાલયમાં લઈ જવા જોઈએ. ગ્રંથાલયના જુદા જુદા વિભાગો, તેમાંની ગોઠવણ, વાચન-વ્યવસ્થા વગેરેનો પ્રત્યક્ષ ખ્યાલ આપવો જોઈએ. વિદેશની શિક્ષણ પદ્ધતિનો પ્રભાવ આપણે ત્યાં પડ્યો છે. એટલે આજના આપણા પુસ્તકાલયમાં કેવળ વાર્તા, નાટક કે નવલકથાનાં પુસ્તકો જ નથી હોતાં, અન્ય વિવિધ રસપ્રદ વિભાગો પણ હોય છે એની જાણકારી વિદ્યાર્થીને ઉપયોગી થઈ પડે છે.
દરેક પુસ્તકાલયમાં દૈનિક સમાચારપત્રો જેવા કે “સંદેશ”, “ગુજરાત સમાચાર', દિવ્યભાસ્કર વગેરે વાંચવાની વ્યવસ્થા હોય છે. રોજેરોજના સાંપ્રત બનાવોની આપણને આનાથી માહિતી મળે છે. ઉપરાંત સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રિમાસિક જેવાં વિવિધ સામયિકો પણ આવતાં હોય છે. આવાં સામયિકોમાં અભ્યાસને લગતી પૂરક વિગતો વાંચવા મળે છે. પાઠ્યપુસ્તકની બહારના જ્ઞાનજગત સાથે જીવંત સંપર્ક સ્થાપવામાં આવાં સામયિકો ઘણાં ઉપયોગી બની રહે છે.
ગ્રંથાલયમાં પુસ્તકોનાં કબાટ જોતાં આપણને વાર્તા કે નાટક જલદી યાદ આવે ખરું ને? એ બધું તો હોય જ છે. એની સાથે વિજ્ઞાનનાં, ઇતિહાસ કે ગણિત જેવા અન્ય વિષયનાં પુસ્તકોનાં કબાટ કે વિભાગ પણ હોય છે. આત્મકથા અને જીવનચરિત્રના ગ્રંથો આપણને વધુ પ્રેરણાદાયી અને માર્ગદર્શક બનતા હોય છે. આપણા રોજિંદા અભ્યાસગ્રંથના રેઢિયાળ વાચનથી થોડો સમય દૂર થઈને આવાં પુસ્તકોની દુનિયામાં લટાર મારતાં આપણને તાજગી અને નવા મૂડ કે Change નો આહલાદક અનુભવ થાય છે.
કેટલીક સમૃદ્ધ શિક્ષણ સંસ્થાઓમાં પાઠ્યપુસ્તકો, ગરીબ વિદ્યાર્થી માટે સહાયક પુસ્તકો, શિક્ષણને લગતા વાર્તાલાપની કૅસેટો ઉપરાંત કેટલાક પ્રાયોગિક પાઠની પ્રત્યક્ષ માહિતી માટેની વિડિયોકેસેટ પણ વસાવવામાં આવે છે. વિશાળ ગ્રંથાલયના મકાનમાં આને માટે એક જુદો રૂમ કે દૂરનો ખૂણો અલાયદો રાખવામાં આવે છે, જેથી અન્ય વિભાગના વિદ્યાર્થીઓને આનાથી ખલેલ ન પહોંચે. પાઠ્યપુસ્તકનો અભ્યાસ તો અનિવાર્ય ભૂમિકા જેવો છે; પરંતુ એમાં જ મર્યાદિત રહેનાર વિદ્યાર્થી વધુ પામી શકતો નથી, સપાટી પરનું જ્ઞાન મેળવીને અટકી જાય છે. જ્યારે પુસ્તકાલયના વિવિધ વિભાગોનો સંપર્ક રાખનાર વિદ્યાર્થી પોતાના અભ્યાસને વધુ વ્યાપક અને સમૃદ્ધ બનાવી શકે છે.
COMMENTS