Gujarati Essay on "Flattery", "ખુશામત એક કળા ગુજરાતી નિબંધ" for Students

Admin
0

Essay on Flattery in Gujarati: In this article "ખુશામત એક કળા ગુજરાતી નિબંધ", "Khushamat ek Kala Gujarati Nibandh "for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Flattery", "ખુશામત એક કળા ગુજરાતી નિબંધ" for Students

કહેવાય છે કે ખુશામત તો ખુદાને પણ પ્યારી છે. જે શસ્ત્રથી આ સૃષ્ટિનો સર્જક પણ ફોસલાતો હોય તે શસ્ત્ર આગળ માનવીની તો શી વિસાત?

આ દુનિયામાં ખુશામત ક્યાં નથી? કોણ કોની ખુશામત નથી કરતું? દુકાનદાર ગ્રાહકની, નોકર માલિકની, બાળક વડીલની, યૂન પ્રિન્સિપાલની, ઉમેદવાર મતદારોની, વિદ્યાર્થી શિક્ષકની, પત્ની પતિની ખુશામત કરે છે. આમ ખુશામતનું સામ્રાજ્ય સર્વસ્વ વ્યાપેલું છે. એ દ્વારા જ માનવેતર જીવો પણ મનુષ્યની ખુશામત પર વારી જઈને મિત્ર બને છે. પોતાના કાર્યમાં સફળતા મેળવવા માટે દેવ-દાનવોએ પણ ખુશામતનો ઉપયોગ ક્યનાં ઉદાહરણો આપણને આપણા પુરાતન ગ્રંથોમાંથી મળે છે. આમ, ખુશામતે પોતાનું વર્ચસ્વ ત્રણે લોકમાં અજમાવ્યું છે.

“ખુશામત” એટલે આધુનિક સમયમાં વપરાતો શબ્દ “પોલ્સન” તથા “પૉલિશ'. પોલ્સન મારવું એક કળા છે. જેના વડે ચોમેર પ્રેમ અને અનુકંપાનું વાતાવરણ ફેલાય છે. આ કળાનો સદુપયોગ આપણને બ્રહ્માનંદનો લહાવો પણ આપે છે. પૉલ્સન જ એક નિરુપદ્રવી અને નિર્દોષ શસ્ત્ર છે, જેના વડે અમોઘ શસ્ત્રને પણ હાર અપાવી શકાય. જે કાર્ય શામ, દામ, દંડ કે ભેદ વડે ન થાય તે કાર્ય પોલ્સન એટલે કે ખુશામત વડે સરળતાથી થઈ શકે છે.

જયારે કોઈ વ્યક્તિની શક્તિ, કૌશલ્ય, સ્વભાવ, શાન વગેરેનાં વખાણ થતાં હોય ત્યારે આપણે તે વ્યક્તિને બિરદાવીએ છીએ. પણ આ શસ્ત્રનો કોઈ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કે કંઈ કામ કઢાવી લેવા માટે ઉપયોગ કરે છે ત્યારે તેની ગણતરી હલકી વૃત્તિવાળા મનુષ્યોમાં થાય છે.

આ કળા શત્રુનું મિત્રમાં રૂપાંતર કરવા માટે ઘણી જ ઉપયોગી નીવડે છે. વળી, આ કળા વાપરનાર વ્યક્તિ કદી કોઈનો શત્રુ બનતો નથી. આ કળા શત્રુની વધતી જતી પ્રગતિને રોકે છે. તેના બદલામાં આપણે પોતાની પ્રગતિ સારી રીતે સાધી શકીએ છીએ. તેથી આપણી ખુશામત કરનારા લોકોથી પણ આપણે સતત સજાગ રહેવું જોઈએ. જેવી રીતે “કોઈ ઉંદર' આખો પગ કરડી ખાય ત્યાં સુધી ખબર નથી પડતી, કારણ કે તે ફૂંક મારતો હોય છે અને કરડતો જાય છે. તેમ આ કળા પણ તેવી જ છે. આ કળાથી શત્રુના ઘા પર મીઠું પણ ભભરાવી શકાય છે અને મલમ પણ ચોપડી શકાય છે.

જેમ દુનિયા જૂની થાય છે તેમ વધુ ડાહી થતી જાય છે. આજે ખુશામત કરવાની કળામાં પણ માનસિક વિકાસનું દર્શન થાય છે. ખુશામતની કળા તો શિયાળ અને કાગડા” જેવી વાર્તાથી ચાલતી આવે છે, ચાલે છે અને ચાલતી રહેશે.

ડૉક્ટરની મુલાકાત માટે ડોરમૅનની ખુશામત, સારા બાંધકામ માટે કડિયાની ખુશામત, ઑફિસમાં જવા ખૂનની ખુશામત, બસમાં બેસવા માટે કંડક્ટરની ખુશામત, કૉર્ટમાં જલદી કામ પતાવવા માટે ચપરાશીની ખુશામત, પરીક્ષામાં ગેરરીતિ આચરવા પોલીસની ખુશામત કરવી પડે છે. અરે ! ખુશામત તો કોઈ વાર મોટાએ નાનાની પણ કરવી પડે છે, અને ઘણી વાર નાનાએ મોટાની પણ કરવી પડે.

આજે ખુશામતે એક નવો વળાંક લીધો છે. હવે તો ખુશામતની સાથે ભોગ પણ ચઢાવવો પડે છે. નૈવેદ્ય કરવું પડે છે. પેપરવેઇટ મૂકવું પડે છે. કોર્ટના ચપરાશીની ખુશામત કરીને તેના હાથમાં મૂઠી વાળી કંઈક આપીએ તો... આપણો કાગળ બીજા ટેબલ પર જાય. ઇજારો કોને મળે ? સારી શાળામાં પ્રવેશ કોને મળે ? પાછલી બારણે સારી ભેટ આપે તેને જ મળે. ભાઈ, ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. આમ, ખુશામતે હવે લાંચરુશવતરૂપી દોષિત અને સમાજમાં ઉપદ્રવ ફેલાવે તેવા ઝેરી શસ્ત્રનું સ્વરૂપ ધારણ કર્યું છે.

ખુશામત અને કદરદાનીમાં ઘણો તફાવત છે. વર્તમાનયુગમાં ખુશામતના ભાવ વધ્યા છે. ખુશામત ક્યાં? કેટલી? કેવી રીતે કરવી તે જાણી ખુશામત કરનાર પોતાનું કામ કઢાવી શકતો હોય છે. હવે તો એ પણ યાદ રાખવું જરૂરી છે કે કોરી ખુશામતનું કાંઈ ઊપજતું નથી.

આજે આપણા દેશમાં ખુશામતના જોરે અયોગ્ય વ્યક્તિઓ ઊંચાં સ્થાનો મેળવી રહી છે, જયારે ખુશામતના અભાવે યોગ્ય વ્યક્તિઓ રઝળી રહી છે. આમ, આજે ચોમેર ખુશામતની જ બોલબાલા છે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !