Saturday, 26 October 2019

દેશી રમતો ગુજરાતી નિબંધ

દેશી રમતો ગુજરાતી નિબંધ

  • મુખ્ય વિષય પર આવવું.
  • ચાર દેશી રમતોનું વર્ણન.
  • એ રમત રમવાથી થતા ફાયદા.
  • સામાન્ય વિવેચન.
કસરત કરવાથી શરીરને ફાયદો થાય છે એ તો સૌ કોઈ જાણે છે. પણ કસરત કરવી કેટલીક વખત કંટાળારૂપ થઈ પડે છે. એકને એકજ રીતે દંડ પીલવા, ઊઠબેસ કરવી, દૂર દૂર ફરવા જવું, અથવા અખાડામાં કુસ્તી કરવા જવાનું કામ થોડા દિવસ ગમે છે, પણ દરરોજ એવી કસરતો લેતાં કંટાળો આવે છે. આથી દરેક દેશમાં જુદી જુદી રમતો રમવામાં આવે છે. રમતાં રમતાં આનંદ મળે છે અને આપણને જોઈએ તેટલી કસરત મળે છે.

આપણે ત્યાં એવી ઘણી રમતો રમાય છે. એ રમતોમાં ગેડીદડાની, આટાપાટાની, એરંડાની ને ડાહીના ઘોડાની રમતો જાણીતી છે.

ગામડામાં ગેડીદડાની રમત રમવામાં આવે છે. રાયણ અથવા લીમડા કે આમલીના ઝાડની એક જાડી લાકડી કાપવામાં આવે છે. તેને ગેડી કહે છે. ચીંથરાનો માણસના માથા જેવડો એક દડો બનાવવામાં આવે છે. પછી છોકરાઓ બે ટોળીમાં વહેંચાઈ જાય છે. મેદાનની વચમાં પેલો દડે મૂકવામાં આવે છે, અને પછી રમત શરૂ થાય છે. બંને બાજુની ટોળીના છોકરાઓ એ દડો પોતપોતાની બાજુએ લાકડી વતી સપાટો મારી ખેંચી જવા પ્રયત્ન કરે છે. આમ કરવામાં જબરી રસાકસી થાય છે. ખૂબ દોડવું પડે છે, અને કાંડાંમાંથી જોર કરવું પડે છે. આ રમત શિશિરના આખરના દિવસોમાં રમવામાં આવે છે. વસંતઋતુના હોળીના દિવસે એ ગેડી અને દડો હોળીની ઝાળમાં પધરાવી દેવામાં આવે છે.

આ રમત ઘણા જુના સમયથી હિંદુસ્તાનમાં રમાતી આવી છે. અસલના વખતમાં એ “કંદુકક્રીડા” ને નામે ઓળખાતી. “કંદુકક્રીડા” એટલે દડાની રમત. શ્રીકૃષ્ણ ગોવાળીઆઓ સાથે આ રમત રમતાં રમતાં જમના નદીમાં દડો નાખી દીઘો, અને દડો લેવાને બહાને જમનામાં કૂદકો મારી અંદર વસતા કાળીનાગને વશ કર્યો.

આટાપાટાની રમત માટે મોટા ચોગાનમાં ખડી, ચુના કે પાણીથી એક મોટો લંબચોરસ પાટ પાડવામાં આવે છે. એ લંબચોરસ પાટની લંબાઈ વચ્ચેથી જતો એક ઉભો પાટ પાડવામાં આવે છે, અને એ ઉભા પાટને લંબરૂપે છેદતા બીજા કેટલાક આડા પાટા પાડવામાં આવે છે પછી રમનાર છોકરા બે ભાગમાં વહેંચાઈ જાય છે. દાવ આપનારી ટોળી પાટાઓ ઉપર ગોઠવાઈ જાય છે. એક હોશિઆર રમનાર વચલા ઉભા પાટ કે મોભ પર ઉભો રહે છે. બીજા બધા દાવ આપનારામાંથી એકએક જણ એકએક આડા પાટ ઉપર ઉભો રહે છે. આડા પાટ ઉપર ઉભેલા પોતાના પાટ ઉપર ઉભા રહી સામા પક્ષના પાટમાં દાખલ થઈ જતા રમનારને પકડવા પ્રયત્ન કરે છે. ઉભા પાટવાળો રમનાર સામા પક્ષના ભિલ્લુઓને એ આખા પાટ ઉપર દોડી જઈ ગમે ત્યાં પકડી શકે છે. આડા પાટ ઉપર ઉભેલા દાવ આપનારા પટો ઓળંગી ગએલા વિદ્યાર્થીઓને પકડી શકતા નથી. આ રીતે દાવ લેનારા એ પાટામાં દાખલ થાય છે. એમ કરતાં કોઈ પકડાઈ જાય તો એ લોકો દાવ હારી જાય છે, અને બીજા પક્ષના ભિલ્લુઓને દાવ લેવા બોલાવે છે. દાવ લેનાર ભિલુમાંથી ગમે તે એક જણ એ બધા પાટા ઓળંગી પેલે પાર જાય એટલે બધા દાવ આપનાર ભિલ્લુઓ અવળા ફરી જાય છે. જુદા જુદા પાટામાં ઉભેલા દાવ લેનાર ભિલ્લુઓ પેલા બહાર નીકળેલા ભિલ્લુઓ પાટ બહારથી આણેલી માટી પોતાના હાથમાં આવે નહિ ત્યાં સુધી બીજા પાટમાં જઈ શક્તા નથી. આ રીતે પાછા કરેલા દાવ લેનાર જે સામાપક્ષના ભિલ્લુઓ ન અડકી શકે તેમ જે પાટમાં શરૂઆતમાં દાખલ થએલા તે પાટ ઓળંગી જાય તે રમત જીત્યા કહેવાય છે.

એરંડાની રમતમાં એક મોટું કુંડાળું કરવામાં આવે છે. એક રમનાર દાવ આપે છે. તે પેલા કુંડાળામાં ઉભો રહે છે. બીજા રમનારા કુંડાળાની બહાર ઉભા રહે છે. દાવ આપનાર વિદ્યાર્થી કુંડાળામાં બે પગે ઉભો રહી શકે છે. કુંડાળા બહાર એક પગ પર કૂદતો કૂદતો જઈ બહાર દોડતા રમનારને પકડવા પ્રયત્ન કરે છે. એમ કરતાં જે એ બંને પગ જમીન પર મૂકી દે તો દાવ લેનારા, દાવ આપનાર કુંડાળામાં ભરાઈ જાય ત્યારે પહેલાં પકડીને તેને મુકીઓ મારે છે. જે કોઈ રમનાર પકડાઈ જાય છે તો પેલા દાવ આપનાર વિદ્યાર્થીની સાથે કુંડાળામાં જઈ તેની માફક બીજાને બોડે પગ પકડવા પ્રયત્ન કરે છે. આ રીતે પકડાઈ બધા છોકરા કુંડાળામાં દાખલ થાય એટલે રમત પુરી થાય છે.

ડાહીનો ઘોડો રમતો જમતો છૂટપૂટ” એમ બોલી નાનાં બાળકો આપણે ત્યાં ઘણુંખરૂં રાત્રે રમે છે. એ રમત તો બહુ જાણીતી છે.

ગેડીદડાની રમતથી આખા શરીરને કસરત મળે છે. આટાપાટાથી કસરત મળે છે તે ઉપરાંત યુકિતથી પકડાયા વગર કેવી રીતે એક પાટમાંથી બીજા પાટમાં જવું તે વિચારવાથી અને પકડાઈ ન જવાય માટે સાવચેત રહેવાથી, વિચારશક્તિ અને સમયસૂચકતાનો રમનારમાં વધારો થાય ; એરંડાની રમતમાં કસરત મળે છે તે ઉપરાંત સામા ભિલ્લુઓનો માર ખાઈ સહનશક્તિનો વિકાસ થાય છે. “ડાહીનો ઘોડો” તો અનુમાન શકિત કેળવવાની એક ઉત્તમ રમત છે.

આજે તો આપણા દેશમાં ક્રિકેટ, ફૂટબોલ, હોકી, બિલિઅર્ડ, ટેનિસ જેવી પરદેશી અનેક રમતો રમાય છે. એ રમતોથી ફાયદે તે થાય છે પણ પૈસાદાર લોકોજ આવી રમતો રમી શકે છે, કારણકે એ રમતો રમવાને ઘણું સાધને જોઈએ છીએ, અને તે સાધનની ઘણી કિંમત આપવી પડે છે. આપણું દેશી રમતો રમવામાં બહુ ઓછા સાધનની જરૂર પડે છે. વળી તે સાધનોની કિંમત જજૂજ હોય છે.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: