Friday, 4 December 2020

Gujarati Essay on "Self Reliance", "સ્વાશ્રય સમાજ ની જીવાદોરી નિબંધ" for Students

Essay on Self Reliance in Gujarati: In this article "નિરક્ષરતા વિશે ગુજરાતી નિબંધ", "સ્વાશ્રય સમાજ ની જીવાદોરી નિબંધ", "Swashraya Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Self Reliance", "સ્વાશ્રય સમાજ ની જીવાદોરી નિબંધ" for Students

બીજા વિશ્વયુદ્ધમાં જાપાન ઉપર અણુબૉમ્બ વરસાવીને એ દેશને તારાજ કરી નાખવામાં આવ્યો હતો. ઠેર ઠેર માનવશબો અને મકાનોનાં ખંડિયેરો પડ્યાં હતાં. ચારે તરફ વેરાયેલા વિનાશમાં સપડાયેલા જાપાનને નજરે જોયેલા ઘણા નેતાઓ અને નિષ્ણાતોએ ભવિષ્ય ભાખેલું કે બરબાદીના આરે ઊભેલું જાપાન હવે એકસો વર્ષ પછી પણ બેઠું નહીં થઈ શકે. પરંતુ જાપાનની કર્મઠ પ્રજાએ એક ચમત્કાર સર્જીને આ ભવિષ્યવાણી ખોટી પાડી. માત્ર બે દાયકામાં જાપાન બેઠું થયું; એટલું જ નહીં; ત્રીજા દાયકે તેણે વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રમાં હરણફાળ ભરીને અજોડ પ્રગતિ હાંસલ કરી. વિનાશના મુખમાંથી વળી આજે પાંચ દાયકા પૂરા થતાં પહેલાં જાપાને એટલી સિદ્ધિ હાંસલ કરી છે કે, દુનિયાની મહાસત્તા ગણાતા પ્રથમ હરોળના સમૃદ્ધ દેશોથી માંડીને નાનામાં નાના દરેક દેશમાં જાપાનની બનાવટની ચીજવસ્તુઓ ખરીદવા લોકો પડાપડી કરે છે. વૈજ્ઞાનિક વિકાસમાં જાપાન આજે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાને બેઠું છે. દેશની પ્રગતિનો આ ચમત્કાર જાપાનની ભૌતિક સમૃદ્ધિને કારણે નથી થયો, એ દેશની પ્રજાના સ્વાશ્રય અને કઠોર પરિશ્રમનું એ પરિણામ છે.

દરેક કામ જાતે કરવું એ સ્વાશ્રયનો સીધોસાદો અર્થ છે. પોતાનાં સાધનોની કે સ્થિતિની બાહ્ય મર્યાદાને કારણે કદાચ બીજાની અલ્પ સહાય લેવી પડે તો એમાં કશું જ ખોટું નથી, બલકે પૂરક જ ગણાય. પરંતુ પૂરા આળસુ બની બેસી રહેવું અને સર્વથા પરાવલંબી બનવું એ મોટો દોષ છે. કુટુંબમાં દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે કરે એવી ટેવ પાડવાથી ઘરઆંગણે સ્વાશ્રયના પાઠ ભણવા મળી શકે. પડોશમાં કે પોળમાં પરસ્પરના સહકારથી કરી શકાય તેવાં કામો માટે પંચાયત કે સરકારી મદદની રાહ જોઈ બેસી ન રહેવું જોઈએ. આ જ રીતે ગામ, શહેર તેમ જ રાજ્ય અને સમગ્ર દેશનાં કાર્યો માટે પ્રજાએ જાતે જ પોતાનાથી શક્ય હોય તે કામો ઉપાડી લેવાં જોઈએ.

એનું નામ સ્વાશ્રયી સમાજ કે મહેનતુ પ્રજા. કોઈ પણ માનવસમાજ સ્વાશ્રય વિના ટકી નથી શકતો. પરાશ્રયી સમાજ હંમેશાં પ્રગતિહીન અને દુઃખી થતો હોય છે. એટલે જ સ્વાશ્રયને સમાજનું અસ્તિત્વ ટકાવતા મહત્ત્વના સ્થાને મૂકી જીવાદોરી ગણવામાં આવે છે.

આપણો સમાજ સભાનપણે સ્વાશ્રયી બનવા પ્રયત્નો કરે તો આપણા દેશના અને પ્રજાના ઘણા પ્રશ્નો હલ થઈ શકે. એટલું જ નહીં, દેશ ઝડપથી પ્રગતિ સાધી શકે. ગામડામાં જાહેર સફાઈ અને રાહતકાર્યો દ્વારા રસ્તા-દુરસ્તી, ખાળકૂવા, સિંચાઈ વગેરે માટે પ્રજાએ જાતે કામ ઉપાડી લેવું જોઈએ. સરકારી ઑફિસોની તુમારશાહી અને અમલદારશાહીના વરવા અનુભવથી સરકારનો દોષ કાઢી બેસી રહેવાથી ગામની પ્રગતિ રૂંધાય છે. સરકારના વલણનો વિરોધ જરૂર કરવો જોઈએ, પણ તેને બહાનું બનાવી કામથી ભાગવાની વૃત્તિ રાખવી એ પલાયનવાદને પોષવા જેવું છે.

ગામડાની જેમ શહેરની પ્રજા પણ પોતાનાં પ્રશ્નો અને કાર્યો પોતાની જાતે હલ કરે એવા મંડળ અથવા ક્લબની યોજના કરવી જોઈએ. એનાથી જાહેર કાર્યો ઝડપથી, કાળજીપૂર્વક અને સુંદર રીતે પાર પાડી શકાશે. આ જ રીતે દરેક દેશ પોતાની પ્રજા પર નિર્ભર બને તો એવા સ્વાશ્રયી સમાજથી તે ઝડપભેર પ્રગતિ કરી શકશે. પરદેશની વસ્તુઓના મોહથી અંજાઈને આપણે આયાત દ્વારા વિદેશને પોષવાનો અને આપણા દેશને નબળો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે ઉત્તમ ઉત્પાદન દ્વારા વધુ વસ્તુઓની નિકાસ કરવાથી આપણે વિદેશોમાંથી વિશેષ હૂંડિયામણ મેળવીને આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવી શકીએ. જાપાન મોતના મોંમાંથી પાછું ફરીને નવસર્જન કરી શક્યું તો આપણે આઝાદી મેળવ્યા બાદ સ્વાશ્રયથી આપણા રાષ્ટ્રને કેમ મહાન ન બનાવી શકીએ?


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: