Saturday, 28 November 2020

Gujarati Essay on "Television Advantages and Disadvantages", "ટેકનોલોજી ના ફાયદા ગેરફાયદા નિબંધ" for Students

Essay on Television Advantages and Disadvantages in Gujarati: In this article "ટીવી વિશે ગુજરાતી નિબંધ", "ટેકનોલોજી ના ફાયદા ગેરફાયદા નિબંધ", "Television Nibandh Gujarati Ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Television Advantages and Disadvantages", "ટેકનોલોજી ના ફાયદા ગેરફાયદા નિબંધ" for Students

ટેલિવિઝનને આપણે ટી.વી.ના ટૂંકા નામે ઓળખીએ છીએ. છેલ્લા ચારસાડા ચાર દાયકાથી વિસ્તરેલા આ સાધનની શોધને વિશ્વમાં અર્ધી સદી પૂરી થઈ ગઈ છે. એમાં અવનવા પ્રયોગો અને સંશોધન થતાં આજે ટી.વી. એટલું આગળ વધી ગયું છે કે દુનિયાના કોઈ પણ સ્થળ પરની રમત, સમારંભ કે દશ્ય આપણે એ જ ક્ષણે આરામથી આપણા ઘરમાં બેઠાં બેઠાં જોઈ શકીએ છીએ. સામાન્યરીતે પ્રજાનો મોટો વર્ગ એનો માત્ર મનોરંજન પૂરતો જ વધુ ઉપયોગ કરે છે. પરંતુ જ્ઞાનના માધ્યમ માટે, વ્યાપારવિસ્તરણ તેમ જ વૈજ્ઞાનિક શોધ-સંશોધનમાં આજે ટી.વી.નો ઉપયોગ એટલો બધો થયો છે કે, વિદેશોમાં વસતા લોકો તો રોજ ચાનાસ્તાની જેમ રોજિંદા જીવનમાં કયૂટર અને ટી.વી.નો ઉપયોગ કરતા થયા છે.

આજે દરેક પરિવારમાં રેડિયો અને ટેપની જેમ ટી.વી.એ પોતાનું નિશ્ચિત સ્થાન મેળવી લીધું છે. કુટુંબના મોટા ભાગના સભ્યો મનોરંજન માટે ટી.વી. સામે ગોઠવાઈ જાય છે. ફિલ્મ અને રમતગમતનું પ્રસારણ જોવા ટી.વી.નો સૌથી વધુ ઉપયોગ થાય છે. એ સાથે કેટલાક ઉત્તમ લેખકો, કલાકારો, રમતવીરો, નેતાઓ વગેરેની પ્રસારિત થતી મુલાકાતથી પણ રસપ્રદ જાણકારી મેળવી શકાય છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણને લગતા કાર્યક્રમોનું પ્રસારણ તથા બાળકો અને મહિલાઓ માટેનાં પ્રસારણો ઉપયોગી માહિતી પૂરી પાડે છે.

જાહેર સંસ્થાઓમાં પ્રજાનાં કાર્યો સરળ બનાવવા ઉપરાંત સરકારી કચેરીઓમાં મહત્ત્વનાં કાર્યો માટે પણ ટી.વી. વપરાય છે. બેન્ક, ઑફિસ કે ગુપ્તચર કચેરીમાં ગોઠવાતા ટી.વી. ઉપરથી મકાનમાં આવતા-જતા દરેક માણસના હલનચલન પર ચાંપતી નજર રાખી શકાય છે. એ જ રીતે ચૂંટણી, રથયાત્રા, સરઘસ કે જાહેરસભા જેવા સમુદાય ઉપર ફરતો કેમેરા તોફાની તત્ત્વો શોધવામાં મદદ કરે છે. આમ, આબાલવૃદ્ધ સૌને ટી.વી. આજે ઘણું સહાયક થતું જોવા મળે છે.

પરંતુ કોઈ પણ સાધનનો સદુપયોગ કે દુરુપયોગ કરવાનો નિર્ણય માણસની પોતાની વિવેકબુદ્ધિ ઉપર આધાર રાખે છે. જે વસ્તુના સદુપયોગથી લાભ થાય, તેનો દુરુપયોગ નુકસાન પણ કરી શકે છે. ટી.વી.ની શોધ વિશે પણ આ નિયમ લાગુ પાડી શકાય. ભારતમાં ટી.વી.નો વિવેકપૂર્ણ, વ્યવસાયલક્ષી તથા શૈક્ષણિક સંશોધન-અભ્યાસ માટે થતો ઉપયોગ ઘણો ઓછો છે. આપણે ત્યાં એનો સૌથી વધુ ઉપયોગ પરિવારના મનોરંજન માટે જ થતો જોવા મળે છે. ભારતની આળસુ પ્રજા કામથી દૂર ભાગે છે. એમાં ટી.વી. પરથી નિરંતર પ્રસારિત થતી ક્રિકેટ મેચ જોવા માટે કલાકોના કલાકો બગાડીને પ્રજા વધુ કામચોર અને વિલાસી બનતી જાય છે. ઘરમાં અભ્યાસને બદલે રમત જોવામાં બાળકો વધુ સમય બગાડે છે. ઑફિસો તેમ જ જાહેર સંસ્થાઓમાં પણ એના ઉપયોગથી કર્મચારીઓના કામમાં વિલંબ થાય છે. દેશના હજારો માનવ-કલાકોનો દુર્વ્યય થવાને કારણે દરેક ક્ષેત્રની પ્રગતિમાં અવરોધ જન્મે છે.

મોટી ઉંમરની વ્યક્તિઓ કરતાં કુમળી વયનાં બાળકો ઉપર ટી.વી.ની ખરાબ અસરો જલદી થાય છે. અપરિપક્વ બુદ્ધિના કારણે આ બાળકો ટી.વી. પરની ફિલ્મો-સિરિયલોનાં અનુકરણ કરવા પ્રેરાય છે. આથી નાનપણમાં જ તે ગુનાખોરી તરફ વળે છે. જાણકારી કે માહિતીજ્ઞાન આપતા પ્રશ્નોત્તરીના ક્વિઝ' જેવા કાર્યક્રમ તરફ આકર્ષે છે, તો બીજી બાજુ તે બાળકોની વિચારશક્તિ અને કલ્પનાશક્તિનો વિકાસ સ્થગિત કરી દે છે, તો કશું વિચાર્યા કે શોધ્યા વિના જ પ્રાપ્ત થતી આ માહિતીના સંસ્કાર પ્રેક્ષકના મન ઉપર દઢ થતા નથી. વધુ સમય સુધી ટી.વી. સામે બેસી રહેતાં બાળકોનો બુદ્ધિઆંક અને બુદ્ધિવિકાસ ઘટતો જાય છે. વિદેશમાં આ વિશે સંશોધનો કરીને ત્યાંની જાગ્રત વ્યક્તિઓ ટી.વી.ને ઇડિયટ બૉક્સ' કહે છે. તેમના મતે ટી.વી. એટલે એક એવું ડબલું જેની સામે મૂર્ખાઓ મોં વકાસીને બાઘાની માફક ટાંપી રહે છે, અથવા લાંબા સમય સુધી બેસી રહેનાર મૂખ બની જાય છે.

આ સંશોધનના તથ્યને સ્વીકારીને આપણે સમયસર બોધપાઠ લેવો જોઈએ, તે ડહાપણભર્યું કહેવાય.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: