Essay on School Farewell in Gujarati : In this article " શાળા વિદાય વિશે નિબંધ ", " વિધાલયમાંથી વિદાય થતાં નિબંધ ગુજરાતી &quo...
Essay on School Farewell in Gujarati: In this article "શાળા વિદાય વિશે નિબંધ", "વિધાલયમાંથી વિદાય થતાં નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "School Farewell", "શાળા વિદાય વિશે નિબંધ", "વિધાલયમાંથી વિદાય થતાં નિબંધ ગુજરાતી" for Students
મારા સાત વર્ષના સોનેરી શાળાજીવનનો અંત આવવાનો હતો. આજે શાળામાં મારો છેલ્લો દિવસ હતો. વહાલસોયી માતા જેવી શાળાની શીતળ માયા છોડવાનું કેટલું વસમું હતું તે આજે સમજાયું. શાળામાંથી વિદાય લઈ રહેલી હું જાણે પિયરમાંથી વિદાય લઈ સાસરીમાં જઈ રહી હોઉં, તેમ લાગ્યું. સાત-સાત વર્ષમાં આ શાળા સાથે સાચે જ પિયર જેવી પ્રીત બંધાઈ ગઈ હતી. ઉચ્ચ અભ્યાસ માટે આગળ ધપવાની ધગશ તો હતી જ, તેથી જ એ અજાણી નવી મહાશાળાઓ મનગમતી સાસરી જેવી લાગતી હતી.
આજે સૌનાં મુખ પર ન સમજાય તેવી લિપિ હતી. બધાના ચહેરા પર ન વર્ણવાય તેવી ઉદાસી પ્રસરેલી હતી. આજે સવારથી બધા જ વિચારોમાં અટવાયેલા હતા. સાંજેવિદાયસમારંભ હતો. પણ અન્ય સમારંભની તૈયારીમાં, તેની ઉજવણીમાં જેટલો આનંદ-ઉલ્લાસ કે થનગનાટ હોય તેમાંનો છાંટો પણ આજે જોવા મળતો ન હતો. કોઈ નજીકના સ્વજનથી છૂટા પડતા માનવી જે વેદના-વ્યથા અનુભવે તેવી લાગણીથી અમારા સૌનાં અંતર ઘેરાયેલાં હતાં.
અને જે ઘડીની અમે સૌ રાહ જોઈને બેઠાં હતાં તે આખરે આવી પહોંચી. શણગારેલા સભાગૃહમાં સૌ શિક્ષકો, શિક્ષિકાઓ, આચાર્ય વગેરે પહોંચી ગયાં હતાં. અમે તો ઘણા સમય પહેલાંથી ત્યાં ગોઠવાઈ ગયાં હતાં. આચાર્યશ્રી ઊભા થયા. તેમના પ્રેમાળ શબ્દો કાને પડતાં જ મારી આંખમાંથી પાણી ઊભરાઈ આવ્યાં. તેમણે અમારા ઉજજવળ ભવિષ્ય અંગે શુભકામનાઓ વ્યક્ત કરી. જીવનમાં સાદાઈ, સ્વચ્છતા, સેવા અને સહનશીલતાનો આદર્શ ચરિતાર્થ કરી બતાવવાની અમને શિખામણ આપી. કોઈ પિતા કન્યાવિદાય ટાણે પુત્રીને શિખામણ આપે કે પરદેશ જતા પુત્રને આશિષ આપે તે રીતે તેમણે પ્રવચન પૂરું કર્યું.
પછી બે-ત્રણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ પ્રસંગને અનુરૂપ ભાષણ કર્યું. વિદાય લેતાં-લેતાં બીજા વિદ્યાર્થીઓ વતી બાળકબુદ્ધિથી અણસમજમાં કરેલાં તોફાનો કે ગેરવર્તણૂક માટે સાચા હૃદયથી આચાર્યશ્રી પાસે માફી માંગી. ગુરુજનોના સાચા માર્ગદર્શન માટે અનહદ ઉપકાર દર્શાવી તેમના અસીમ સ્નેહ બદલ આભારની લાગણી વ્યક્ત કરી. માતા જેવી શાળાથી છૂટા પડવાથી ઉદ્દભવેલી વિરહ-વેદના તેમનાં વક્તવ્યોમાં સ્પષ્ટપણે વતતી હતી. થોડી વાર માટે સંગીતનો કાર્યક્રમ ચાલ્યો. છેલ્લે “અમે કૉલેજિયન' નામનું નાનું રમૂજી નાટક ભજવાયું અને તે પછી ચા-નાસ્તા સાથે થોડાં ટોળટપ્પાં કરીને સૌ વિખરાયાં.
વર્ષો સુધી જ્યાં રોજ સવારે નિયમિત આવતા, રમતાં, ભણતાં અને વિશાળ સંસ્મરણો ભેગાં કર્યા તે શાળાને છોડતાં મારું હૈયું ભરાઈ આવ્યું. પગ પર જાણે મણ-મણની મણિકા બાંધી હોય તેમ લાગ્યું. અહીં જ અમને સુખના સરવાળા અને દુઃખની બાદબાકી શીખવા મળી હતી. જિંદગીને ખેલદિલીથી જીવવાનો મંત્ર મળ્યો. સુખદુઃખના ભાગીદાર એવા મિત્રો જોવા મળ્યા હતા. એ બધાંને આજે છોડી જવાનું ? આ શાળાની મૂકપ્રેક્ષક બની બેઠેલી પાટલીઓ, બ્લેકબોર્ડ, નોટિસબોર્ડ, પુસ્તકાલય, રમતનું મેદાન બધાં જ જાણે કે મને છેલ્લી વિદાય આપી રહ્યાં હતાં.
આખરે ભારે હૈયે, ભીની આંખે હું બધા શિક્ષકો અને આચાર્યશ્રીને મળી. તેમના પ્રત્યે આભાર અને આદરની લાગણી વ્યક્ત કરી બધાં મિત્રોને સ્નેહથી ભેટી હું ઘર તરફ ચાલવા માંડી.
શાળાની વિદાયના કરુણમંગળ પ્રસંગને હું ક્યારેય નહીં ભૂલી શકું, મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ બની રહેશે એ !
COMMENTS