Gujarati Essay on "Monghvari", "મોંઘવારી વિશે ગુજરાતી નિબંધ" for Students

Admin
0

Essay on Monghvari in Gujarati: In this article "મોંઘવારી વિશે ગુજરાતી નિબંધ", "Hay re Monghvari Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Monghvari", "મોંઘવારી વિશે ગુજરાતી નિબંધ" for Students 

ગુલામીના મિષ્ટાન્ન કરતાં આઝાદીનો સૂકો રોટલો વધુ મીઠો લાગશે.” નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની રેલીને સંબોધતાં કહેલા આ શબ્દો, આઝાદી મળ્યા પછીનાં આ ત્રીસ-ચાળીસ વર્ષોમાં એવા તો અવળા ફળ્યા કે હવે તો સૂકો રોટલો પણ મિષ્ટાન્ન જેવો થઈ પડ્યો છે !

એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે ને બીજી બાજુ, “ગરીબીની રેખા નીચે જીવતાં લાખો કુટુંબો મજૂરી કરવા છતાં એક ટંકનું ધાન પણ મેળવી શકતાં નથી. મોંઘવારીની નાગચૂડના ભરડામાં કેવળ ગરીબો જ નહિ, મધ્યમ વર્ગના માનવીઓ પણ ભીંસાયા છે અને પરિણામ એ આવ્યું છે કે “મોંઘો માનવદેહ લાચાર બની ગયો છે ને જેનું નામ જ મોંઘવારી છે તે અત્યંત સોંઘી એટલે કે ઠેરઠેર જથ્થાબંધ વ્યાપી ગયેલી જોવા મળે છે.

માનવીને એની ત્રણ મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન જો સહેલાઈથી ન મળે – તો એને ભીખ માગવી પડે છે. લાચાર બનીને દેહનું લિલામ કરવું પડે છે. આ દેશમાં આઝાદી હોય તો યે શું અને ન હોય તો યે શું? એક જમાનો હતો કે જ્યારે રૂપિયો ગાડાના પૈડા જેવો લાગતો હતો ! એટલે કે એક રૂપિયામાં આખા ઘરની જીવન-જરૂરિયાતોની ચીજવસ્તુઓ લાવી શકાતી હતી. ત્યારે ચાર આને મણ બાજરી, બાર આને મણ દાઉદખાની ઘઉં અને એક રૂપિયે મણ વાંસીના ચોખા મળતા હતા. રૂપિયાની પાંચ શેર ખાંડ અને એક રૂપિયાનું દોઢ શેર ચોખ્ખું ઘી મળતું હતું. એટલા પરથી સમજી શકાય છે કે આ દેશમાં પ્રાચીન કાળમાં ઘી-દૂધની નદીઓ વહેતી હશે'. આમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહોતી. સાત રૂપિયાના માસિક પગારમાં એક શિક્ષક પોતાના કુટુંબનું આરામથી ભરણપોષણ કરી શકતો હતો. અરે ચાર આનામાં સિમેન્ટની એક ગૂણ પણ આવતી.

ક્યાં ગયું આ બધું? અંગ્રેજો આમાંનું કશું પણ લઈ નથી ગયા. જે કંઈ કર્યું કે થયું તેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ, આપણી સરકાર જવાબદાર છે. આપણા વેપારીઓ જવાબદાર છે. માનવીને સોંઘો, સસ્તો અને લાચાર સમજે છે. મોંઘવારીનું એક ભયંકર ષડયંત્ર રચનારા આપણા દેશબંધુ ભદ્રપુરુષો જ છે. એ પણ કિસ્મતની એક કમનસીબી જ છે ને ! મીઠાથી માંડી મીઠાઈ સુધી તમામ ખાદ્ય ચીજો, પાણીથી માંડીને પેટ્રોલ સુધીનાં તમામ પ્રવાહીઓ, ખીલીથી લઈને ખાસડાં સુધીની તમામ ચીજવસ્તુઓ, ટાંકણીથી માંડીને ટાયર સુધીની હરકોઈ ચીજના ભાવ આસમાને ચડતા જાય છે. અને માનવી મોં પહોળું કરીને, આંખો ઝીણી કરીને અને પેટે પાટા બાંધીને આ બધું જોયા કરે છે.

મોંઘવારીને સોંઘી બનાવી દેનારા, હાથે કરીને કૃત્રિમ અછત ઊભી કરનારા, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરનારા, કાળાં નાણાંને ફરતું રાખવા માટે દરેક વસ્તુના કાળાબજાર' રચનારા, આ માનવીને અસહ્ય લાચાર સ્થિતિમાં પશુથી પણ બદતર જીવન જીવવા માટેની ફરજ પાડનારા એ નરાધમો' ને “મહાચોરો' એક વસ્તુ ભૂલી જાય છે કે “તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય”, “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ન લાધશે” – એ ન્યાયે એમને પણ એક દિવસ કૂતરાના મોતે જ મરવાનો વારો આવવાનો છે. જેણે કોઈની આંતરડી ઠારી નથી પણ કેવળ બાળી જ છે - એને આ ઘડીએ એનો પૈસો કશો જ કામમાં આવવાનો નથી અને લાખો માનવીઓના નિસાસા લેનારો એ જયારે આખરી શ્વાસ લેતો હશે ત્યારે એણે કરેલી આ ભયંકર કુસેવાનાં દશ્યો એનો પીછો છોડવાનાં નથી !!!

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !