Essay on Nation and Religion in Gujarati : In this article " રાષ્ટ્ર અને ધર્મ વિશે ગુજરાતી નિબંધ ", " Nation and Religion Guj...
Essay on Nation and Religion in Gujarati: In this article "રાષ્ટ્ર અને ધર્મ વિશે ગુજરાતી નિબંધ", "Nation and Religion Gujarati Nibandh" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Nation and Religion", "રાષ્ટ્ર અને ધર્મ વિશે ગુજરાતી નિબંધ" for Students
રાષ્ટ્રધર્મ શબ્દથી આપણે પરિચિત છીએ. રાષ્ટ્ર પ્રત્યેની ફરજ કે ધર્મ સૂચવતો એનો અર્થ પણ આપણે બધા સમજીએ છીએ. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી આપણે રાષ્ટ્રધર્મ ભૂલીને જાણે ધર્મને રાષ્ટ્રમાં વધુ મહત્ત્વના સ્થાને સ્થાપવા પ્રયત્નો કરી રહ્યા હોય એમ લાગે છે. કોઈ પણ દેશને રાષ્ટ્રધર્મ લાભકર્તા બને છે, તે સાવ નિર્વિવાદ અને નગ્ન સત્ય છે. જ્યારે ધર્મના આધારે સ્થપાતું રાષ્ટ્ર હંમેશાં પ્રજામાં અનેક ઘર્ષણો ઊભાં કરતું રહ્યું છે, જેનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે. ધર્મના નામે સ્થપાતા રાજ્યમાં હિંસાનો આશ્રય લેવાથી આવા શાસનના પાયામાં જ અનિષ્ટની સ્થાપના અનાયાસ થઈ જતી હોય છે. જેના મૂળમાં આવું અનિષ્ટ રહ્યું હોય તે રાષ્ટ્રવૃક્ષનો વિકાસ થતો અનિષ્ટ જ વધુ ફાલે એ સ્પષ્ટ જ છે. એટલે આજની સ્થિતિમાં રાષ્ટ્રધર્મને બદલે રાષ્ટ્ર અને ધર્મ બંનેને અલગ પાડીને તટસ્થપણે વિચારવાનો સમય પાકી ગયો છે.
એક સમય એવો હતો, જ્યારે વિજ્ઞાનનો જન્મ થયો ન હતો. એવા યુગમાં પ્રજાનો એક સમુદાય પોતાની સલામતી માટે ધર્મનો આધાર લઈને અલગ સમૂહમાં રહેતો હતો. સામાન્ય પ્રજા ધર્મના અનુશાસનને સર્વોપરી માનીને શ્રદ્ધાથી માથે ચડાવતી. એ યુગમાં ધર્મનિષ્ઠ રાજ્ય સ્થપાતાં અને ટકતાં હતાં. વર્ષો વીત્યાં અને સમય બદલાતો ગયો. વિજ્ઞાને વિસ્તાર સાધતાં લોકો ધર્મને સ્થાને વિચાર અને વિજ્ઞાનને મહત્ત્વ આપવા લાગ્યા. આધુનિક અણુયુગમાં ધર્મ હવે બીજા સ્થાને બેઠો છે, પહેલા સ્થાને વિજ્ઞાન છે. આજની જાગ્રત પ્રજા વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરતી અને વિચારતી થઈ ગઈ છે. તેવી પ્રજાને ધર્મ કે સંપ્રદાયના નામે ભોળવીને કે ઉશ્કેરીને રાજ્યની સ્થાપના કરવી તો શક્ય નથી જ, બલકે તૂટતા કોઈ શાસનને ધર્મના લેપથી સાંધી શકાય તેમ પણ નથી. એટલે ધર્મના નામે પ્રજાનો સાથ લેવો કે પ્રજામાં ઉશ્કેરણી કરવી એ પણ હવે તર્કસંગત ગણાતું નથી.
પ્રજાને કોઈ પણ ધર્મ પાળવાની પૂરી સ્વતંત્રતા છે. પરંતુ ધર્મને હાથો બનાવી રાજકીય આંદોલન કરવા યોગ્ય છે એવું કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં શ્રીરામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ કે ખાલિસ્તાન જેવાં ધાર્મિક વાડાબંધીને પોષનારાં આંદોલનો થાય છે. ધર્મના નામે સ્વાર્થી નેતાઓ અને અસામાજિક તત્વો કે ત્રાસવાદીઓ ઠેર ઠેર પ્રજામાં ઉશ્કેરણી કરે છે. લૂંટફાટ અને તોફાનો દ્વારા કાળો કેર વર્તાવે છે. દુનિયાના કોઈ દેશનું શાસન પ્રજાના લોહીથી ખરડાયેલા ધર્મ કે સંપ્રદાયના આધારે સ્થપાયું નથી કે ટક્યું નથી. ધર્મપ્રેમી પ્રજા રાજકીય સ્વાર્થ સાધનારા તકવાદીઓને ઓળખે તે જરૂરી છે. એ સૌને ખુલ્લા પાડીને તેમનો વિરોધ કરવો જોઈએ.
પ્રજાકીય શાસનમાં રાષ્ટ્રથી મહાન કશું જ ન હોવું જોઈએ. વ્યક્તિ, ધર્મ, જ્ઞાતિ કે સંપ્રદાય બીજા નંબરે જ આવે, પ્રથમ સ્થાને તો એક જ તત્ત્વ હોય - રાષ્ટ્રધર્મ. રાષ્ટ્ર અને ધર્મ એક કરવાનો સર્વોત્તમ માર્ગ એ જ છે.
COMMENTS