Essay on Drought in Gujarati Language : In this article " દુષ્કાળ નિબંધ ગુજરાતી ", " દુષ્કાળગ્રસ્ત સ્થળની મુલાકાત નિબંધ ગુજરા...
Essay on Drought in Gujarati Language: In this article "દુષ્કાળ નિબંધ ગુજરાતી", "દુષ્કાળગ્રસ્ત સ્થળની મુલાકાત નિબંધ ગુજરાતી", "Dushkal Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Drought", "દુષ્કાળ નિબંધ ગુજરાતી", "દુષ્કાળગ્રસ્ત સ્થળની મુલાકાત નિબંધ" for Students
દુષ્કાળ એટલે ખરાબ સમય, કપરો કાળ અથવા દુઃખો કે યાતનાથી ભરેલા દિવસો. આ શબ્દ મોટા ભાગે જાહેર પ્રજાના જીવનમાં જોવા મળતા સાર્વત્રિક દુઃખનો સંકેત કરવા વપરાય છે. દુષ્કાળ એ દેશ પર આવેલી ભયંકર આફત ગણાય છે. આ પ્રકારની મોટા ભાગની સ્થિતિ ઉપર મનુષ્યનો કાબૂ ન હોય કે મનુષ્ય પોતે કારણરૂપ ન હોવાથી આપણે દુષ્કાળને કુદરતી શાપ માનીએ છીએ. અનાજ એ માનવજીવનની આહાર માટેની પ્રાથમિક જરૂરિયાત છે. તેના વિના મનુષ્ય ભૂખને લીધે મૃત્યુ પામે છે. એટલે અનાજની તંગી સર્જનાર સ્થિતિને માટે દુષ્કાળ' શબ્દ વધુ વપરાય છે. વરસાદનો અભાવ કે અતિવૃષ્ટિની અનાજના ઉત્પાદન પર સીધી અસર થાય છે. ઉપરાંત ક્યારેક ઊંદરો કે તીડ પણ અનાજનો નાશ કરે છે, તો ક્યારેક યુદ્ધની સ્થિતિમાં અનાજની તંગી વર્તાય છે. એટલે એનાથી પણ દુષ્કાળની સ્થિતિ જન્મે છે. આમ છતાં પ્રજાનો સામાન્ય વર્ગ અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિને જ દુષ્કાળ ગણતો રહ્યો છે.
અતિવૃષ્ટિમાં અનાજની સાથે મકાનો-રસ્તા તથા ટેલિફોન-લાઈટના થાંભલાઓને અસર થાય છે. એ સાથે પશુ-માનવો પૂરમાં તણાતાં જાનહાનિ પણ થાય છે. આવો બહોળો વિનાશ છાપાં અને ટીવીમાં ચિત્રો દ્વારા ઘણી વાર નિહાળવા મળે છે. પરંતુ અનાવૃષ્ટિનો દુષ્કાળ આથી વધુ કપરો હોય છે, જેની માહિતી કે ફોટા કરતાં એવા સ્થળની મુલાકાત વડે વાસ્તવિક જાણકારી મેળવી શકાય છે. એ વિચારે આવા વિસ્તારમાં જવાનું અમે નક્કી કર્યું. આ માટે અમે કચ્છના રણ નજીક આવેલા એક ગામે પહોંચ્યા. રણપ્રદેશની ગરમીના કારણે એ તરફની પ્રજા પાણીની અછતમાં કાયમ રિબાતી હોય છે. તેથી વરસાદની ત્રસ્તુમાં લોકો આકાશમાં મીટ માંડીને બેઠા હોય છે. બાર મહિના પાણીનો છાંટો માંડ જોવા પામતી પ્રજાની એ તીવ્ર પ્રતીક્ષા નિષ્ફળ જાય ત્યારે એમના કેવા હાલ થાય એ શબ્દોમાં વર્ણવવા સહેલા નથી હોતા.
અમારી બસ એક ગામે જઈને ઊભી રહી. તો જોયું કે આસપાસની નિર્જલા ધરતી મરવા પડેલા કોઈ વૃદ્ધના ચહેરા જેવી શુષ્ક હતી. નદીનાળાં સુકાઈ ગયેલાં અને કૂવાઓમાં પાણીનાં તળિયાં દેખાતાં હતાં. વનસ્પતિ મૃત:પ્રાય થઈ ગઈ હતી. સૂર્યનો તાપ વધુ દાહક બન્યો હતો. પાણીની તંગી અને પ્રખર તાપને લીધે કૂતરાંબિલાડાં જેવાં નાનાંમોટાં પશુઓ મોતના મુખમાં ધકેલાઈ ગયાં હતાં તો ગાયભેંસને પાણીની અછત સાથે ઘાસચારા વિના ભૂખમરો વેઠવાનો થતાં એ પ્રાણીઓ હાડપિંજર જેવાં થઈ ગયાં હતાં. કેટલાંક મરેલાં જાનવર ઉપર બેસીને ગીધ-કાગડા જાણે જાફત ઉડાવતા હતા ! આવો દુષ્કાળ મૂંગાં ઢોર માટે અભિશાપ બની ગયો હતો.
બીજી બાજુ માનવજાતની હાલત પણ એટલી જ દયાજનક હતી. આબાલવૃદ્ધ સૌ પાણી વિના ટળવળતાં હતાં. તળાવ-કૂવા સુકાઈ જતાં પાણી માટે બધાં વલખાં મારતાં હતાં. થોડા હિંમતવાન લોકો પાણીની તપાસમાં દૂર-દૂરના ગામડે ભટકી રહ્યા હતા. પીવાના પાણીનાં જ ઠેકાણાં ન હોય તો ખેતી માટે પાણી ક્યાંથી લાવવું? ખેતી પર નભતા લાખો લોકો હતાશ થઈને રોજગારી શોધવા બીજાં શહેરોમાં ઉદ્યોગધંધાની કે નોકરીની તપાસ કરવા ઊપડ્યા. ઢોર મરતાં દૂધ પણ દુર્લભ થઈ ગયું, તો ઘીની વાત જ ક્યાં કરવી? આમ અનાવૃષ્ટિની આડઅસરથી પ્રજાને ઘણાં સંકટોનો એક જ સમયે અને એકસામટો સામનો કરવાનો વખત આવ્યો. ખોરાક-પાણીની પ્રાથમિક જરૂરિયાત ન સંતોષાય ત્યાં ટકવું મુશ્કેલ બને તે દેખીતું જ છે. દુષ્કાળનાં એંધાણ પારખનાર થોડા સમજુ ગ્રામજનો પોતાનાં ઘરબાર રેઢાં મૂકીને મૂંગા પશુઓને દોરતા સ્થળાંતર કરી ગયા હતા. જો કે ક્યાં પહોંચશે ને ત્યાં શું પામશે એની જનાર કે જોનાર કોઈને કશી ખબર ન હતી.
અમે દુષ્કાળની વિકરાળ ભયાનકતા જોઈ રહ્યા હતા. ત્યાં જ જિલ્લા ક્લેક્ટર અને અન્ય સરકારી અધિકારીઓ એમના કાફલા સાથે આવી પહોંચ્યા. થોડી વાર પછી પાણીનાં ટેન્કરો આવ્યાં. રાહત-સામગ્રી લઈને પોલીસવાન પણ આવી પહોંચી. મૃત પશુ-માનવના સડતા દેહથી ફેલાતો રોગચાળો રોકવા દાક્તરી સારવાર માટે સજ્જ એવી હોસ્પિટલની મોટર આવી ગઈ. આ વિસ્તારના ધારાસભ્ય અને અન્ય રાજકીય આગેવાનો પણ રાહતકાર્યોમાં સહાય કરવા દોડી આવ્યા. ભ્રષ્ટાચારથી ખદબદતા ભારતમાં ખરા દુઃખી જીવને સાચી રાહત ક્યારે મળશે એ તો રામ જાણે, હાલ આ કર્મચારીઓને તો ખરેખરી રાહત થઈ ! હે ભગવાન! દુષ્કાળનો શાપ ક્યારેય કોઈને ન દેતો !
COMMENTS