Wednesday, 18 November 2020

Gujarati Essay on "Student and Discipline", "વિદ્યાર્થી અને શિસ્ત પાલન નિબંધ", "શિસ્ત નું મહત્વ નિબંધ ગુજરાતી" for Students

Essay on Student and Discipline in Gujarati: In this article "વિદ્યાર્થી અને શિસ્ત પાલન નિબંધ", "શિસ્ત નું મહત્વ નિબંધ ગુજરાતી", "Jivan ma Shista nu Mahatva in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Student and Discipline", "વિદ્યાર્થી અને શિસ્ત પાલન નિબંધ", "શિસ્ત નું મહત્વ નિબંધ ગુજરાતી" for Students 

આજના સમાજમાં શિક્ષણનો વિસ્તાર થયો છે, પણ શિસ્તનું પ્રમાણ ઘટતું જાય છે. આ ફરિયાદનું મૂળ અધૂરી કેળવણી છે, વિદ્યાસંપાદન કરવાથી વ્યક્તિમાં નમ્રતા અથવા સંયમ જેવા ગુણો કેળવાતા હોય છે તેને બદલે આજે ભણેલી વ્યક્તિમાં ઉદ્ધતાઈ અને અભિમાન જેવાં તત્ત્વો વધુ જણાય છે. વિદ્યાથી બુદ્ધિનો વિકાસ થાય છે. આ બુદ્ધિનો ઉપયોગ જીવનના પ્રશ્નોને હલ કરવા કે ઉકેલ શોધવા કરવો જોઈએ. એને બદલે આજનો યુવક ભણીગણીને દલીલો કરવામાં કે સામે જવાબ આપીને તડ ને ફડ કરી નાખવામાં જ પોતાની બુદ્ધિનો વિકાસ થયો હોય એવું માને છે. પરિણામે તેનાં વાણી અને વર્તનમાં અશિસ્ત દેખાય છે.

આજના સમાજમાં વિદ્યાર્થીઓ અશિસ્તપણે વર્તતા જોવા મળે છે. ગુરુ કે વડીલો પ્રત્યેનો અનાદર, પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી, વારંવાર હડતાલ પાડવી, તોફાનો કરીને શાળાની મિલકતને નુકસાન કરવું, પરીક્ષાઓનો બહિષ્કાર કરવો, “માસ-પ્રમોશન” કે “જનરલ ઑશન' જેવી માગણીઓ માટે સૂત્રોચ્ચારસરઘસનો આશ્રય લેવો અને રાજકીય પક્ષોના હાથા બનીને સૂઝસમજ વિના સ્વાર્થી આંદોલનોમાં ભાગ લેવો. આજના વિદ્યાર્થીઓમાં જોવા મળતાં આ અપલક્ષણો પુરવાર કરે છે કે તેઓમાં શિસ્તનો છાંટો પણ નથી. એટલે તે માત્ર અક્ષરજ્ઞાન કે પદવી મેળવીને પોતાને ભણેલા કહેવડાવે છે, પરંતુ વિદ્યાના પરિણામરૂપે મળવી જોઈતી સભ્યતા અથવા સ્વશાસનની સમજ તેમનામાં વિકસી નથી.

શિસ્ત એટલે સ્વ-શાસન. પોતાના જીવનને પોતાની જાતે સમજીવિચારીને નિયંત્રિત કરવું એનું નામ સાચી શિસ્ત છે. બીજી વ્યક્તિ આદેશ, માર્ગદર્શન કે આજ્ઞા કરે એને વશ થવાથી બાહ્ય દૃષ્ટિએ શિસ્ત વિકસતી જણાય છે. પરંતુ આંતરિક દષ્ટિએ વિદ્યાર્થીનું મન અજંપો અને ઉશ્કેરાટની લાગણી અનુભવે છે. એને બદલે વિદ્યાર્થી પોતે સમજે, વિચારે અને સ્વીકારે તેવા વર્તનથી તેનામાં સ્વશાસનનો ગુણ કેળવાય છે. વ્યસન દુર્ગુણ છે, હાનિકારક છે અને ત્યજવા પાત્ર છે. આ વાત બીજા કોઈના કહેવાથી સમજાય ખરી, પણ લાલચુ મન વ્યસન તરફ આકર્ષતું હોય છે. એટલે પોતે સમજે અને નિશ્ચય કરે તો જ તે વિદ્યાર્થી વ્યસન છોડી શકે. શાળામાં નિયમિત હાજરી, અભ્યાસ પ્રત્યે જાગૃતિ, સમયસર થતું ગૃહકાર્ય, વડીલો-ગુરુજનો પ્રત્યે આદરભાવ અને વાણી-વ્યવહારમાં નમ્રતા-સભ્યતા જેવા ગુણો કેળવાયા હોય તો વિદ્યાર્થીમાં શિસ્ત છે એમ કહી શકાય. આવો સંયમ અન્યના આદેશથી કેળવાય તેને બદલે પોતાની સૂઝસમજથી કેળવવો વધુ યોગ્ય છે.

આપણી આસપાસ ફેલાયેલો ભ્રષ્ટાચાર, રાજકીય સ્વાર્થ-વૃત્તિભરી નેતાગીરી અને શિક્ષિત બેકારોનો જથ્થાબંધ વહેતો પ્રવાહ આધુનિક કેળવણીના અશિસ્તમાં રહેલાં મૂળ કારણો છે. એ બધાંને દૂર કરવાની પહેલી જરૂર છે. એમ ન થાય તો એકલા વિદ્યાર્થીઓની ફરિયાદ કરવાથી અશિસ્ત દૂર નહીં થાય. વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી, તેમના પ્રશ્નો સમજવા અને તેના યોગ્ય ઉકેલ શોધી આપવા, તેમનામાં રહેલી સર્જનાત્મક શક્તિઓ ઓળખીને તેને ખીલવવી, સ્વતંત્ર નિર્ણયશક્તિ કેળવવી તથા વડીલોએ પોતે પણ વિવેકપૂર્ણ વર્તન દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્તનું ઉદાહરણ બેસાડવું જોઈએ. આ માર્ગ અપનાવવાથી વિદ્યાર્થીઓમાં સ્વયંભૂ શિસ્ત ઉદ્દભવશે. એ વિના એમની કેળવણી અપૂર્ણ જ રહેશે. ઓછું ભણતર કે ઓછા ગુણ મેળવી પાસ થવા છતાં શિસ્તબદ્ધ જીવન જીવતો વિદ્યાર્થી ઉત્તમ છે, પ્રથમ વર્ગ કે સુવર્ણચંદ્રક મેળવવા છતાં અશિસ્ત ધરાવતો વિદ્યાર્થી અધમ છે. એનું કારણ એક જ છે : શિસ્ત કે વિનય વિના વિદ્યા શોભતી નથી.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: