Essay on Summer Afternoon in Gujarati Language : In this article " વૈશાખનો બપોર નિબંધ ", " વૈશાખી વાયરા વાયા ગુજરાતી નિબંધ ...
Essay on Summer Afternoon in Gujarati Language: In this article "વૈશાખનો બપોર નિબંધ", "વૈશાખી વાયરા વાયા ગુજરાતી નિબંધ", "Unadani Bapor Gujarati Essay / Nibandh" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Summer Afternoon", "વૈશાખનો બપોર નિબંધ", "Unadani Bapor Gujarati Nibandh" for Students
વસંત સૌની માનીતી ઋતુ છે તો અણમાનીતી ઋતુ છે ગ્રીષ્મ – ઉનાળો. અતિશય ગરમીના આ દિવસો કોઈનેય ગમતા નથી. છતાં ઋતુચક્રની અનિવાર્ય સ્થિતિરૂપે આપણે તેને સ્વીકાર્યા વિના છૂટકો નથી. વૈશાખ માસમાં ગરમી સૌથી વિશેષ હોવાથી જ વૈશાખના બપોરને પ્રકૃતિની અતિશય ગરમીના પર્યાય કે સંકેતરૂપ ગણવામાં આવે છે. આ કાળઝાળ દિવસોમાં સવારનો સૂરજ બપોર થતાં સુધીમાં તો પ્રચંડ રૂપ ધારણ કરીને જાણે દુર્વાસાનો કોપ વરસાવતો હોય એમ જણાય છે. એના પ્રખર તાપની અસર આભ કરતાંય ધરતીને વિશેષ થાય છે. શિયાળામાં મિત્રની જેમ હૂંફ આપતો સૂર્ય ઉનાળામાં આગ વરસાવીને બાળી મૂકવા માગતો કટ્ટર શત્રુ હોય એવો લાગે છે.
વૈશાખ માસમાં ભૌગોલિકરીતે પૃથ્વી સૂર્યની ખૂબ નજીક હોવાથી તાપ વધુ લાગે છે. આ દિવસોમાં બપોરે સૂરજ લાલચોળ અગ્નિના ગોળા જેવો બની ધરતી પર અગનજ્વાળાઓ વરસાવે છે. સમગ્ર ધરા એક ભઠ્ઠી બની ગઈ હોય એણ ગરમ ગરમ થઈ જાય છે. માણસનાં લમણાં બાળી નાખતી લૂ ફૂંકાવા લાગે છે. સખત તડકાથી શહેરની સડકો, ધૂળિયા રસ્તા, કેડી કે ખુલ્લાં મેદાનો સૂમસામ ભાસે છે. માનવ તો શું, પશુપક્ષી કે તણખલુંય ફરકતું જણાતું નથી. શહેરમાં કર્યુ જેવી નિર્જન હાલત જોવા મળે છે, તો ગામડું જાણે શોકગ્રસ્ત જણાય છે.
આવી કાળઝાળ ગરમીથી બચવા પશુ, પંખી અને માનવી ઠંડકમાં રહેવા આશ્રય શોધે છે. ઝાડનો છાંયો પશુપંખીને બચાવે છે, પણ ગરમીનો સપાટો વધે ને લૂ વાય છે ત્યારે આ મૂંગાં પ્રાણી પણ બિચારાં ઝાડની છાંયામાં બચવા પામતાં નથી. માણસો પોતાના ઘરમાં પુરાઈ રહે છે. લોકો વૈજ્ઞાનિક સાધનોના ઉપયોગથી ઘરમાં ઠંડું વાતાવરણ રાખે છે તથા ઠંડાં પીણાં અને આઇસક્રીમનો ઉપયોગ કરે છે. આવા આ દિવસોમાં સૌ શાંતિ અને ઠંડકની ઓથ શોધે છે. આમ આખા જગત પર માત્ર સૂર્યદેવનું એકચક્રી શાસન ચાલતું જણાય છે.
એક તરફ ગરમીથી બચવા લોકો ઠંડકનો સહારો લેતા હોય છે તો બીજી તરફ વૈશાખના ધોમધખતા તાપમાં રોટલો રળવાના હેતુથી શ્રમજીવીઓ પોતાના શરીરની પરવા રાખ્યા વિના દોડાદોડ કરતા હોય છે. લારીવાળાઓ, જુદી જુદી વસ્તુ વેચતા ફેરિયાઓ કે છરી-ચપ્પ સજાવનારા સરાણિયા જેવા શ્રમિકો પોતાની રોજી રળવા તડકામાં જાત શેકતા નજરે પડે છે. આ બધા મહેનતુ લોકોને તો પેટિયું રળવા વૈશાખના આકરા વાયરાની પરવા કરવાનું પરવડતું નથી હોતું. એમની દયનીય સ્થિતિનું ચિત્રણ વર્ષો પહેલાં આપણા એક કવિ રા.વિ. પાઠકે “વૈશાખનો બપોર' કાવ્યમાં આપ્યું છે. સ્વાશ્રયી પ્રજાની પીડાગ્રસ્ત વાસ્તવિકતા એમાં કવિએ શબ્દસ્થ કરી આપી છે. ઉમાશંકરે ઉનાળાને ધૂણી ધખાવીને બેઠેલા અઘોરી જેવો ગણાવ્યો છે. કાલેલકર ઉનાળાને “મૂક તપસ્વી'ની ઉપમા આપતાં વૈશાખના બપોરનું આમ વર્ણન કરે છે : “તડકો પુરજોશમાં પડતો હોય ત્યારે આકાશની શોભા ખાસ જોવાલાયક હોય છે. દૂધ દેતી વખતે ભેંસો આંખો મીંચીને નિઃસ્તબ્ધ ઊભી રહે તેમ તડકાની સેરો છોડતું આકાશ ઊભું રહે છે. ન મળે વાદળાં કે ન મળે ચાંદો, વાસી રોટલાના ટુકડા જેવો ચાંદો ક્યાંયે પડેલો હોય છે.'
વસંત પ્રકૃતિની રમણીયતા અને પ્રસન્નતા પ્રગટાવે છે તેમ ઉનાળો પ્રખરતા અને રુદ્રતા પ્રગટ કરે છે. આ ઉગ્ર ઉનાળો જેટલો રૌદ્ર છે તેટલો એ શાંત પણ છે. સવાર અને રાતની ઠંડક ગુલાબી લાગે છે. ગરમી હોવા છતાં ધરતીના રસકસ સુકાતા નથી. કેળ અને આંબા જેવાં વૃક્ષનાં ફળમાં રસ સંભવી શકે છે એનું કારણ આ જ છે. ગરમીથી નદી-સમુદ્રનાં પાણી વરાળ થઈ આકાશના ઉંબરે વાદળરૂપે પહોંચે છે. આના પરિણામે વરસાદ આવે છે. જેટલો તાપ વધુ એટલો વરસાદ સારો એવો આપણો અનુભવ છે. રાત્રિના ગાઢ તિમિર પાછળ પ્રભાતનો ઉજાસ છુપાયો હોય છે તેમ વૈશાખના ઉનાળાને પડખે વર્ષારાણી લપાતી છુપાતી આવતી હોય છે !
COMMENTS