Friday, 27 November 2020

Gujarati Essay on "Books are Our Best Friend", "પુસ્તકો આપણા મિત્રો ગુજરાતી નિબંધ" for Students

Essay on Books are Our Best Friend in Gujarati: In this article "પુસ્તકો આપણા મિત્રો ગુજરાતી નિબંધ", "પુસ્તક હમારી મિત્ર નિબંધ", "પુસ્તક નું મહત્વ નિબંધ"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Books are Our Best Friend", "પુસ્તકો આપણા મિત્રો ગુજરાતી નિબંધ" for Students 

શાળાજીવન દરમિયાન એક સુવાક્ય ક્યાંક વાંચેલું તેનું મહત્ત્વ આજે સમજાય છે. વાક્ય કાંઈક આવું હતું : 'A good book is man's friend, pholosopher and guide.”

સંગ તેવો રંગ' એ બાબત માણસો કરતાં પુસ્તકોની બાબતમાં વધુ સાચી જણાય છે. મિત્રોની જેમ જ પુસ્તકોનો પણ જીવનઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્રની જેમ પુસ્તક પણ વ્યક્તિને તેના સુખદુઃખમાં સાથ આપે છે, ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધે છે. સહનશીલતા અને ધીરજ જેવા ગુણો શીખવીને જીવન ટકાવી રાખવાનો સહારો તેમ જ સાંત્વન આપે છે. આથી જ મને ઉપરની અંગ્રેજી ઉક્તિ અક્ષરશઃ સાચી જણાય છે.

કેટલાય મહાપુરુષોનાં જીવન પુસ્તકોની મદદથી પલટાયેલાં જોવા મળે છે. ગીતા, રામાયણ અને બાઇબલ જેવા ધર્મગ્રંથોએ ઘણાનાં જીવનમાં અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હશે. રસ્કિનના પ્રસિદ્ધ પુસ્તક “Unto The Last માંથી જ ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. ઉત્તમ પુસ્તકોની મૈત્રી રાખનાર ક્યારેય ગમે તેવી મુસીબતમાં પણ મુંઝાતો નથી. સારાં પુસ્તકોથી ઘડાયેલું મહાપુરુષોનું જીવનદર્શન દુઃખના સમયે ધીરજ અને શાંતિ રાખતાં શીખવે છે. જે માનવીની વેદના-વિટંબણાને હળવી બનાવે છે. શ્રેષ્ઠ પુસ્તકો માનવીના મનના વહેમ, અજ્ઞાન કે અંધશ્રદ્ધાને દૂર કરવામાં મદદરૂપ બને છે, નવું નવું શિખવાડે છે, જ્ઞાનની સીમાઓને વિસ્તારવાની તક આપે છે તથા બિલકુલ અજાણ બાબતથી પણ માહિતગાર બનાવે છે. સારાં પુસ્તકો કદીય દગો કરતાં નથી. તે હંમેશાં આપણો સાથ નિભાવે છે. આ માટે રોબર્ટ સધે નામના અંગ્રેજ કવિએ લખેલી પંક્તિઓ યાદ આવે છે :

‘My never failing friends are they

with whom I converse day by day.'

પુસ્તકોની સંગત રાખનાર માણસને ક્યારેય કશું એકલું લાગતું નથી. તેની હૃદયકોટડીમાં સમૃદ્ધ જીવન જીવી ગયેલા મહાપુરુષો અક્ષરદેહે વિરાજતા હોય છે. જગતના મહાન વિવેચકો, મહાપુરુષો, કવિઓ અને દાર્શનિકો પ્રસંગને અનુરૂપ માર્ગ ચીંધવા હંમેશાં હાજર જ હોય છે. ગાંધીજી જેવી મહાન વ્યક્તિ પણ ગીતા માટે કહે છે કે; “જયારે-જ્યારે મને મૂંઝવણ થાય છે, ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું!” ઉત્તમ પુસ્તકોની મૈત્રીનું આથી જવલંત ઉદાહરણ બીજું કર્યું હોઈ શકે ?

જેમ “પીળું એટલું સોનું કે “ઊજળું એટલું દૂધ નથી હોતું, તેમ દરેક પુસ્તકો સારાં નથી હોતાં. કેટલીક વાર અશ્લીલ પુસ્તકો યુવામાનસને તેમના જીવનની ઘોર ખોદવા તરફ પ્રેરે છે, તો ગીતા, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો વર્ષો સુધી જનસમાજને દોરવણી આપી શકે છે. “સરસ્વતીચંદ્ર કે “માનવીની ભવાઈ' જેવાં પુસ્તકો સમાજને માનવસહજ લાગણી અને ભાવનાનું દર્શન કરાવે છે.

પુસ્તકો બેશક સારા મિત્રો છે, પણ માનવમિત્રોની જેમ તેની પસંદગીમાં પણ વિવેક તો રાખવો જ જોઈએ. માનવમિત્રોથી તો આપણે ગમે તે પળે અળગા થઈ જઈશું પણ પુસ્તક-મિત્રો તો જીવનની તડકી-છાંયડીમાં પણ આપણી સાથે જ રહેશે. આપણું વાચન એ જ આપણા જીવનનું સાચું પ્રતિબિંબ છે.' જીવનને ઉમદા અને સમૃદ્ધ બનાવવા તથા પ્રગતિ સાધવા હંમેશાં વિચારપ્રેરક અને ગંભીર પુસ્તકોનું બહોળું વાચન કરવું જોઈએ. યોગ્ય પુસ્તક જ ઉત્તમ મિત્રની ગરજ સારે છે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: