Saturday, 9 January 2021

Gujarati Essay on "Trekking", "પગપાળા પ્રવાસનો આનંદ નિબંધ" for Students

Essay on Trekking in Gujarati Language: In this article "પગપાળા પ્રવાસનો આનંદ નિબંધ ગુજરાતી", "Pagpala pravas no anand gujarati nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Trekking", "પગપાળા પ્રવાસનો આનંદ નિબંધ" for Students

પ્રવાસના અનેક પ્રકારો છે. જાતે ચાલી યાત્રા કરવી, બસમાં, ટ્રેનમાં, સાઇકલ-સ્કૂટર કે મોટરબાઈક જેવા દ્વિચક્રી વાહન ઉપર, કાર કે રિક્ષા જેવાં વિવિધ વાહનો વડે ભૂમિમાર્ગે જવાનો પ્રવાસ વિવિધતાભર્યો છે. હેલિકૉપ્ટર, વિમાન કે અવકાશયાન દ્વારા વાયુમાર્ગે તથા હોડી, સ્ટીમ લૉન્ચ કે સ્ટીમર જેવા જળમાર્ગે થતા પ્રવાસોની વાત તો જુદી જ છે. પ્રવાસના આ પ્રકારોમાં મને સૌથી વધુ ગમે પગપાળા પ્રવાસ. ઝડપી વાહનોના આજના યુગમાં આવો પ્રવાસ ઘણાને વિચિત્ર તો લાગે પણ પગપાળા પ્રવાસની મજા તો અનુભવે જ સમજાય. માનવે વૈજ્ઞાનિક સાધનો શોધ્યાં ન હતાં તે સમયથી પગપાળા પ્રવાસની શરૂઆત થઈ હતી. આ સિવાય પ્રાચીન પ્રજા પાસે તો બીજો વિકલ્પ પણ ન હતો. એટલે પગપાળા પ્રવાસ આપણને મળેલો વારસો પણ ગણાવી શકાય. પગપાળા પ્રવાસથી પ્રકૃતિનો આનંદ માણી શકાય છે, માર્ગની વસ્તુ કે સ્થળનું નિરાંતે અવલોકન થાય છે. આ ઉપરાંત શરીરને પૂરતા પ્રમાણમાં કસરત પણ મળી રહે છે એમ ત્રિવિધ દૃષ્ટિએ પગપાળા પ્રવાસ કરવાનું મને પસંદ પડે છે.

એક ઉનાળાના વેકેશનમાં સરખેસરખા મિત્રોની અમારી ટોળી બનાવીને અમે તારંગા હિલના માર્ગે આબુ-અંબાજીના પગપાળા પ્રવાસનું આયોજન કર્યું. મોટા બગલથેલામાં થોડાં કપડાં, નાસ્તો અને જરૂરી સામગ્રી લઈને નિર્ધારિત દિવસે અમે તો નીકળી પડ્યા ચાલતા... વહેલી સવારે ઊઠીને બપોરનો તાપ ધીખવા માંડે ત્યાં સુધી રોજ ત્રીસ કિલોમીટર ચાલવું એમ નક્કી કર્યું હતું. બપોરના ત્રણચાર કલાક આહાર-વિરામ બાદ નમતા પહોરે ફરી ચાલવાનું શરૂ કરવું. રાતના નવ વાગે અટકવું અને રાત્રિરોકાણ કરવું એવો ક્રમ ઘડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં પ્રવેશતાં મહેસાણા, વિસનગર અને વડનગર જેવાં સ્થળો જોવા મળ્યાં. વડનગરનું સમેરા તળાવ જોવાલાયક છે. ઊંચી પાળ જાણે ગઢ બની તળાવની શોભા અને સલામતીમાં વધારો કરે છે. માથે બેડું લઈને નીચે ઊતરતી પનિહારીનું દશ્ય જોવાની મજા ઑર હતી વીસનગરનું ઐતિહાસિક તોરણ જોવાનો લહાવો લઈને છેવટે અમે તારંગા હિલ્સ પહોંચ્યા. ગુજરાતના છેડે આવેલી એ ટેકરીઓની શોભા વિશિષ્ટ છે. ત્યાંનાં જૈન મંદિરો અને બુદ્ધ ધર્મનાં શિલ્પ જોઈને પ્રસન્ન થયા. તારંગાથી દાંતા જતાં ઢોળાવ પર ચડ-ઊતર કરવાની મજા આવી. રસ્તામાં બળદથી ફરતા રેંટ અને ગરીબ ખેડૂતોનાં ઝૂંપડાંમાં તેમનું મોજીલું જીવન જોતાં અમે દાંતા થઈને અંબાજી પહોંચ્યા.

સમગ્ર ભારતમાં ગુજરાતમાં આવેલા ઉત્તમ યાત્રાધામ તરીકે અંબાજી માતાનું મંદિર વર્ષોથી ખ્યાતનામ છે. સમગ્ર મંદિર, એનું શિલ્પ, ચોક અને કુંડ વગેરેની શોભા ભવ્ય લાગી. ચારે બાજુના ડુંગરો વચ્ચે આવેલી સમથળ ભૂમિ પર ઊભેલું આ મંદિર એક નયનરમ્ય દશ્ય ખડું કરે છે. મંદિર પછીનું આકર્ષણ ગબ્બરનું છે. તેનું કપરું ચઢાણ પ્રવાસનો એક પડકાર બનતું હોવાથી કહેવત પડી છે : “જે જાય ગબ્બર, તે થાય જબ્બર.” આ ડુંગરના એક પોલાણમાંથી માતાજીના હીંચકાનો સંભળાતો કિચૂડ કિચૂડ અવાજ યાત્રીઓનું આકર્ષણ બને છે. કુંભારિયાનાં દહેરાંનું શિલ્પ અને તેની ઐતિહાસિક વિગતોના સંદર્ભે તો અમારા પ્રવાસના આનંદ સાથે જ્ઞાનનો સંગમ સર્યો. યાત્રાધામની આ મુલાકાતથી અમને સંતોષ થયો..

ત્યાથી અમે માઉન્ટ આબુ પહોંચ્યા. અંબાજી યાત્રાધામ છે તો આબુ પ્રાકૃતિક પ્રવાસધામ છે. રમણીય ટેકરીઓ વચ્ચે આવેલું નખી તળાવ આબુની શોભા વધારે છે. એમાં નૌકાવિહારનો લહાવો મળતાં અમારો આનંદ બેવડાયો. આ વિહાર દરમિયાન તળાવમાંથી દૂર નજર કરતાં દેડકા જેવો પથ્થર જોયો. અધ્ધરદેવી, અચલગઢ અને ગુરુશિખરના પ્રવાસથી એક અનન્ય શક્તિનાં વિવિધ રૂપોનું દર્શન કરવાનો લહાવો પામ્યા. સાંજે આથમતા સૂર્યનું રમ્ય દશ્ય જોવા સનસેટ પોઈન્ટની મુલાકાત લીધી. પર્વતીય વસાહતની પ્રજાને નિકટતાથી નિહાળી આનંદિત થયા. પ્રકૃતિના ખોળે ખેલતાં-કૂદતાં અને ડુંગરાળ ભૂમિમાં ચડ-ઊતર કરતાં અમે જ્ઞાન, ભક્તિ, શ્રદ્ધા અને પ્રકૃતિદર્શન જેવાં તત્ત્વોના સુભગ સમન્વયથી અતિ આનંદિત અને ધન્ય બન્યા. આબુથી રેલવે દ્વારા અમે પાછા ફર્યા.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: