Friday, 27 November 2020

Gujarati Essay on "Importance of Time", "સમયનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ" for Students

Essay on Importance of Time in Gujarati: In this article "સમયનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ", "સમય કિમતી છે નિબંધ", "મળ્યું સમયનું સોનું ગુજરાતી નિબંધ"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Importance of Time", "સમયનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ" for Students 

આજકાલ સૌને મોઢે આપણે એક જ ફરિયાદ સાંભળીએ છીએ : “સમય નથી. કેટલાક નોકરીધંધે જતા હોય, કોઈ ઉદ્યોગ સંભાળતો હોય તો કોઈ ખેતી કરતો હોય. સૌને સમયની સતત ખેંચ વર્તાય છે. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ લોકો મોજમજા માણવા બગીચામાં, પાર્ટીઓમાં, થિયેટરોમાં કે પર્યટનોમાં ટોળેટોળાં ફરતાં જોવા મળશે. મોડી રાત સુધી ટી.વી. જોનાર વડીલોને સંતાનો માટે ભણાવવાનો સમય નથી. ટ્યૂશન બંધાવી દેવાય છે. પત્નીને રસોઈની આળસ થતાં હોટલમાં જમવા જઈ આવીએ તેમાં વાંધો શો? સમયના અભાવની સામે સમયનો દુર્વ્યય જોતાં લાગે છે કે આપણે સમયની કિંમત પૂરી સમજતા નથી.

સમય અમૂલ્ય છે એમ સૌ કહે છે ખરા. આ પોપટવાક્ય વર્ષોથી ગોખાય છે ખરું. ક્યારેક પેલી પંક્તિ પણ ટાંકી લઈએ છીએ :

સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વહાણઃ

ગત અવસર આવે નહિ, ગયાં ન આવે પ્રાણ. 

એક વખત વીતેલો સમય પાછો નથી આવતો એ જાણવા છતાં લોકો ઉઘાડી આંખે કલાકોના કલાકો વાતોના તડાકામાં, ગીત-સંગીત કે ફિલ્મના મનોરંજન માટે, ટી.વી. કે રમતગમત પાછળ વ્યય કરતા રહે છે. સમયનું મૂલ્ય સમજ્યા વિના કે સમયનો સદુપયોગ કર્યા વિના સમયની મહત્તા ગાયા કરવી નિરર્થક છે.

એક વિચારકે સમય વિશે ટકોર કરતાં હળવા શબ્દોમાં પણ સાચું કહ્યું છે. કે સમયના માથે આગળના ભાગમાં વાળ છે, પાછળ ટાલ છે. કેવું સૂચક વિધાન છે ! આવતા સમયને ઓળખી શકે અને સભાનપણે તેને પકડી શકે તો સમય તેના હાથમાં આવે છે. પરંતુ ગાફેલ રહેનારાને અનુભવ છે કે નજીક આવીને પસાર થઈ ગયેલો સમય પકડી શકાતો નથી, હાથમાં નથી આવતો; કારણ કે સમયને પાછળ ટાલ છે, એટલે સરકી જાય છે. સમયની કિંમત સમજનાર માણસે દરેક ક્ષણ અને આવનાર તક પાસે અત્યંત જાગ્રત રહેવું જોઈએ. કોઈ સુવિચાર કે સત્કાર્ય કરવાનું હુરે તો તત્કાળ એ અમલમાં મૂકવો જોઈએ. સંત કબીર એટલે જ કહે છે : “કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ.” સંસ્કૃતમાં પણ કહ્યું છે, “શુભસ્ય શીઘમ' એટલે કે “ધરમના કામમાં ઢીલ શી?” કોઈ કામ લંબાવતાં એમાં અનેક અંતરાય આવી જાય છે.

આજ ઊઠશું કાલ ઊઠશું, લંબાવો નહીં દહાડા,

વિચાર કરતાં વિદનો મોટાં આવે વચમાં આડાં.

અંગ્રેજીમાં પણ કહેવાયું છે, “Delay is dangerous.” સમય એક એવું અદશ્ય પરિમાણ છે જે દેખી શકાતું નથી, ઓળખાતું નથી. એની કિંમત પાછળથી જ સમજાય છે. એટલે પ્રત્યેક વર્તમાન પળને ઓળખતાં, સમજતાં અને ઉપયોગમાં લેતાં શીખવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં વિચાર-ચિંતન પર વધુ પડતો ભાર દેવાયો છે. તેથી મોટા ભાગના વિચારે છે વધારે અને આચરે છે ઓછું. છેવટે પેલી “આંધળીને પાથરતાં વહાણું વાયું” ઉક્તિ સાચી ઠરે છે. પશ્ચિમના લોકો થોડું જ વિચારે છે અને જે નક્કી કર્યું તેનો તત્કાળ અમલ કરે છે એટલે એ દેશો વધુ પ્રગતિ કરી શક્યા છે.

હાથમાંથી સરી ગયેલા સમયનો અફસોસ વ્યક્ત કરતું સુંદર કાવ્ય કવિ પ્રિયકાંત મણિયારે લખ્યું છે. આ કાવ્યમાં કેટલીક અર્થસભર પંક્તિઓ ઘણુંબધું કહી જાય છે. તે સમજીને અમલમાં મૂકીએ :

હવે આ હાથ રહે ના હેમ

મળ્યું સમયનું સોનું, પરથમ વાપર્યું ફાવે તેમ,

હવે આ હાથ રહે ના હેમ.

ભરબપોરે ભોજન ઘેને નિતની એ રાતોમાં, 

ઘણુંખરું એ એમ ગયું ને કશું કૈક વાતોમાં, 

પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યો કે નહીં વહેમ,

હવે આ હાથ રહે ના હેમ.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: