Pradushan ek Samasya Essay in Gujarati : In this article " પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા નિબંધ ", " પ્રદૂષણ આજનું મહાઅનિષ્ટ નિ...
Pradushan ek Samasya Essay in Gujarati: In this article "પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા નિબંધ", "પ્રદૂષણ આજનું મહાઅનિષ્ટ નિબંધ", "Essay on Pollution in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Pradushan ek Samasya", "પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા નિબંધ" for Students
નળ અને દમયંતીની કથા જેણે જાણી છે એને મત્સ્યસંજીવની વિદ્યાની વાતની ખબર હશે. દમયંતીને એવું વરદાન હતું કે એના હાથમાં મરેલાં માછલાં આવે તે સજીવન થઈને ચાલ્યાં જતાં. પૃથ્વી પર અવતરેલા મનુષ્યને દમયંતી કરતાં ઊલટું વરદાન કે અભિશાપ મળ્યો છે. માણસ જે વસ્તુને પોતાના હાથમાં લે છે તેને બગાડીને કે નષ્ટ કરીને મૂકે છે. વૈજ્ઞાનિક પ્રગતિના બહાને ધરતીને ખોદી, તેમાંની ખનિજ અને જળસંપત્તિ બહાર કાઢવા બેઠા. પરિણામે ખનિજસંપત્તિ ખૂટવા માંડી અને નપાણિયા મુલક વિસ્તરવા લાગ્યા. આકાશમાર્ગે યાત્રા શરૂ કરીને હવામાનને બગાડી મૂક્યું. આમ પ્રકૃતિમય જીવનથી વિરુદ્ધ ગતિમાં પ્રયોગો કરીને માનવે દુનિયાના વાતાવરણને એટલું બધું દૂષિત કરી નાખ્યું છે કે સ્વર્ગ જેવી પૃથ્વી આજે સાક્ષાત્ નરક બની રહી છે.
આધુનિક વિશ્વ સામે સૌથી વિકટ બનેલી સમસ્યા છે ઝડપથી ફેલાતું પ્રદૂષણ. આજનો માનવ એની ચારે તરફ ફેલાયેલા પ્રદૂષણની વચ્ચે જાણે મરવાના વાંકે જીવી રહ્યો છે. જ્યારથી વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારથી પૃથ્વી પર કારખાનાં અને ઉદ્યોગોનો રાફડો ફાટ્યો છે. તેમાં થતા ઉત્પાદનના કાર્યથી ગંદું પાણી, ધુમાડાના ગોટા અને કચરાના ઢગલા વધતા ગયા છે. કામદારોના વસવાટ માટે ઝૂંપડપટ્ટી ફૂલીફાલી છે. વાહનોનો વપરાશ વધ્યો. તેના બળતણને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડ વધવા લાગ્યો છે. ગંદકીથી ઊભરાતી ગટરોએ અનેક રોગ ફેલાવ્યા છે. રાસાયણિક કારખાનામાંથી છોડાતા ઝેરી ગેસથી કેટલાક શારીરિક રીતે અપંગ થયા છે. તો અકસ્માતે આ ગેસનું પ્રમાણ વધતાં સેંકડો માણસો મૃત્યુ પામ્યા છે.
આમ વિકાસ અને આવકના લક્ષ્યને સિદ્ધ કરવાની દોટ મૂકતો માણસ સમસ્ત વિશ્વનું વાતાવરણ કલુષિત કરીને બેઠો છે. આપણી ચારે બાજુનું વાતાવરણ દૂષિત થઈ ગયું છે. નથી પાણી શુદ્ધ રહ્યું કે નથી હવા ચોખ્ખી મળતી. માત્ર હવાપાણીથી જ આવરણ દૂષિત થયું હોત તો પણ સહ્ય બન્યું હોત. પરંતુ આજે હવે અવાજનું પ્રદૂષણ વધુ ઝડપથી ફેલાતું જાય છે. રેડિયો, ટીવી કે ટેપના ઘોંઘાટ ઘેરઘેર સાંભળવા મળે છે. જાહેર રસ્તામાં પણ હોટલ કે અન્ય સ્થળે મોટા અવાજે વાગતાં લાઉડસ્પીકરીનો અવાજ કાન ફાડી નાખે છે. માર્ગ પર દોડતાં વાહનોનાં હૉર્ન ગાજી ઊઠે છે ત્યારે જાતજાતના અવાજોથી રસ્તે એટલો બધો ઘોંઘાટ થાય છે કે, અકસ્માત ટાળવાના હેતુથી વાગતાં આ હૉર્નનો ઘોંઘાટ જ અકસ્માતોનું કારણ બને છે.
તંદુરસ્ત માણસના શરીર પર હવા, પાણી, ખોરાક અને અવાજના પ્રદૂષણના રોજિંદા પ્રહારો થતા રહે છે. એનાથી માનવીની તંદુરસ્તી જોખમાય છે. અવનવા રોગો જન્મે છે, જેનાં સારવાર-નિદાન શક્ય નથી. વૃક્ષારોપણ, પ્રદૂષણ નિવારણ સેમિનાર અને અન્ય જાતજાતના ઉપાયો શોધાઈ રહ્યા છે, પરંતુ એ બધાંનું પરિણામ આવે, એનો અમલ થાય અને પ્રદૂષણ દૂર થાય ત્યારે ખરું. કદાચ સમયસર પ્રદૂષણ નાથી નહીં શકાય તો માનવજાતનું ધરતી પર અસ્તિત્વ જોખમાશે !
COMMENTS