Essay on Unwanted Guest in Gujarati : In this article " અનિચ્છનીય મહેમાન વિશે ગુજરાતી નિબંધ ", " માથે પડેલા મહેમાન નિબંધ &quo...
Essay on Unwanted Guest in Gujarati: In this article "અનિચ્છનીય મહેમાન વિશે ગુજરાતી નિબંધ", "માથે પડેલા મહેમાન નિબંધ" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Unwanted Guest", "અનિચ્છનીય મહેમાન ગુજરાતી નિબંધ" for Students
ભારતીય સંસ્કૃતિના સૂચન જેવું અતિથિ દેવો ભવનું સૂત્ર આજના જમાનામાં અતિથિ રાનવો ભવ! જેવું લાગે છે. આપણી સંસ્કૃતિના ઉમદા આદર્શો આપણા જીવનમાં તાણાવાણાની જેમ ગૂંથાઈ ગયા છે. પણ આ આતિથ્યભાવનાનો આદર્શ આજે અમુક વાર અણગમતો લાગે છે.
આ આદર્શ પર જમાનાની અસર સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. આજના અતિથિઓ પણ આફતરૂપ બની ગયા છે. આજે મોંઘવારી અને અછતના જમાનામાં એકાદ મહિના માટે મહેમાનગતિ માણવા આવી પડેલા “પરોણાઓ આપણને પહાણા' જેવા જ લાગે ને? જગ્યાની સંકડાશમાં આ મહેમાનો વળી ઉમેરો કરે છે. તો કેટલીક આગવી વિશિષ્ટતા ધરાવતા મહેમાનો જાણે તેમના માટે જ રસોઈ કરવાની હોય તેમ ખાનપાનની ફિલસૂફી સમજાવતા હોય છે. તો કેટલાક ફરવાના શોખીન મહેમાનો માટે યજમાને બૉસની બોડમાંથી છટકવું પડે છે! ક્યારેક કપાતા પગારે આવા સહેલાણીઓને સહેલ કરાવવા જેવું કપરું કામ પણ કરવું પડે છે. દવા કરાવવાના બહાને આવી પડેલા મહેમાનો તો જાણે યજમાનને પણ બીમાર કરી મૂકવાના મૂડ સાથે આવ્યા હોય તેમ લાગે છે. કેટલાક તો વળી “આપણું જ ઘર છે ને!” કહીને યજમાનના પત્રો, ઑફિસના કાગળો, ફાઈલો ઉથલાવવા લાગે છે, તો કેટલાક કબાટ-ટેબલનાં પાનાં પણ ફંફોસવા લાગે છે. યજમાન મહત્ત્વના કામે જઈ રહ્યા છે કે કામમાં રોકાયેલા છે તેની પરવા કર્યા વિના કેટલાક મહેમાન ઘસાઈ ગયેલી રેકર્ડ જેવી એકની એક વાતો જુદા જુદા શબ્દોમાં કહ્યા જ કરતા હોય છે. આ સમયે બિચારા યજમાનની હાલત કફોડી થઈ જાય છે. તેમનો અણગમો પણ ખુલ્લા મને વ્યક્ત કરી શકતા નથી ! આવા મહેમાનથી છુટકારો મેળવતાં યજમાનો ઘણી વાર ભગવાનને પરેશાન કરી મૂકતા જોવા મળે છે !
અણઘડ અતિથિઓના આવા વર્તનને પરિણામે કેટલીક વાર ઘણા યજમાનો સાધારણ સત્કાર કરીને જ પતાવી દેતા હોય છે. તો કેટલાક અતિથિ પ્રત્યે બિલકુલ ધ્યાન જ આપતા નથી. કેટલાકને તો દૂરથી જોતાં જ પોતાનો રસ્તો બદલી નાંખે છે. કેટલીક વાર જાણીજોઈને એવી રસોઈ બનાવે છે કે જે મહેમાનને બિલકુલ ભાવતી ન હોય ! મહેમાન ફરીને ઘેર આવે તે પહેલાં ઘરને તાળું મારી ચાવી સાથે લઈને પોતે પણ ફરવા નીકળી પડે છે અને પછી મોડેથી ઘેર આવે છે.
આજના સમયમાં અતિથિઓએ પણ સમયને સમજીને કેટલીક વસ્તુઓ શીખવા જેવી હોય છે. તેમણે યજમાનને જણાવ્યા સિવાય “માન ન માન, મૈં તેરા મહેમાન'ની જેમ ધામા નાખવા જોઈએ નહીં, યજમાનને ત્યાં એક-બે દિવસથી વધુ રોકાવું જોઈએ નહીં. યજમાનને પોતાનું આવવાનું પ્રયોજન અને કાર્યક્રમ જણાવી દેવો જોઈએ. જેથી તેઓ ખોટી મૂંઝવણમાં મુકાય નહીં. જ્યાં જઈએ ત્યાં અનુકૂળ થઈ જવાની ટેવી પાડવી જોઈએ. પોતાનું આગવાપણું છોડી દેવું જોઈએ. વિદાય થતી વેળાએ યજમાનને કે તેમનાં બાળકોને નાનકડી ભેટ આપી કૃતજ્ઞતા દાખવવી જોઈએ અને યજમાનને પોતાને ત્યાં પધારવાનું આમંત્રણ આપવું જોઈએ. જો અતિથિઓ આટલું સમજે તો ભારતમાંથી “આતિથ્યભાવનાનો લોપ થવાની જે શરૂઆત થઈ છે તેને અટકાવી શકાય.
જે અતિથિઓ બદલાતા યુગના પ્રવાહને નહીં ઓળખે અને અનુકૂલન સાધવાનો પ્રયત્ન નહીં કરે તો ધીમે ધીમે આતિથ્ય ભાવનાનો લોપ થશે. સૌ કોઈ ઉચિત આતિથ્યની અપેક્ષા રાખતાં પહેલાં યોગ્ય અતિથિ બનતાં શીખે તો કેટલું સારું !
COMMENTS