Essay on Childhood Memories in Gujarati Language : In this article " મારું બાળપણ નિબંધ ", " બાળપણ ની યાદો નિબંધ ગુજરાતી ...
Essay on Childhood Memories in Gujarati Language: In this article "મારું બાળપણ નિબંધ", "બાળપણ ની યાદો નિબંધ ગુજરાતી", "Maru Balpan Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Childhood Memories", "મારું બાળપણ નિબંધ", "Maru Balpan Gujarati Nibandh" for Students
માનવજીનનો સૌથી વધુ સુખમય અને આનંદદાયક સમય બાળપણનો છે. એટલે તેને સોનેરી સમય કે સુવર્ણયુગ કહીએ તો સાર્થક ગણાશે. બાળપણના એ દિવસો માણસના જીવનનું સનાતન સુખદ સંભારણું બની રહે છે. વય પ્રમાણે નાનપણમાં આપણી સ્મૃતિશક્તિ ઓછી હોય છે ને અવિકસિત હોય છે. તેથી આપણને નાનીમોટી ઘણી વિગતો યાદ ન રહે તે દેખીતું છે. આમ છતાં કેટલાક પ્રસંગોની ગાઢ અસર વર્ષો વીતે તો ય ઓસરતી નથી. મારા બાળપણનાં એ સુખદ સંભારણાં વાગોળું છું ત્યારે મને થાય છે કે કેવા આનંદના એ દિવસો હતા ! તે हि नो दिवसा गताः ।
દરેક બાળકને વાર્તા સાંભળવાનું ગમતું હોય છે. અમે સૌ ભાઈઓ રાતના દાદાની પાસે સગડી સામે બેસીને કેવી રીતે વાર્તા સાંભળતા તે મને બરાબર યાદ છે. કલ્પનાને ઉત્તેજિત કરતી એ વાતો સાંભળીને કંઈક કરી નાખવાનું મન થઈ જતું. વડીલો અમારી ખૂબ કાળજી રાખતા. અમારી દરેક ઇચ્છા પૂરી થતી. અમારી પ્રગતિ થાય તે રષ્ટિએ સૌ અમારો ખ્યાલ રાખતા. પ્રવાસ કે મેળામાં જવાનું મન થાય એટલે અમારે દાદાજીને જ કહેવાનું. એક વાર શુક્લતીર્થનો મેળો ભરાવાનો છે તેની ઘરમાં વાત થઈ. અમે બધાંએ ત્યાં લઈ જવા દાદાજીને આગ્રહ કર્યો. બીજા દિવસે સૌ તૈયાર થઈને હાલવા માંડ્યાં મેળે.
પાર વિનાની ગિરદીમાં અમારા જેવાં નાનાં ભૂલકાંઓ તો ડરી જ જાય ને ! દાદાજીએ મને તેમના ખભે બેસાડી દીધો. એ વખતે હું એટલો બધો ખુશ થઈ ગયો હતો કે મને લાગ્યું કે જાણે આખા મેળામાં હું એકલો જ ઊંચો માણસ બની ગયો છું. રમકડાંની લારી જોઈ દાદાજીએ મને નીચે ઉતાર્યો. મેં એક રમકડું પસંદ કર્યું ને બીજાને દાદાજી રમકડાં અપાવતાં હતાં. બાજુમાં મીઠાઈની દુકાન જોઈ હું તે તરફ સહેજ સરક્યો અને ખેલ ખલાસ ! મારા દાદા અને બધાંથી હું જુદો પડી ગયો. હવે મારું શું થશે એ વિચારતાં રડવા લાગ્યો. થોડી વારમાં પોલીસ આવ્યો અને મારા દાદાજીની સાથે મારો મેળાપ કરાવ્યો. ત્યારે મારી સાથે દાદા પણ મને ભેટીને રડવા લાગ્યા.
મારા માસા એક ઘોડો રાખતા. તેમના ગામથી ઘોડા પર બેસીને આવે ત્યારે મને પણ ઘોડા પર બેસવાનું મન થતું. એક વાર તેમની સાથે બેસાડી મને થોડે સુધી ફરવા લઈ ગયા. એક હાથમાં લગામ અને બીજા હાથમાં ચાબુક રાખીને તે ઘોડો ચલાવતા. નાનપણમાં પપ્પા, દાદા કે મોટા ભાઈની પીઠ ઉપર બેસી ઘોડોઘોડો રમવાની મજા માણેલી. એના કરતાં આ અસલ ઘોડાની સવારીની તો વાત જ જુદી હતી. એનો સ્વાદ દાઢમાં રહી ગયો. એક વાર બપોરે માસા ઊંઘતા હતા ત્યારે થાંભલા પાસે બાંધેલો ઘોડો મેં છોડ્યો. બાજુમાં ઊંચા ઓટલા પાસે જઈને ઘોડા પર પલાણ્યો. પછી માસાની જેમ લગામ લીધી અને પગની એડી સાથે ઘોડાને ચાબુક મારી. મારો હાથ જોશથી પડ્યો ને ચાબુક બરાબરની વાગી ગઈ. પછી તો પૂછવું જ શું? થોડે દૂર જતાં જ કૂદતા ઘોડા ઉપરથી ફૂટબૉલની જેમ હું નીચે પટકાયો. મારા સદ્ભાગ્યે ઘાસની ગંજી પર પડતાં મને લાગ્યું નહીં. રડતા-રડતો ઘેર આવ્યો અને સૌને મારા પરાક્રમની ગાથા સંભળાવી.
મારી જેમ શાળાના મારા ગોઠિયા પણ તોફાની ખરા હો ! અમારી ટોળી તોફાન માટે ખ્યાતનામ બનેલી. અમારા એક શિક્ષક ખૂબ કડક અને બધાને મારે - તેમને સુધારવા અમે કૂચદેવીની આરાધના પણ કરેલી. અમારું પોલ પકડાયું ત્યારે સજા પણ સારી એવી થયેલી. અમારા આચાર્ય સાચે જ ભગવાનના માણસ. અમને પ્રામાણિક બનવાની પ્રેરણા આપતા. એમણે એક દિવસ જાહેરાત કરેલી કે તમને કોઈની વસ્તુ જડે અને ઑફિસમાં જમા કરાવશો તો સ્કૂલના જાહેર નોટિસ બોર્ડ પર તમારું નામ લખાશે. મને થયું કે કોઈની વસ્તુ જડશે તો હું ચોક્કસ આમ કરીશ. એ દિવસની રિસેસમાં મારો કંપાસ ગુમ થયો. મેં શિક્ષકને ફરિયાદ કરી. બીજા દિવસે શાળામાં જતાં નોટિસ બોર્ડ પરની જાહેરાતમાં, મારો કંપાસ મળ્યો હોવાનું લખ્યું હતું. એની સામે પ્રામાણિક વિદ્યાર્થીનું નામ વાંચીને મને ચક્કર આવવા માંડ્યા. આ તો અમારી ટોળકીના ખેપાની અને શેરીના ઉતાર એવા મારા પડોશી ચુનિયા ચોરનું જ નામ હતું !
આવાં બાળવયનાં ખાટામીઠાં સ્મરણો હવે મારા જીવનની મોંઘી મૂડી બની ગઈ છે. વડીલો અવસાન પામ્યા અને મિત્રો પોતપોતાનાં નોકરીધંધે લાગી ગયા. છતાં આ સૌને એક તાંતણે બાંધે છે બાળપણનો સુવર્ણયુગ.
COMMENTS