Monday, 28 December 2020

Gujarati Essay on "Autobiography of a Village", "ગામડું બોલે છે ગુજરાતી નિબંધ" for Students

Essay on Autobiography of a Village in Gujarati: In this article "એક ગામની આત્મકથા નિબંધ", "ગામડું બોલે છે ગુજરાતી નિબંધ", "Gamdu Bole Chhe Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Autobiography of a Village", "ગામડું બોલે છે ગુજરાતી નિબંધ" for Students 

કોઈએ યોગ્ય જ કહ્યું છે :

ઊંચી-નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ,

ભરતી પછી ઓટ છે, ઓટ પછી જુવાળ.” 

એટલે કે સુખ અને દુઃખ જીવનમાં અવિરતપણે ચાલ્યા જ કરે છે. બધા દિવસો એકસરખા જતા નથી. ઘડીમાં સુખનો છાંયડો, તો ઘડીકમાં દુઃખનો તડકો ! દરેકના જીવનમાં ભરતી અને ઓટની જેમ આ ચક્ર ચાલ્યા જ કરે છે. દરેકનું જીવન સુખદ-દુઃખદ સંસ્મરણોથી સમૃદ્ધ હોય છે. મારું પણ કાંઈક એવું જ છે.

હા, હું એ જ ગામડું છું. મારા ખોળે નિર્મળ જળ લઈને કલકલ વહેતી આ નદી જાણે કે મારી લાડકી દીકરી! તો આ વિશાળકાય વડલા, ઘટાઘોર લીમડા અને તેમને વીંટળાયેલી વેલીઓ જાણે કે મારા આંગણાને શણગારતા માંડવા ! કલરવ કરતાં, નિજાનંદમાં મસ્ત રહેતાં, રંગબેરંગી પક્ષીઓ જાણે મારા જીવનની મહામૂડી! આસપાસ દૂર-દૂર સુધી પથરાયેલાં વિશાળ લીલાંછમ ખેતરો ભલભલાને લલચાવી દે, અહાહા ! કેવું અદ્ભુત હતું મારું સ્વરૂપ ! મારી સાથે રહેતાં સૌ રહેવાસીઓ કેટલા સુખી હતા! રોજ સાંજે અને રોજ સવારે ગાયોનાં ધણ લઈ આવતા-જતા ગોવાળિયાઓની વાંસળીમાંથી છેડાતી સુરાવલિમાં મારું આખુંય અસ્તિત્વ ડોલતું હતું. તો પાણી ભરવા જતી પનિહારીઓની મીઠી-મીઠી મજાકમશ્કરી સાંભળીને મનોમન ઉલ્લસિત થતું હતું મારું મન ! દૂધ-દહીં-ઘી વેચવા નીકળતી ભરવાડણો પગમાં પહેરેલાં ભારેખમ ઝાંઝરનો રણકાવતી રૂમઝૂમ કરતી ચાલતી ત્યારે ઘડીભર મને થઈ આવતું કે બસ આમ ને આમ હું નીરખ્યા જ કરું. સાંજના ટાણે, આથમતા સૂરજનાં લાલલાલ કિરણો આ નિર્મળ નદીને જાણે ધુળેટી રમાડતાં હોય તેમ લાલચટક કરી દેતાં ત્યારે શરમાયેલી નવવધૂની જેમ નદી પણ મંદ મંદ હસી દેતી. તે સમયે નદીના પટમાં આવેલ શિવાલયમાં થતી આરતી અને ઘંટનાદ વાતાવરણને વધુ રઢિયાળું બનાવી દેતાં... પરગામથી થાકેલો, કંટાળેલો આવેલો મુસાફર પણ મારી સુંદરતા જોઈને ઘડીભર માટે નિસાસા નાખવાનું ભૂલી જઈ આરતીમાં લીન થઈ જતો. મને એ જોઈને અવર્ણનીય આનંદ મળતો.

પણ “ते हिनो दिवसा जाता!' ભવ્ય ભૂતકાળ મારા માટે આજે એક સપનું બનીને રહી ગયો છે, ભારતની ગુલામી, આઝાદી માટેની ચળવળ અને અંગ્રેજોની સ્વાર્થી નીતિઓએ અમારા સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાંખ્યું. શહેરોના વિકાસ અમારી સુંદરતા અને આકર્ષણ છીનવી લીધાં. અમારું હીર ચૂસી લઈને કારખાનાંઓ તથા મિલો ધમધમવા લાગ્યાં. મારાં ભોળાં, નિર્દોષ બાળુડાંઓ પણ આ ઝાકઝમાળથી અંજાઈ ગયાં. ઘરડા ઢોરને જેમ પાંજરાપોળમાં છોડી આવે તેમ લોકો હવે મને એકલું-એટૂલું મૂકીને ચાલવા લાગ્યા. આજે જ મને ખબર પડી કે જેટલી લાગણી મને તેમના માટે હતી, તેનાથી અડધીય તેમને મારા માટે ન હતી. મારા અંતરની આશાઓના ઢગલા પર આ શહેરો ઊભાં રહ્યાં છે. મિલના ભૂંગળામાંથી નીકળતી જ્વાળાઓ જાણે મારી જીવતી ચિતામાંથી નીકળતી હોય તેમ લાગે છે.

મારી દશા ધીમે ધીમે સ્મશાન જેવી થઈ ગઈ છે. મને પોતાને ઘણી વાર લાગે છે કે શું હું હજું એ જ છું, જે આજથી પંચોતેર-સો વર્ષ પહેલાં હતું? મારી સમૃદ્ધિ લૂંટાઈ ગઈ છે. મારું તેજ હણાઈ ગયું છે. હવે મારી પાસે વૃદ્ધો, અસહાય કે નિરાધાર વ્યક્તિઓ સિવાય કોઈ રહેતું નથી. યુવાન વર્ગ મારી તરફ નજરેય કરતો નથી. મારા જીવનમાંથી રસકસ ઊડી ગયા છે. કુરિવાજો, અંધશ્રદ્ધા અને અજ્ઞાનનું સામ્રાજય મારા પર વિસ્તરતું જાય છે. ગંદકી, કુસંપ, આળસ અને વ્યસનોમાં અટવાયેલી પ્રજાથી જાણે કે હું કાયમી રોગી' બની બેઠું છું, મારે પણ મારી આ દશામાંથી મુક્ત થવું છે, મને કોઈ બચાવી નહીં લે ? મારો આર્તનાદ સાંભળવાની કોઈને ફુરસદ છે? આખરે મારી દુર્દશા એ સમગ્ર દેશની જ દુર્દશા છે ને ?

“લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે' તેવા એક કથનને વળગી રહીને આજ સુધી એ જ આશામાં જીવી રહ્યું છું કે ક્યારેક તો મારો પોકાર કોઈ સાંભળશે ને? મને લાગે છે કે હવે એ દિવસો બહુ દૂર નથી, કારણ કે ગામડાંના પુનરુદ્ધાર માટે ભારતની સરકાર હવે કમર કસે છે. મારા નવનિર્માણનો ધન્ય પ્રસંગ હવે ટૂંક સમયમાં જ આવી પહોંચશે. હું નવું જીવન પ્રાપ્ત કરીશ. મારાં રિસાયેલાં બાળુડાં ફરીથી મારી ગોદમાં આવી જશે. હું પણ ભારતની ઉન્નતિમાં ખભેખભો મિલાવીને સાથ આપીશ. તમે પણ મને સહકાર આપશો ને? મારો હાથ ઝાલશો ને?


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: