Thursday, 19 November 2020

Gujarati Essay on "My Favourite Teacher", "મારા પ્રિય શિક્ષક વિશે ગુજરાતી નિબંધ" for Students

Essay on My Favourite Teacher in Gujarati: In this article "મારા પ્રિય શિક્ષક વિશે ગુજરાતી નિબંધ", "મારા આદર્શ શિક્ષક નિબંધ ગુજરાતી", "Mara Priya Shikshak Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "My Favourite Teacher", "મારા પ્રિય શિક્ષક વિશે ગુજરાતી નિબંધ" for Students 

નવરાશની પળોમાં મને મારું બાળપણ અને શાળાજીવન યાદ આવે છે. એ ક્ષણે મારા જીવન પર પોતાનો પ્રભાવ પાડનારા કેટલાક શિક્ષકોના ચહેરા મારી નજર સામે તરવરી ઊઠે છે. આ બધામાંથી એક છબી સૌથી વિશેષ તેજ પાથરી રહી હતી. એ ચહેરો સદા મને ગમતો હતો. એની વાણી અને હાસ્ય હંમેશાં મને શિક્ષણકાર્યમાં હોંશથી પરિશ્રમ કરવા પ્રેરણા આપતાં હતાં. જેમને હું આજ સુધી મારા આદર્શ શિક્ષક માનું છું એમનું નામ છે શ્રી છોટુભાઈ નાયક. એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું અને એટલા જ તે સ્નેહાળ પણ હતા. તેમની વિદ્યાપ્રીતિ અને ઉજ્જવળ ચરિત્ર સામે મારું મસ્તક અહોભાવથી નમી પડે છે. શિક્ષણની મારી સુદીર્ઘ યાત્રામાં આજ સુધી અનેક શિક્ષકોના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. પરંતુ શ્રી છોટુભાઈ એક એવા શિક્ષક હતા, જેમના વ્યક્તિત્વમાં ઉત્તમ શિક્ષકના લગભગ તમામ ગુણો સંમિલિત થયા હતા. એટલે હું તેઓને મારા આદર્શ શિક્ષક ગણું છું.

હાઈસ્કૂલમાં દાખલ થયો ત્યારે સમૂહ પ્રાર્થનામાં ઊભેલા શિક્ષકગણ તરફ મારી દૃષ્ટિ પડતાં જ એ શિક્ષક તરફ મારું ધ્યાન આકર્ષાયું હતું. અન્ય શિક્ષકો કરતાં ઊંચો બાંધો, પાતળો દેહ અને ભાવભરી આંખો સાથે હંમેશ સ્મિત ફરકાવતી એમની મુખાકૃતિથી શાળામાં મારા જેવા ઘણા વિદ્યાર્થીઓમાં તેઓ લોકપ્રિય નીવડ્યા હતા. નાનામોટા દરેક વિદ્યાર્થી સાથે પ્રેમભાવથી કામ પાડવાની તેમની પદ્ધતિ એમની લોકપ્રિયતામાં વધારો કરતી હતી. મારા જેવા અજાણ્યા વિદ્યાર્થીઓને બેત્રણ દિવસમાં એમના સ્વજન જેવા બનાવી આત્મીય વ્યવહારથી અમારાં દિલ જીતી લીધાં હતાં.

એકલો દેખાવ જ નહીં, એમનું વર્ગકાર્ય પણ એટલું જ પ્રભાવક હતું. તેમના મુખ્ય વિષય ગુજરાતી અને અંગ્રેજી હતા. આ બંને ઉપર તેમનું પ્રભુત્વ પ્રશંસનીય હતું. વિષયને રસપ્રદ રીતે રજૂ કરવાની તેમની ઉત્તમ પદ્ધતિ એટલી અસરકારક હતી કે વર્ગમાં એક જ વાર એમની પાસે ભણ્યા હોય તે કવિતા કે પાઠ મારે ફરી ઘેર વાંચવો જ ન પડે. ઉપરાંત દરેક કાવ્યમાં આવતા છંદ અને અલંકાર પણ ખૂબીપૂર્વક તે સમજાવતા. એક લોકગીત તેમણે પોતાના સૂરીલા કંઠે વર્ગમાં ગાઈને અમને જે ઢાળ શીખવ્યો તે આજે પણ અમારા મનમાં કોતરાઈ રહ્યો છે. વિષયને જીવંત બનાવી તેમાં તન્મય બનાવવાની તેમની આવડત અજોડ હતી. આજે મેં જે કાંઈ મેળવ્યું અને કેળવ્યું છે તે સર્વમાં એમની જ પ્રેરણા કારણભૂત રહી છે.

ભાષાસાહિત્ય તો એમનો પ્રિય વિષય હતો જ, પરંતુ એ ઉપરાંત સમાજશાસ્ત્ર, હિન્દી કે સંસ્કૃત જેવા વિષય ઉપરની તેમની પકડ એવી જ હતી. એમ કહી શકાય કે એમના હાથે જે વિષય આવતો એ સજીવ થઈ ઊઠતો. વિષયની ભૂમિકા, તેની વિસ્તૃત સમજૂતી અને નાનામોટા પ્રશ્નોના ઉત્તરો શોધવાની સરળ રીતથી અમે મુગ્ધ થઈ જતા. અમારા વર્ગમાં અભ્યાસની સાથે વસ્તૃત્વ, નિબંધ, ચિત્ર તથા સંગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં અમને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરતા હતા.

શિક્ષણનાં દૂષણો પ્રત્યે લાલ આંખ રાખનારા મારા એ પ્રિય શિક્ષકની મને સૌથી વધુ ગમતી બાબત હતી એમની શિસ્તપ્રીતિ અને અન્યાય સામે સંયમપૂર્વક અડગતાથી સામનો કરવાની નેમ. વિદ્યાર્થીઓ સાથે ઓતપ્રોત થાય અને તેમનાં અંગત સુખદુઃખમાં માર્ગદર્શક બની રહે છતાં, તે કદી કોઈ વિદ્યાર્થી અશિસ્ત દાખવે તો ચલાવી ન લેતા. વાલી, વિદ્યાર્થી, આચાર્ય અને સંચાલક સૌના પ્રીતિપાત્ર બનેલા મારા એ આદર્શ શિક્ષક આચાર્ય તરીકે નિવૃત્ત થવા છતાં, અમારા વિચારો-કાર્યો દ્વારા જાણે પ્રવૃત્ત જ છે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: