Essay on Autobiography of A Book in Gujarati : In this article " એક પુસ્તક ની આત્મકથા નિબંધ ", " ફાટેલા પુસ્તકની આપવીતી નિબંધ...
Essay on Autobiography of A Book in Gujarati: In this article "એક પુસ્તક ની આત્મકથા નિબંધ", "ફાટેલા પુસ્તકની આપવીતી નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Autobiography of A Book", "એક પુસ્તક ની આત્મકથા નિબંધ" for Students
મારા આજના આ દિદાર જોઈને તમને મારા ભૂતકાળના રૂપનો ક્યાંથી ખ્યાલ આવે? મારાં કેટલાંક પાનાં ફાટી ગયાં છે, કેટલાંક ઊધઈથી ખવાઈ ગયાં છે અને કેટલાંક પર શાહી અને ચાના ડાઘા લાગ્યા છે. મારા આકર્ષક મુખપૃષ્ઠનું તો હવે અસ્તિત્વ જ રહ્યું નથી. આ અકાળ દુર્દશા માટે મારે મારા ભાગ્યને જ દોષ દેવો રહ્યો. જગતમાં કોઈ અસર નથી અને સુખદુઃખના તડકા-છાંયા સૌના જીવનમાં આવે જ છે. આ સનાતન સત્ય એ જ મારું એક આશ્વાસન છે.
આજથી દસેક વર્ષ પહેલાં, એક રમણીય ગિરિનગરમાં વસતા એક મહાન વિદ્વાનને હાથે મારા અક્ષરદેહનું ઘડતર થયું હતું. તેમણે પોતાનાં વર્ષોનાં જ્ઞાન અને અનુભવ નિચોવીને તૈયાર કરેલી હસ્તપ્રસ્ત એ મારું જન્મ પહેલાંનું રૂપ હતું. એ રૂપે ટપાલ દ્વારા પ્રવાસ કરીને હું આ શહેરના એક વિશાળ છાપખાનાની ઑફિસમાં બિરાજેલા એક પ્રકાશકના હાથમાં પહોંચી. મારા દેહમાં સમાયેલી અમૂલ્ય જ્ઞાન-સામગ્રીને જોઈને એ પ્રકાશક આનંદથી નાચી ઊઠ્યા. બસ, બીજા જ દિવસથી સારામાં સારા કાગળ પર અનેક યંત્રોએ એકસાથે મારું મુદ્રણ શરૂ કર્યું. મારા મુદ્રિત દેહને સોનેરી રંગના અત્યંત આકર્ષિત મુખપૃષ્ઠથી સુસજ્જ કરવામાં આવ્યો. આહા ! કેવું અનુપમ હતું મારું એ રૂપ ! ખરેખર મને સૌંદર્ય બક્ષવામાં એ પ્રકાશકે કોઈ કમી રાખી ન હતી.
છાપખાનામાંથી એક પુસ્તકવિક્રેતા મને પોતાની દુકાને લઈ ગયો. ત્યારથી મારી સફર શરૂ થઈ. એ દુકાનમાંથી એ જ દિવસે એક વૃદ્ધ વિદ્વાન મને ખરીદીને લઈ ગયા. તેઓ મને જીવની જેમ સાચવતા. પાનાં ઉથલાવતી વખતે મારા દેહ પર ડાઘ ન લાગે એની તેઓ ભારે કાળજી લેતા. તેઓએ મારા દેહની સુરક્ષા માટે સુંદર પૂઠું ચડાવી દીધું. જ્યારે આ વિદ્વાનના હાથનો મને સ્પર્શ થતો ત્યારે મને મારું જીવન સાર્થક લાગતું. જેમની વિદ્યામાં અભિવૃદ્ધિ કરવા મેં જન્મ ધારણ કર્યો છે એવા અધિકારી ભાવક કે વાચક મને જતનથી જાળવે અને જ્ઞાનવૃદ્ધિ માટે મારો સહારો લે એમાં મને મારા જીવનની સાર્થકતા દેખાતી. આવા અનેક અધિકારી ભાવકોના હાથમાં ફરવાનું મળતાં મારા આનંદનો પાર ન રહ્યો. એ વિદ્વાનના અભ્યાસી મિત્રો મારું વાચન કરીને સંભાળથી એમના ગૃહપુસ્તકાલયમાં મને મૂકી જતા.
પરંતુ સુખ ક્ષણિક હોય છે, એ સત્ય અને પછી સમજાયું. વયોવૃદ્ધ વિદ્વાનના અવસાન બાદ મારી પડતીની શરૂઆત થઈ. એમના વારસદારોને મન હું અણગમતી ચીજ બની ગયું. કારણ કે તેઓ ભણવા-વાચવામાં રસ ધરાવતા ન હતા. ઘરની નાની-મોટી પરચૂરણ ચીજવસ્તુઓની જેમ મને પણ તેઓએ રદી માલના નિકાલમાં ઘરમાંથી બહાર કાઢી મૂક્યું. પસ્તીવાળાના કોથળામાંથી અનેક લારીઓ-દુકાનોમાં હું અથડાતું રહ્યું. સમય જતાં જ્ઞાનના નવા વિષયો વધ્યા. એટલે મારામાં રહેલું જ્ઞાન અને રૂપ સૌને મન પુરાણાં થઈ ગયાં. મને કોઈ પસ્તીના ભાવે લઈ જવા તૈયાર ન થયા. છેવટે થાકીને કાગળના એક કારખાનામાં જૂના કાગળોના ઢગલામાં નાખીને પસ્તીવાળો વિદાય થયો. આમ મારી જીવનની એક સુંદર અને સમૃદ્ધ સ્થિતિનો કરુણ અંત આવતાં હું આજે તમારી નજર સામે આ રૂપમાં દેખાઉં છું.
મિત્રો, ચડતી પડતી તો સૌના જીવનમાં આવતી રહે છે, છતાં હું નિરાશ નથી. કાગળના કારખાનામાં જઈને હું નવા રૂપે ફરી જન્મ ધરીશ, ફરી કોઈ વિદ્વાનનો ગ્રંથ બનીને વાચકોની સેવા કરીશ.
COMMENTS