Ek Shramjivi ni Aapviti Essay in Gujarati : In this article " એક શ્રમજીવી ની આપવીતી નિબંધ ", " એક શ્રમજીવી ની આત્મકથા નિબંધ ગ...
Ek Shramjivi ni Aapviti Essay in Gujarati: In this article "એક શ્રમજીવી ની આપવીતી નિબંધ", "એક શ્રમજીવી ની આત્મકથા નિબંધ ગુજરાતી", "Ek Shramjivi ni Atmakatha Gujarati ma" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Ek Shramjivi ni Aapviti", "એક શ્રમજીવી ની આપવીતી નિબંધ" for Students
એ પણ એક જમાનો હતો જ્યારે અમને “મજૂરો', “કૂલી' કે “વેઠિયા' તરીકે નવાજતા હતા. પણ સાચું કહું ત્યારે મને જરાય અપમાન નહોતું લાગતું. પણ આજે જયારે લોકો અમને ‘બે ટકાના માણસોકે “શ્રમજીવીઓ કહીને સંબોધે છે, અમારા પર મોટામોટા લેખો લખે છે, કવિતાઓ રચે છે, નાટકો અને વાર્તાઓ લખે છે ત્યારે અમને એટલું અપમાન લાગે છે, એટલું ખોટું લાગે છે કે ન પૂછો વાત ! પણ અમને ખોટું લાગે કે સારું તેની તમને ક્યાં કશી પડી છે? મોટામોટા નેતાઓ, અભિનેતાઓ, અમારા ઉત્કર્ષ વિશે મોટાંમોટાં ભાષણો આપે છે, સરસ મજાના રોલ ભજવે છે અને પોતાના “રોટલા' પકાવે છે. સાચું પૂછો તો અમારા ઉત્થાનમાં હૃદયપૂર્વક કોઈને જ રસ નથી. અમે જે રીતે જીવીએ છીએ તે જોવાનો, અમારી સાથે રહેવાનો કે અમારાં સુખ-દુ:ખ સમજવાનો કોઈને સમય નથી. અમારી ઝૂંપડપટ્ટી પાસેથી કે અમારી ચાલીમાંથી જો ભૂલેચૂકેય પસાર થવું પડે તો નાકે રૂમાલ દબાવીને કે ગાડીની ઝડપ વધારીને જતા રહેતા નેતાઓને અમારા વિશે ભાષણો આપવાનો જરાય અધિકાર નથી. અમારી જિંદગીની કરુણતાને ઓછી કરવામાં જરાય ફાળો ન આપનાર અભિનેતાઓને અમારા રોલ ભજવવાનો પણ કોઈ હક નથી. તમને લાગે છે કે હું બહુ મોટી મોટી વાતો કરું છું નહીં? વધારે પડતો ઉશ્કેરાઈ ગયો હોઉં તેમ લાગે છે ને? પણ ત્યાં જ તમારી ભૂલ થાય છે. હું જે કાંઈ બોલું છું તે પૂરેપૂરી સભાન અવસ્થામાં બોલું છું. તમે મને મજૂર કહો કે શ્રમજીવી ગણો તેનાથી મારા કામમાં કે દામમાં જરાય ફેર પડતો નથી. હા, ફક્ત મારા નામમાં જ ફેર પડશે પણ તેની સાથે મારે કોઈ જ લેવાદેવા નથી. સાચું પૂછો તો મને જીવન જીવવામાંય હવે કોઈ રસ રહ્યો નથી.
તમને મારામાં રહેલી હતાશા કે નિરાશા જોઈને નવાઈ લાગશે. તમે મને તેનું કારણ પૂછશો તો એક જ જવાબ મળશે કે શ્રમજીવી તરીકેનું જીવન જીવતાંજીવતાં મને પડતી હાડમારીઓ વેઠતાં-વેઠતાં હવે હું તંગ આવી ગયો છું. ઘણાંને અમારી હાડમારીઓની ખબર નથી હોતી, તેમને અમે વધારે સુખી લાગીએ છીએ. બધાંને પોતાના કરતાં બીજા જ વધારે સુખી લાગતા હોય છે. શ્રીમંતોને મધ્યમવર્ગના માણસો વધારે સુખી લાગે છે, કારણ કે બે નંબરના પૈસા કેવી રીતે ચાવવા તેની તેને ફિકર હોતી નથી. મધ્યમવર્ગના માણસોને અમારી અદેખાઈ આવે છે. કારણ કે અમે જ્યાં જે મળે તે ખાઈ લઈએ, જગ્યા મળે ત્યાં સૂઈ જઈએ. જેમ ફાવે તેમ વર્તી શકીએ. કોઈની શેહશરમમાં ખેંચાયા વિના પોતાની જિંદગી જીવી શકીએ છીએ, તે તેમનાથી સાંખી શકાતું નથી. જયારે અમને “ભિખારીઓની ઈર્ષ્યા આવે છે, કારણ કે તેમને અમારી જેમ તનતોડ મહેનત કરવી પડતી નથી છતાં મફતમાં પેટ પૂરતું ખાવાનું મળી રહે છે ને? આમ દરેક વ્યક્તિને પોતાની હાલતથી ક્યારેય સંતોષ થતો નથી. ગરીબીના નામે જે નાટક દુનિયામાં ભજવાઈ રહ્યું છે તે જોઈને સાચે જ આંતરડી કકળી ઊઠે છે.
ઘણાને લાગે છે કે સરકાર જ અમારી છે. અમારી સુખાકારીને ધ્યાનમાં રાખીને કેટલી યોજનાઓ ઘડાય છે, અમને કેટલી રાહતો અપાય છે, પણ તેમને ક્યાં ખબર છે કે આ બધું માત્ર કાગળના લખાણમાં જ સમાઈ જાય છે. વાસ્તવમાં અમારે બદલે “હજૂરિયાઓની વિટંબણાઓ જ દૂર થાય છે, તેમનાં ઝૂંપડાંને બદલે મહેલો ચણાઈ જાય છે ! કેટલીક વાર અમારા ઝૂંપડાંમાં “ફરતી બૅન્કો” આવીને ઊભી રહે, તો ક્યારેક રાતોરાત પાણીની ચકલીઓ કે લાઈટના થાંભલા ગોઠવાઈ જાય છે! T.V. પર અમારી ફિલ્મો દર્શાવાય છે. પણ આ બધું શું છે એ અમે સમજતા નથી? આ બધું ચૂંટણી દરમિયાન “વોટ' મેળવવાનું નાટકમાત્ર હોય છે. અમે જાણે કે તેમની “વોટ બેન્ક ન હોઈએ ! બહારથી અમારી દયા ખાનારા, અમારા હૈયામાં સળગતી હોળીમાં જ તેમની ખીચડી પકાવી લેતા જોવા મળે છે ત્યારે જીવવું ઝેર જેવું લાગે છે ! અમે સવારથી સાંજ સુધી જિંદગી સાથે ઝઝૂમીએ ત્યારે માંડ રોટલા ભેગા થઈએ છીએ. તેમાંય જો કોઈ પરણતું કે મરતું હોય તો તો અમારાં હાંજા જ ગગડી જાય !
પશુની જિંદગીમાં અને અમારી જિંદગીમાં કોઈ ફેર લાગે છે તમને ? માનવદેહ ધરીને આ ધરતી પર આવ્યા ત્યારથી આજ સુધી ઊઠતાંની સાથે જ મજૂરીએ જોડાવાનું, રાત્રે બીજા દિવસની ચિંતામાં ને ચિંતામાં ઊંઘતા રહેવાનો ડોળ કરવાનો ! આખેઆખું અંગ કળી પડતું હોય છતાં તેને ગણકાર્યા વિના કામે નીકળી પડવાનું. ખાવા-પીવાની, હરવા-ફરવાની, સૂવા-બેસવાની કોઈ જ મઝા નહીં, કોઈ મહત્ત્વાકાંક્ષા નહીં, કોઈ તમન્ના નહીં, બસ મરીએ નહીં ત્યાં સુધી જીવતા રહેવાનું, આ જ રીતે.
COMMENTS