Essay on Destructive Elements in National Unity in Gujarati : In this article " રાષ્ટ્રીય એકતાને તોડનારાં પરિબળો વિશે ગુજરાતી નિબંધ &qu...
Essay on Destructive Elements in National Unity in Gujarati: In this article "રાષ્ટ્રીય એકતાને તોડનારાં પરિબળો વિશે ગુજરાતી નિબંધ", "રાષ્ટ્રીય એકતા વિઘાતક પરિબળ નિબંધ" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Destructive Elements in National Unity", "રાષ્ટ્રીય એકતા વિઘાતક પરિબળ નિબંધ" for Students
અનેકનો સમન્વય કરવો તેનું નામ એકતા. રાષ્ટ્ર એક અતિ વ્યાપક પરિમાણ ધરાવતું એકમ છે. રાજયમાં વસતા લોકો ભિન્નભિન્ન વર્ગ, જ્ઞાતિ, સંસ્કાર, સ્તર અને શિક્ષણ-પ્રમાણ ધરાવતા હોય છે. વ્યક્તિગત કે વર્ગ અનુસાર અનેક વિભિન્ન તત્ત્વો ધરાવતી લોકશાહી પ્રજા પરસ્પર સંવાદથી ટકી રહે, એવું એક નિયામક પરિબળ તે રાષ્ટ્રીય એકતા. સમગ્ર રાષ્ટ્ર એક અને અખંડ રહે તેવી ભાવના એ જ રાષ્ટ્રીય એકતા. બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રની સર્વોપરિતા સ્થાપીને વ્યક્તિ, વર્ગ, જ્ઞાતિ, ધર્મ કે વ્યવસાય આદિને ગૌણ સ્થાને વિચારવાં એનું નામ રાષ્ટ્રીય એકતા.
કોઈ પણ રાજ્યની સલામતી અને વિકાસનો આધાર તેની રાષ્ટ્રીય એકતા પર રહેલો છે. જે રાજ્યમાં એકતા અને અખંડિતતાની પ્રબળ ભાવના પ્રવર્તતી હોય તે રાજ્યમાં દુશ્મનની કોઈ ચાલ ફાવતી નથી. પ્રજામાં એકતા ન હોય તો એની ફૂટનો લાભ લઈને દુશ્મનો પગપેસારો કરી શકે છે. ધીમે ધીમે તે રાષ્ટ્રને અંદરથી સડો પેસાડે છે અને છેવટે સત્તાપલટો કરીને રાષ્ટ્રનું પતન કરે છે. આમ ન થાય એ માટે રાષ્ટ્રીય એકતા સુરક્ષિત રહે તેમાં જ રાષ્ટ્રની સલામતી રહી છે એ સ્વીકારવું જોઈએ.
ભારતને આઝાદી મળ્યાના લગભગ સાત દાયકા થયા. છેલ્લા બે દાયકાથી ભારતમાં રાષ્ટ્રીય શાસન નિષ્ફળ પુરવાર થતું જાય છે. એનું મુખ્ય કારણ રાષ્ટ્રીય એકતાને તોડનારાં પરિબળો છે. આજે સૌથી મોટું પરિબળ હોય તો તે છે ધર્મઝનૂન. હિંદની આઝાદીની લડતના અંતે ભારતના બે ભાગલા થયા તેમાં પણ આ ધર્મઝનૂન કારણભૂત હતું. આજે પણ દેશની અખંડિતતાને તોડવા માટે ખાલિસ્તાન, બાબરી મસ્જિદ અને રામમંદિર જેવાં ધર્મઝનૂન ફેલાવનારાં તત્ત્વો જોરશોરથી માથું ઊંચકી રહ્યાં છે. પ્રજાને સરળતાથી બહેકાવવા અને ઝડપથી ઉશ્કેરવા ધર્મઝનૂનની નાડ દાબવાનું કામ ઘણું સહેલું છે. પ્રજાએ આ સામે જાગૃતિ કેળવવી એ તાકીદની જરૂરિયાત છે.
દાણચોરી અને ઘૂષણખોરી બે એવાં પરિબળો છે, જેનાથી દુશ્મન રાજ્યોને જ વિશેષ લાભ થાય છે અને આપણા દેશને નુકસાન થાય છે. એ જ રીતે ભ્રષ્ટાચાર, લાંચરુશવત, લાગવગ જેવાં દૂષણો આજે ચોમેર પ્રસરી ગયાં છે. આના કારણે રાષ્ટ્રની એકતા જોખમાય તે સ્પષ્ટ છે. સ્વાર્થી અને સત્તાના લાલચુ નેતાઓ પ્રજાને છેતરે છે. ખોટાં વચનો આપીને ભ્રષ્ટાચારથી ચૂંટણી જીતે છે. સત્તા મળ્યા પછી પાછું વાળીને જોયા વિના ધન ભેગું કરવા માંડે છે. રાષ્ટ્ર માટે પોતાની સંપત્તિ વેડફી દેનારા નેતાઓની પેઢી આથમી ગઈ. હવે રાષ્ટ્રની સંપત્તિ લૂંટીને સમૃદ્ધ બનતા સ્વાર્થી નેતાઓની નવી પેઢી આવી છે.
આજની સ્થિતિમાં રાષ્ટ્રીય એકતાને ટકાવનારું સૌથી મોટું તત્ત્વ હોય તો તે એક જ છે – પ્રજામાં રાષ્ટ્રપ્રેમની વિશુદ્ધ ભાવના જગાવવી. દરેક નાગરિક જાગ્રત બુદ્ધિથી વિચારીને પોતાની ફરજ બજાવે અને વિઘાતક અથવા ઉશ્કેરણી કરતાં તત્ત્વોને સાથ ન આપે, તો એ બધાં આપમેળે શાંત થાય અને રાષ્ટ્રીય એકતા સચવાય. આપણે સૌ આ માટે શું કરી શકીએ એ સભાનપણે વિચારવું જોઈએ.
COMMENTS