Monday, 23 November 2020

Gujarati Essay on "Autobiography of A Teacher", "એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા નિબંધ" for Students

Essay on Autobiography of A Teacher in Gujarati: In this article "શિક્ષકની આત્મકથા નિબંધ ગુજરાતી", "એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા નિબંધ", "Ek nivrut shikshak ni atmakatha in gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Autobiography of A Teacher", "એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા નિબંધ" for Students 

ચીની ભાષામાં એક કહેવત છે કે જો આ વર્ષનો વિચાર કરતા હો તો દાણા વાવો, જો દાયકાનો વિચાર કરતા હો તો વૃક્ષ વાવો અને જો સદીનો વિચાર કરતા હો તો શિક્ષણ આપો ! આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વે મેં આ કહેવત વાંચેલી અને ત્યારે જ મેં શિક્ષણકાર્યને મારું જીવનકાર્ય બનાવ્યું એટલે કે શિક્ષણને મારું જીવનકાર્ય બનાવવાનો મક્કમ નિર્ણય કર્યો.

સ્નાતક થયા પછી જયારે મેં ગામડામાં જઈને શિક્ષણકાર્ય આપવું એવી ઇચ્છા મારા ઘરમાં પ્રગટ કરી ત્યારે સૌનાં મોં ઊતરેલી કઢી જેવાં થઈ ગયાં! દેશના સમૃદ્ધ ભવિષ્યના ઘડતર માટે એક વિશાળ વર્ગે પાયાની ઈંટ બનવું જ પડશે. એ આદર્શ કોઈની સમજમાં આવતો નહોતો. પરંતુ હું કોઈની લાગણીની પરવા કર્યા વિના મારા નિર્ણયમાં અફર રહ્યો. પાંચેક હજારની વસતીવાળા આ નાનકડા ગામની શાળામાં હું શિક્ષક તરીકે જોડાયો.

ગાંધીજી અને જવાહરલાલ જેવા નેતાઓની દોરવણીનો અને સામાજિક અને રાજકીય ક્રાંતિનો એ જમાનો હતો. બુનિયાદી તાલીમની ગાંધીજીની વિચારણાએ શિક્ષકને માટે ક્રાંતિ લાવવા માટેનું વિચારબીજ વાવ્યું હતું. મેં મારા નાનકડા ક્ષેત્રમાં એ મહાન બીજને ફળદાયી બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. ગાંધીજીએ કહ્યું હતું કે, “જે અક્ષરજ્ઞાન જીવન જીવવાની કેળવણી ન આપે, તે જ્ઞાન નથી પણ શિક્ષિત મૂર્ખતા છે.” એ શબ્દોને હૃદયમાં કોતરીને મેં મારું જીવનકાર્ય શરૂ કર્યું. મેં વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત હાથપગની કેળવણી' આપી. એ માટે પહેલાં તો મારે પોતાને એક વિદ્યાર્થી બનવું પડ્યું. હસ્તકળાની સુંદર વસ્તુઓ બનાવવાની તાલીમ હું લેતો ગયો અને વિદ્યાર્થીઓને તે આપતો ગયો. આ પ્રવૃત્તિનો એક મોટો લાભ એ થયો કે ગરીબ વિદ્યાર્થીઓ જાતે કમાઈને પોતાનો અભ્યાસક્રમ ચાલુ રાખી શક્યા.

આ પરથી રખે કોઈ એમ માની બેસે કે મેં મારા વિદ્યાર્થીઓને માત્ર હસ્તકળાના વિદ્યાર્થીઓ બનાવી દીધા હતા. હસ્તકળા તો હું વિદ્યાર્થીઓને શાળાનો સમય પૂરો થયા પછી શીખવતો. શાળામાં શીખવવાના વિષયો હું તેમને એવા ઊંડાણથી અને રસપૂર્વક શીખવતો કે મારા વિદ્યાર્થીઓ આજના મોટા ભાગના વિદ્યાર્થીઓની જેમ માત્ર પરીક્ષાર્થી ન રહેતાં સાચા અર્થમાં વિદ્યા-અર્થી બન્યા હતા.

મારી કર્તવ્યનિષ્ઠાએ મને વ્યાપક પ્રસિદ્ધિ અપાવી. ભારતના રાષ્ટ્રપતિ તરફથી મને રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક માટેનો સુવર્ણચંદ્રક મળ્યો. શાળાનું આચાર્યપદ સ્વીકારવા માટે મારા પર ભારે દબાણ કરવામાં આવ્યું. પરંતુ આચાર્યપદ જેવો વહીવટી હોદો મારા જીવનકાર્યમાં વિઘ્નરૂપ બનશે, વિચારીને મેં તેનો અસ્વીકાર કર્યો. શહેરોની મોટી શાળાઓમાં આચાર્યપદ સ્વીકારવા માટે પણ મને કહેણ આવ્યાં, પરંતુ મેં સ્વેચ્છાએ અપનાવેલી આ કર્તવ્યભૂમિ પ્રત્યેની મમતાએ મને અહીં જ રોકી રાખ્યો. મારા અનેક વિદ્યાર્થીઓએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ મેળવી મારું નામ રોશન કર્યું. આમ, મને અનેક રીતે મારી તપસ્યાનું સુફળ મળતું રહ્યું. અને એ રીતે મને મારું ઉદાત્ત સેવાકાર્ય આગળ ધપાવવાની પ્રેરણા મળતી રહી. પક્ષાઘાતની અસરને લીધે, મને છેલ્લાં બે વર્ષથી નિવૃત્ત થવાની ફરજ પડી છે. જીવનમાં અંત પહેલાં જીવનકાર્યનો અંત આવ્યો. એ વાતનો મને ઊંડો રંજ છે, પરંતુ તે સાથે એક ઉમદા કાર્ય પાછળ જીવન ખર્મી હોવાનો વિરલ સંતોષ પણ છે જ.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: