Friday, 20 November 2020

Gujarati Essay on "Autobiography of An Unemployed Person", "એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ ગુજરાતી for Students

Essay on Autobiography of An Unemployed Person in Gujarati: In this article "એક સુશિક્ષિત બેકારની આપવીતી નિબંધ", "એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Autobiography of An Unemployed Person", "એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ ગુજરાતી" for Students

મારી સામે આશ્ચર્યભરી નજરથી જોઈ શું રહ્યા છો ? મારાં લઘર-વઘર કપડાં, ફાટેલાં-તૂટેલાં ચંપલ, વિખરાયેલા વાળને કારણે કદાચ તમે મને કોઈ ભિખારી કે લે-ભાગુ માની લીધો હશે, નહીં ? પણ એ સ્વાભાવિક છે, એમાં તમારોય કોઈ વાંક નથી. બધાં મારો બાહ્ય દેખાવ જ જુએ છે. ખભે લટકાવેલા આ મેલાઘેલા થેલામાં અંગ્રેજીનાં કેટલાંય થોથાં પડ્યાં છે, છતાં હું આમતેમ શાથી ભટકં છું તે તમે જાણશો ત્યારે તમને કદાચ વાસ્તવિક્તાનું ભાન થશે. કદાચ મારા માટે સહાનુભૂતિ ઊપજશે. પણ વડીલ, મારે સહાનુભૂતિની નહીં, નોકરીની જરૂર છે !

ત્રેવીસ વર્ષ પહેલાં મધ્યમવર્ગના એક કુટુંબમાં મારો જન્મ થયો હતો. મારા પિતાજી સામાન્ય કારકુન તરીકે નોકરી કરતા હતા. માતા સીધીસાદી ઘરરખુ ગૃહિણી હતી. બંનેએ કેટલીય આશાઓ, અરમાનો સેવીને, પેટે પાટા બાંધીને મને ભણાવ્યો હતો. મારે એક નાની બહેન અને એક નાનો ભાઈ પણ હતાં. માતાપિતાને એક જ આશા હતી કે દીકરો મોટો થઈને ભણીગણીને ઑફિસર બનશે, નાનાં ભાઈ-બહેનને ભણાવશે, ગણાવશે અને અમારા દિ' વળશે. આંગણે સોનાનો સૂરજ ઊગશે અને આ જ સ્વપ્નામાં રાચતાં એ બંને મારી દરેક માગણીને પૂરી કરતાં રહેતાં હતાં. પણ એમને ક્યાં ખબર હતી કે સ્વપ્નાંનો મહેલ સવાર થતાં જ તુટી જવાનો હોય છે !

માતા-પિતાની વિટંબણાઓ મારાથી સહન થતી ન હતી. નાનાં ભાઈબહેનને ભણાવવાની અને પરણાવવાની જવાબદારી પણ જાણે હું અજાણપણે જ સમજી ગયો હતો, તેથી જ મેં મારું સમગ્ર ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કર્યું. અને સંપૂર્ણ શક્તિ એકત્ર કરી પરીક્ષાઓ સામે ઝઝૂમવા લાગ્યો. સ્નાતક થયા પછી અનુસ્નાતકની પદવી મેળવવાની મહેચ્છા જાગી. મારે માટે ઉચ્ચ અભ્યાસ એ કાંઈ ફેશનોના અખતરા માટેનું કે મોજમસ્તી કરવાનું કોઈ સાધન ન હતું. સહેજ પણ સમય બગાડ્યા વિના હું કૉલેજની લાઇબ્રેરીમાં થોથાંઓ વચ્ચે ઘેરાયેલો રહેતો. કૉલેજકાળના મારા મિત્રો “વેદિયો' કહીને મારી મજાક પણ ઉડાવતા. પણ મારી વાસ્તવિકતાથી હું સંપૂર્ણ માહિતગાર હતો. રજાના દિવસો પણ મારે માટે અભ્યાસના જ દિવસો બની રહેતા. આટલી કઠોર તપશ્ચર્યા કર્યા પછી જયારે હું M.Sc.માં બીજા વર્ગમાં પાસ થયો ત્યારે માતા-પિતાની આંખમાં હરખનાં આંસુ ઊભરાઈ આવ્યાં. ભાઈ-બહેન ખુશખુશાલ થઈ નાચવા લાગ્યાં હતાં. બધાંને હતું કે હાશ, હવે અમારા દુઃખના દિવસે પૂરા થયા છે. પણ એ એક ભ્રમ હતો. જે બહુ જલદી ભાંગી ગયો. આજે મને સમજાય છે કે ખરેખરી વિટંબણા તો હવે પછી શરૂ થાય છે! જિંદગીની શરૂઆત જ આટલી સંઘર્ષમય હશે તેની મેં ક્યારેય કલ્પના પણ નહીં કરેલી !

- નોકરીની શોધમાં એક શહેરથી બીજે શહેર ભટકતો ભટકતો હું ચાર અઠવાડિયાથી મુંબઈમાં આવ્યો છું. આજે તો જરૂર નોકરી મળી જશે એ આશાએ રોજ સવારના પહોરમાં નીકળી પડું છું. કેટલીય ઑફિસો, દુકાનો, પેઢીઓ, બૅન્ક વગેરેમાં જઈ જઈને મારા પગનાં તળિયાંય ઘસાઈ ગયાં છે, પણ બધેથી એક જ જવાબ મળે છે – “No vacancy' (જગા નથી). રોજ સવારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ જેવાં છાપાંઓમાં આંખો સૂજી જાય તેવા ઝીણાઝીણા અક્ષરોમાં છપાયેલી જાહેરાતો રામાયણ કે ભાગવત વાંચતો હોય તેવી શ્રદ્ધાથી વાંચું છું. Employment Exchange (રોજગાર વિનિમય ઑફિસ)ની કચેરીએ પણ ધક્કા ખાઉં છું. સુંદર, સુડોળ, સુવાચ્ય અક્ષરોમાં અરજીઓ કરું છું. સાથે પ્રમાણપત્રોની નકલો મોકલું છું. પણ “Apply Apply but No Reply' જેવી સ્થિતિ સર્જાય છે. છેક છેલ્લી ઘડીએ મને મળવાની હોય તે જગ્યા કોઈ બીજા વગદાર વ્યક્તિને મળી જાય છે, અને હું હાથ ઘસતો રહી જાઉં છું.

અભ્યાસ પૂરો કર્યો ત્યારે મને થતું કે હું કાંઈક ભણેલો છું. મારી પાસે પદવી છે તેથી મુંબઈ જેવા શહેરમાં તો મને નોકરી મળશે જ, પણ મારી આટલી નાની અપેક્ષા સંતોષવામાં આટલું મોટું શહેર પણ નિષ્ફળ ગયું. ઘેરથી લાવેલા પૈસા ખૂટી ગયા છે. અરજીઓ કરવા માટેના પૈસા પણ હવે નથી રહ્યા ! ઘરે જવાની ઇચ્છા થાય છે, પણ માબાપને શું મોં બતાવીશ? અથવા તેમની લાચાર નજરને કેવી રીતે સહન કરી શકીશ ? એ કલ્પનામાત્રથી ધ્રુજારી અનુભવાય છે. તેમને પત્રો લખવાનું પણ બંધ કરી દીધું છે. સાવ એકલોઅટૂલો પડી ગયો છું. મને લાગે છે કે માનવમહેરામણથી છલકાતા આટલા મોટા શહેરમાં કે દેશમાં મારું પોતાનું કોઈ નથી. સ્નેહ કે સહાનુભૂતિનો ક્યાંય છાંટો પણ જણાતો નથી. મારું જીવન મને જ બોજારૂપ લાગવા માંડ્યું છે. ઘણી વાર આ બેકાર' અને બિચારા ગણાતા જીવનનો જાતે જ અંત આણવાનું મન થઈ જાય છે. પણ માતાપિતાનું ઋણ અદા કરવાની ભાવના, તથા નાનાં ભાઈબહેનના દયામણા ચહેરા નજર સામે આવતાં જ આંચકો અનુભવાય છે... અને તેથી જ મેં નક્કી કર્યું છે કે જયાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી બેકાર બનીને પણ જીવતો જ રહીશ.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: